Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

મહારાષ્ટ્રઃ કોંગ્રેસમાં હલચલઃ હાઇકમાન્ડના આદેશની રાહ જોવાય છેઃ શિવસેના પાસે સાંજ સુધીનો સમય

કોંગ્રેસ બહારથી ટેકો આપે તેવી શકયતા

મુંબઈ, તા.૧૧: મહારાષ્ટ્રમાં રવિવાર બીજેપી દ્વારા સરકાર બનાવવાનો ઇન્કાર કરવો અને શિવસેના  દ્વારા રાજયમાં પોતાના મુખ્યમંત્રીનો દાવો કર્યા બાદ કોંગ્રેસમાં ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના તમામ કોંગ્રેસના ધારાસભ્ય રવિવારે જયપુર પહોંચી ગયા છે અને શિવસેનાના નેતૃત્વમાં સરકાર રચવાની સંભાવના પર ચર્ચા કરી રહ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા પણ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

પાર્ટીના વરિષ્ઠ નેતા અહમદ પટેલે પણ જયપુર પહોંચવાની શકયતા છે. બેઠક બાદ કોંગ્રેસ નેતાઓની દિલ્હીમાં પાર્ટીના હાઇકમાન્ડ સાથે આ મુદ્દે ચર્ચા કરવાની શકયતા છે. સૂત્રો મુજબ એનસીપી પ્રમુખ શરદ પવાર સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે.

જોકે, મહારાષ્ટ્રમાં પવારના નેતૃત્વવાળી પાર્ટીએ કહ્યું કે, શિવસેનાને પહેલા એનડીએથી બહાર થવું પડશે, પછી તેમને સમર્થન આપવા વિશે ચચા થશે. આ દરમિયાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે કહ્યુ કે, પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય રાજયમાં રાજકીય વલણને લઈ હાઇકમાન્ડ પાસેથી સલાહ લેશે. તેઓએ કહ્યુ કે, અમે જયપુરમાં છીએ. અમે મુદ્દાઓ પર ચર્ચા કરીશું અને ભવિષ્યના રાજકીય વલણ પર સલાહ લઈશું. પાર્ટી રાજયમાં રાષ્ટ્રપતિ શાસન નથી ઈચ્છતી. ચવ્હાણે કહ્યુ કે, તેઓ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પક્ષમાં છે.

આ પહેલા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે મુલાકાત કરી રાજયની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી. અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ અને બાલાસાહેર થોરાટ જેવા વરિષ્ઠ નેતાઓ સહિત તમામ ૪૪ ધારાસભ્ય મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના ગતિરોધને ધ્યાને લઈ હોર્સ ટ્રેડિંગના શિકાર થવાના ડરથી કોંગ્રેસ શાસિત રાજસ્થાનના પાટનગર જયપુરના એક રિસોર્ટમાં રોકાયા છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશ્યારીએ વિધાનસભા ચૂંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરેલી શિવસેનાને સરકાર બનાવવા રવિવારે આમંત્રણ આપ્યું. સરકાર બનાવવાના બીજેપીએ ઇન્કાર કરવાના થોડાક કલાકો બાદ રાજયપાલે આ પગલું ઉઠાવ્યું.

રાજભવનના એક અધિકારીએ જણાવ્યું કે, શિવસેનાને સરકાર બનાવવા પર સોમવાર (૧૧ નવેમ્બર) સાંજે સાડા સાત વાગ્યા સુધી પોતાનું વલણ રાજયપાલને જણાવવું પડશે. રાજયમાં હાલમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ૨૮૮ સભ્યોની વિધાનસભામાં બીજેપીને ૧૦૫, શિવસેનાને ૫૬ સીટો પર જીત મળી. બીજી તરફ, વિપક્ષી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને ક્રમશઃ ૪૪ અને ૫૪ સીટો પર જીત મળી છે.

(11:39 am IST)