Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રામ મંદિર નિર્માણના સંકલ્પ સાથે ૨૭ વર્ષથી ઉપવાસ પર છે જબલપુરના ઉર્મિલા ચતુર્વેદી

૨૭ વર્ષથી અન્ન ગ્રહણ નથી કર્યુ ઉર્મિલા ચતુર્વેદીએ, માત્ર કેળા અને ચા પર જ લાંબો સમય વિતાવ્યોઃ અયોધ્યા જઇ ભગવાન શ્રીરામના દર્શન બાદ ઉપવાસ પૂરા કરશે

ભોપાલ, તા.૧૧: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પામે, એ માટે જબલપુરની ઉર્મિલા ચતુર્વેદી વિતેલા ૨૭ વર્ષથી ઉપવાસ કરી રહ્યા છે. જો કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તેમની આ મહેચ્છા પૂર્ણ થવા જઇ રહી છે. ઐતિહાસિક નિર્ણયથી ખૂબ જ ખુશ થયેલા ઉર્મિલા ચતુર્વેદીએ રામ મંદિર નિર્માણ માટે ૧૯૯૨માં ઉપવાસનો સંકલ્પ લીધો હતો, જે હવે પૂરો થશે. વિતેલા ૨૭ વર્ષથી ઉપવાસ કરી રહેલા ઉર્મિલાબેન અત્યારે ૮૭ વર્ષના છે, પરંતુ તેમનો સંકલ્પ હજુ પણ અડગ છે. તેમનું કહેવુ છે ઉપવાસ કરવા પાછળ તેમનો એક જ હેતુ છે કે તેઓ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થતા જોઇ શકે.

૮૭ વર્ષનાઉર્મિલા ચતુર્વેદીએ વર્ષ ૧૯૯૨ પછી અન્ન ગ્રહણ નથી કર્યું. જબલપુરના વિજય નગરમાં વસતા ઉર્મિલા ચતુર્વેદી જણાવે છે વિવાદીત સ્થળ પર તોડફોડ પછી દેશભરમાં હુલ્લડો થયા હતા અને હિન્દુ-મુસ્લિમ ભાઇઓએ એકબીજાનું લોહી વહાવ્યું. આ જોઇ તેઓ દુખી થયા હતા અને એજ દિવસથી તેમણે સંકલ્પ લીધો હતો કે, તેઓ ત્યાં સુધી અન્ન ગ્રહણ નહી કરે જયાં સુધી ભાઇચારા સાથે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ ન પામે.

ઉર્મિલા ચતુર્વેદીએ જણાવ્યું કે ૨૭ વર્ષના ઉપવાસ પછી તેમને સફળતા મળી છે. આ વર્ષો દરમિયાન તેમણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઉપવાસનો સંકલ્પ લેવાના કારણે તેઓ સંબંધીઓથી દૂર થઇ ગયા હતા. લોકો તેમને દ્યણીવાર ઉપવાસ ખતમ કરવા માટે જણાવતા, દબાણ કરતા, તો દ્યણા લોકો તેમનો મજાક ઉડાવતા. આ દરમિયાન કેટલાક લોકો એવા પણ હતા જે તેમને હિમ્મત આપતા હતા.

માત્ર કેળા અને ચાના સહારે ૨૭ વર્ષના લાંબા સફર પછી ઉર્મિલા ચતુર્વેદી એક નવા ઉત્સાહ સાથે રામ મંદિર નિર્માણ પૂરુ થવાની પ્રતિક્ષા કરી રહ્યા છે.તેમની ઇચ્છા છે કે તેઓ અયોધ્યા જઇને ભગવાન શ્રી રામના દર્શન કરી ઉપવાસ પૂરા કરે.

(11:44 am IST)