Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

શિવસેના સરકાર રચવા દાવો કરશે

ઉદ્ઘવ બની શકે છે મહારાષ્ટ્રના હવે પછીના મુખ્યમંત્રીઃ અજિત પવાર નાયબ મુખ્યમંત્રી

આ સરકારને ટેકો આપવાના બદલામાં કોંગ્રેસને વિધાનસભા અધ્યક્ષનું પદ આપી શકે છેઃશિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે થયેલી વાટાઘાટોમાં મંત્રીમંડળનું સ્વરૂપ પણ ફાઈનલ થઈ ચૂકયું છે

મુંબઈ, તા.૧૧: મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણનો સોમવારે અંત આવે તેવી સંભાવના છે. સૂત્રો અનુસાર શિવસેના સોમવારે સરકાર રચવાનો દાવો રજુ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે શિવસેની સરકારમાં NCP ભાગીદાર બનશે, જયારે કોંગ્રેસ બહારથી ટેકો આપશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર એનસીપી સાથે થયેલી ડીલ અનુસાર શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે પોતે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શકે છે. શરદ પવારના ભત્રીજા અજિત પવારને નાયબ મુખ્યમંત્રીનું પદ મળી શકે છે. જયંત પાટિલને ગૃહમંત્રીનું પદ આપી શકાય છે. આ સરકારને ટેકો આપવાના બદલામાં કોંગ્રેસને વિધાનસભા અધ્યક્ષનું પદ આપી શકે છે. સૂત્રો અનુસાર શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે થયેલી વાટાદ્યાટોમાં મંત્રીમંડળનું સ્વરૂપ પણ ફાઈનલ થઈ ચૂકયું છે.

શિવસેના રાજયસભા સાંસદ સંજય રાઉતે રવિવારે સાંજે જણાવ્યું કે, પાર્ટી અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરેએ જણાવ્યું કે, હવે પછીનો મુખ્યમંત્રી શિવસેનાનો બનશે. તેમણે એક વખત કહી દીધું એટલે સમજી લો કે કોઈ પણ કિંમતે બનશે.

જો ઉદ્ઘવ ઠાકરે પોતે મુખ્યમંત્રીનું પદ સંભાળે છે તો આ પ્રથમ દ્યટના હશે જયારે ઠાકરે પરિવારનો કોઈ સભ્ય સરકારમાં સામેલ થશે. જોકે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ઘવે આદિત્ય ઠાકરેને ઉતારીને સંકેત આપી દીધો હતો કે તેઓ હવે પરિવારની આ પરંપરાને તોડવા માગે છે. શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરે અગાઉ કહેતા હતા કે તેમના પરિવારમાંથી કોઈ પણ સરકારમાં જોડાશે નહીં. તેમના જીવતા રહેવા સુધી શિવસેનાના બીજા નેતાઓ જ કેન્દ્ર કે રાજયની સરકારમાં ભાગીદાર રહ્યા છે.

આ બાજુ ભાજપ દ્વારા સરકાર રચવાની ના પાડ્યા પછી રાજયપાલ ભગત સિંહ કોશ્યારીએ બીજી સૌથી મોટી પાર્ટી શિવસેનાને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે. રાજભવને એક નિવેદનમાં જણાવ્યું કે, શિવસેનાએ ૧૧ નવેમ્બરના રાત્રે ૭.૩૦ કલાક પહેલા જવાબ આપવાનો છે.

છેલ્લા ઘટનાક્રમ અનુસાર એનસીપીના નેતા નવાબ મલિકે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં એનસીપી સરકાર સાથે રચના માટે શિવસેનાએ ભાજપ સાથેના તમામ સંબંધો તોડી નાખવા પડશે. કેન્દ્રીય મંત્રીમંડળમાં રહેલા તમામ મંત્રીઓએ પણ રાજીનામું આપવાનું રહેશે.(૨૩.૩)

(10:43 am IST)