Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વૈજ્ઞાનિકોની કમાલઃ તમામ પ્રકારના કેન્સરનો ખાત્મો બોલાવતા વાયરસની શોધ

વૈજ્ઞાનિકોએ વેકસીનિયા સીએફ-૩૩ નામના વાયરસની શોધ કરીઃ ઉંદરો પર સફળ પરીક્ષણઃ બ્રેઈન ટયુમર પણ સંકોચાઈને નાનુ થઈ ગયું: કાંઉપોકસ મેળવીને તૈયાર થયો છે આ વાયરસઃ જો બધુ ઠીકઠાક રહ્યુ તો આવતા વર્ષે તેને દવા તરીકે બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ ઉપર ટેસ્ટ કરાશેઃ ટ્રીપલ નેગેટીવ કેન્સરના દર્દીઓ ઉપર પણ પરીક્ષણ કરાશેઃ શોધથી વૈજ્ઞાનિકો ભારે ઉત્સાહીત

સીડની, તા. ૧૧ :. વૈજ્ઞાનિકોએ એક એવા વાયરસને શોધી કાઢયો હોવાનો દાવો કર્યો છે જે દરેક પ્રકારના કેન્સરનો ખાત્મો બોલાવી દેવા માટે સક્ષમ છે. મેડીકલના ક્ષેત્રમાં આને એક મોટી સફળતા તરીકે જોવામા આવે છે. આ વાયરસને વેકસીનિયા સીએફ-૩૩ એવુ નામ આપવામાં આવ્યુ છે. હાલ વિશ્વભરમાં ૧૦૦થી વધુ પ્રકારના કેન્સર જોવામાં આવે છે. કોઈપણ પ્રકારના કેન્સરની જાણ ત્રીજા કે ચોથા સ્ટેજમાં થાય તો ઈલાજની સંભાવના ઘણી ઘટી જાય છે. વૈજ્ઞાનિકો હવે આ સફળતા બાદ આશા રાખે છે કે ટૂંક સમયમાં જ કેન્સરને મૂળમાંથી સમાપ્ત કરી શકાશે. જો ટેસ્ટમાં બધુ ઠીકઠાક રહ્યુ તો આવતા વર્ષથી જ તેને દવા તરીકે બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ ઉપર ટેસ્ટ કરવામાં આવશે.

રીપોર્ટ અનુસાર આ એક એવો વાયરસ છે જે શરીરમાં સામાન્ય શરદીને કારણે બને છે પરંતુ તેને કેન્સર સેલ્સની સાથે ઈન્ફયુઝ કર્યા બાદ વૈજ્ઞાનિકો ચોંકી ઉઠયા હતા. ટેસ્ટ દરમિયાન આ વાયરસે પેટ્રીડીશમાં તમામ પ્રકારના કેન્સરને સમાપ્તને કરી દીધા હતા. તે પછી ઉંદર પર ટેસ્ટ કરવા પર વૈજ્ઞાનિકોને જણાયુ કે આ વાયરસે ટયુમરને ઘટાડીને તેને ઘણુ નાનુ કરી દીધુ હતું. આ વાયરસને ઓસ્ટ્રેલીયન બાયોટેક કંપની ઈમ્યુઝીને બનાવેલ છે. તેને બનાવવાનો શ્રેય અમેરિકાના વૈજ્ઞાનિક અને કેન્સરના સ્પેશ્યાલીસ્ટ પ્રોફેસર યુમાન ફોંગને જાય છે.

પ્રોફેસર ફોંગ જણાવે છે કે કાંઉપોકસ નામનો એક વાયરસ હોય છે જે પાછલા ૨૦૦ વર્ષથી છોટી માતાને ઠીક કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને તેનો માનવીના શરીર પર કોઈ દુષ્પ્રભાવ જોવા નથી મળ્યો. કાંઉપોકસ નામના આ વાયરસને કેટલાક અન્ય વાયરસ સાથે મેળવી ઉંદરના ટયુમર પર તેની ટ્રાયલ કરવામાં આવી છે. જેમા જણાયુ કે ઉંદરના શરીરમાં મોજુદ કેન્સર સેલ્સ સંકોચાઈને ઘણા નાના થઈ ગયા અને તે વધવાના પણ બંધ થઈ ગયા હતા.

પ્રો. ફોંગ ઓસ્ટ્રેલીયામાં જ આ વાયરસના કલીનીકલ ટ્રાયલની તૈયારી કરી રહ્યા છે બાદમાં તેને અન્ય દેશોમાં પણ પરીક્ષણ માટે લઈ જવાશે. આ ટ્રાયલ દરમિયાન ટ્રીપલ નેગેટીવ બ્રેસ્ટ કેન્સર, મેલાનોમા, ફેફસાનું કેન્સર, બ્લડ કેન્સર, પેટનું કેન્સર ધરાવતા દર્દી પર ટેસ્ટ કરાશે. જો કે ઉંદર પર થયેલી આ શોધની સફળતા એ બાબતનો દાવો નથી કરી શકતી કે માનવીમા પણ આવા જ પરિણામો જોવા મળે. હાલ માણસ પર આ વાયરસનો ટેસ્ટ બાકી છે. જે દરમ્યાન તેની આડઅસરોની પણ તપાસ કરવી પડશે. આ છતાં પ્રો. ફોંગ અને મેડીકલ સાયન્સ સાથે જોડાયેલા બધા વૈજ્ઞાનિકો આ શોધને લઈને ઘણા ઉત્સાહીત છે અને તેને એક મોટી સફળતાના સ્વરૂપમાં જોઈ રહ્યા છે.

(10:43 am IST)