Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રામ મંદિર ફેંસલાથી ભાજપને ચૂંટણીમાં ફાયદાની આશા

કલમ ૩૭૦, ટ્રિપલ તલાક કરતા પણ રામ મંદિરનો મામલો મોટો છેઃ દિલ્હી, બિહાર, પ.બંગાળની ચૂંટણીમાં ભાજપ આ મુદ્દો ઉઠાવશેઃ વિપક્ષ જણાવશે કે ભાજપે મંદિર માટે કશું કર્યુ નથી

નવી દિલ્હી, તા. ૧૧ :. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ થવાથી ભાજપાને આગામી દિવસોમાં ઘણા રાજ્યોમાં ચૂંટણીમાં ફાયદો થવાની આશા છે. પક્ષ આને બીજા મોટા નિર્ણયોની સાથે જોડીને જનતા વચ્ચે જશે જેનો તેને ફાયદો મળશે.

વિપક્ષોની રણનીતિ એ રહેશે કે આનુ શ્રેય ભાજપા ન લઈ શકે. વિપક્ષ આ વિવાદના શમનનું શ્રેય સુપ્રિમ કોર્ટને આપશે અને ભાજપાને અત્યાર સુધી મંદિર નિર્માણ માટે કંઈ ન કરવાનું તહોમત મુકશે. રાજકીય જાણકારોનું કહેવું છે કે મંદિર નિર્માણનો મુદ્દો લોકો માટે કલમ ૩૭૦ હટાવવાથી પણ મોટો છે, એટલે ઝારખંડ ચૂંટણીમાં તેનો લાભ ભાજપાને મળી શકે છે.

ત્યાર પછી દિલ્હી, બિહાર અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, જ્યાં આ મુદ્દો ભાજપા માટે ફાયદાકારક બની શકે છે. આ જ રીતે મહારાષ્ટ્રમાં કોઈ સરકાર નહીં બનાવી શકે તો ચૂંટણી થવાની સ્થિતિમાં ભાજપાને આ મુદ્દાનો સહારો મળી જશે.  અદાલતનો ચુકાદો હોવા છતાં પણ ભાજપા આ કેસને વ્યવસ્થિત રીતે કોર્ટમાં રજૂ કરવાની વાત પોતાના પ્રચારમાં કરશે. આ ઉપરાંત ૩૭૦, ત્રણ તલાક, સવર્ણ અનામત જેવા મુદ્દાઓ તો તેની પાસે છે જ. ઉપરાંત રામ મંદિર મુદ્દો ભાજપાએ શરૂઆતથી જ લીધેલો હોવાથી તેનો ફાયદો સ્વભાવિક રીતે તેને મળવાનો જ છે.

આ ઉપરાંત મંદિર નિર્માણની પ્રક્રિયા હમણા શરૂ થવાથી માંડીને પુરી થવામાં વર્ષો લાગશે. ૨૦૨૨માં યુપી વિધાનસભાની ચૂંટણી થવાની છે, ત્યાં સુધીમાં મંદિર નિર્માણનું ઘણું કામ થઈ ચુકયુ હશે ત્યાર પછી ૨૦૨૪માં લોકસભા ચૂંટણી આવશે ત્યારે ભવ્ય મંદિર તૈયાર હશે જેનો લાભ ભાજપાને મળશે.

બીજી બાજુ, વિપક્ષોની ચિંતાઓ વધી ગઈ છે. તેમનું સંપૂર્ણ ધ્યાન એ વાત પર હશે કે ભાજપાને કેવી રીતે રોકવું ? એટલે તે એ બે પ્રચાર કરશે કે ભાજપા તો આ મુદ્દાને લટકાડી રાખવા માંગતો હતો એટલે જ તેણે ગયા પાંચ વર્ષમાં આના માટે કંઈ નહોતુ કર્યું.

(11:24 am IST)