Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સોમનાથ ટ્રસ્ટની જેમ જ બની શકે છે ન્યાસ

ચાલુ મહિને જ રામ મંદિર ટ્રસ્ટની રચના તિરૂપતિ-વૈષ્ણોદેવી ટ્રસ્ટનો પણ કરાશે અભ્યાસ

નવી દિલ્હી તા ૧૧  : અયોધ્યા વિવાદ પર સુપ્રિમના ચુકાદાને ધ્યાનમાં રાખીને રામ મંદિર માટેના ટ્રસ્ટની રચના આ મહીને થઇ શકે છે. સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ બનનાર આ ટ્રસ્ટ માટે સોમનાથ મંદિર ટ્રસ્ટનું મોડલ અપનાવાય તેવી શકયતા છે, જેથી કેન્દ્ર અને રાજય સરકાર ટ્રસ્ટમાં સભ્યોને નોમીનેટ કરી શકે. સરકાર તિરૂપતિ દેવસ્થાનમ અને શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ સહીત બીજા ટ્રસ્ટોનો પણ અભ્યાસ કરી રહી છે.

સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહયું કે રામ મંદિર નિર્માણ અને દેખભાળ માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ સોૈથી બહેતર મોડલ છે. આ ટ્રસ્ટ સોમનાથ મંદિરની આજુબાજુના ઘણા મંદિરોની દેખભાળ પણ કરે છે. રામ મંદિર ટ્રસ્ટને આસપાસના મંદિરો અને મઠોની જવાબદારી પણ આપી શકાય છે. તેમાં કેન્દ્ર અને રાજય સરકારના પ્રતિનીધીઓ, રામ મંદિર ન્યાસ, મંદિર આંદોલનમાં રહેલા વ્યકિતઓ પણ સામેલ થઇ શકે છે.

મંદિર આંદોલનના આગેવાનો સામેલ થશે અને આ ટ્રસ્ટમાં સભ્યોની સંખ્યા સોમનાથ ટ્રસ્ટના સભ્યોની સરખામણીમાં વધી જશે. સોમનાથ ટ્રસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિતશાહ, ભાજપા નેતા લાલકૃષ્ણ આડવાણી સહિત સાત સભ્યો છે. સુત્રોનું કહેવું છે કે, રામ મંદિર ટ્રસ્ટમાં વડાપ્રધાન મોદી હશે કે નહીં તે નક્કી નથી, પણ સભ્યોના નામ નક્કી કરવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

અયોધ્યા મુદ્દા પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આપસી ભાઇચારો જાળવી રાખવા માટે હિંદુ અને મુસ્લિમ ધર્મગુરૂઓ સાથે મીટીંગ કરી હતી. અયોધ્યામાં રવિવારે ચુકાદાના દિવસ કરતા પણ વધારે સુરક્ષા હતી. મંદિરોના રસ્તા પર આઇડી વગર પ્રવેશ પર પ્રતિબંધ હતો.

અયોધ્યા મુદ્દે સોશ્યલ મીડીયા પર આપતિજનક પોસ્ટ કરનારા ૭૭ લોકોની ધરપકડ થઇ ચુકી છે. છેલ્લા ૨૪ કલાકમાં રર કેસ નોંધાયા હતા અને ૪૦ લોકોને ઝડપી લેવાયા હતા, કાયદો અને વ્યવસ્થાના આઇ.જી. પ્રવિણકુમારે જણાવ્યું હતું કે ૨૪ કલાકમાં રાજયમાં ૪૫૬૩ સોશ્યલ મીડીયા પોસ્ટ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

(9:40 pm IST)