Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

દેશના પૂર્વ ચીફ ઈલેકશન કમિશ્નર અને ક્રાંતિ સર્જનાર ટી.એન.શેષાનનું નિધન

ચેન્નાઈ : ચૂંટણીપંચ પાસે શું સત્તા છે તેનું દેશના ટોચના રાજકીય નેતાઓને ભાન કરાવનાર મૂઠી ઉંચેરા માનવી ટી.એન. શેષાનનું ૮૬ વર્ષની વયે અહિં દુઃખદ અવસાન થયુ છે. આવતા મહિને તેમને ૮૭મું વર્ષ બેસવાનું હતંુ.

તેમના મિત્ર કે.કે. નામ્બીયારે આ વિગતો જાહેર કરતા જણાવેલ કે રાત્રે જમીને સુવા ગયા ત્યારે ૯:૪૫ આસપાસ અચાનક તેમણે વિદાય લીધી હતી.

૧૯૫૫ની બેચના તામિલનાડુ કેડરના આ આઈએએસ અધિકારીએ ચૂંટણીપંચની સત્તાનો ખરો સ્વાદ ચખાડી મહાક્રાંતિ સર્જી હતી. તિરૂનેલ્લાઈ નારાયણ આયર શેષાને દેશના કેબીનેટ સેક્રેટરી સહિતની સીનીયર આઈએએસ અધિકારી તરીકે અનેક હોદ્દા શોભાવ્યા હતા. ૧૨ ડિસેમ્બર ૧૯૯૦થી દેશના ૭૦મા ચીફ ઈલેકશન કમિશ્નર તરીકે ૧૧ ડિસેમ્બર ૧૯૯૬ સુધી કાર્યભાર સંભાળી દેશ-વિદેશમાં ચાહના મેળવેલ.

દેશભરમાં ફૂટપાથો, મકાનો, હોસ્પિટલ, સ્કુલો સહિતની જાહેર મિલ્કતો ઉપરથી ચૂંટણીપ્રચારના સ્લોગનો અદૃશ્ય કરવામાં તેમનો સિંહફાળો રહેલ.

૧૫ ડિસેમ્બર ૧૯૩૨ના રોજ તેમનો જન્મ કેરળના પલક્કડ જિલ્લાના થિરુનેલ્લઈમાં થયો હતો. પલ્લકડથી પોતાનું સ્કૂલિંગ કર્યા બાદ તેમણે મદ્રાસ ક્રિશ્યિયન કોલેજથી ફિઝિકસમાં ગ્રેજયુએશન કર્યું. તેમણે મદ્રાસ ક્રિશ્યિયન કોલેજમાં ત્રણ વર્ષ સુધી ડેમોનસ્ટ્રેટર તરીકે કામ કર્યું હતુ.

આ સાથે જ આઈએએસની તૈયારી કરતા રહ્યાં. ત્યારબાદ તેમણે આઈએએસની પરીક્ષા પાસ કરી. બાદમાં તેણે એક ફેલોશિપ પર હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણવા જતા રહ્યાં અને ત્યાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી.તિરુનેલ્લઈ નારાયણ ઐય્યર શેષન તમિલનાડુ કેડરના ૧૯૫૫ બેચના આઈએએસ ઓફિસર હતા. ૧૦મી ચૂંટણી આયુકત તરીકે તેમણે દેશને પોતાની સેવાઓ આપી. શેષનને રોમન મેગ્સસે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. (૩૭.૮)

(12:26 pm IST)