Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

દોસ્ત દોસ્ત ન રહા... ભાજપ-શિવસેના યુતિ તૂટીઃ કેન્દ્રમાં છૂટાછેડા

મહારાષ્ટ્રની રાજકીય લડાઈએ ૩૦ વર્ષ જૂના ભાજપ-શિવસેનાના સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકયોઃ કેન્દ્રમાંથી શિવસેનાના સાંસદ-મંત્રી અરવિંદ સાવંતનું રાજીનામું : શિવસેના એનસીપીના શરણેઃ એનડીએને રામ-રામ કરવાની વાત સ્વીકારીઃ શિવસેના-એનસીપી નવુ રાજકીય ગઠબંધનઃ સાંજ સુધીમાં કોંગ્રેસ પણ ટેકો આપવા રાજી થઈ જશેઃ સાંજે જ સરકાર રચવા શિવસેના દાવો કરશે

નવી દિલ્હી, તા. ૧૧ :. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચેની રાજકીય લડાઈએ બન્ને પક્ષોના ૩૦ વર્ષ જૂના ગઠબંધન સમાપ્ત આરે પહોંચાડી દીધા છે. સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડવા છતા બન્ને પક્ષો પોતપોતાની શરતોને કારણે ગઠબંધનમાં સરકાર બનાવી શકયા નથી અને એવી સ્થિતિ થઈ ગઈ છે કે સરકાર રચવા માટે શિવસેના વિરોધી એનસીપીની શરતો માનવા પણ તે તૈયાર થઈ ગયુ છે. આજે કેન્દ્રમાં શિવસેનાના કવોટાથી મંત્રી અરવિંંદ સાવંતે પોતાના પદ પરથી રાજીનામુ આપવાનું એલાન કર્યુ છે. તેમણે ટ્વીટર પરથી રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ભાજપ સાથેનું અમારૂ ગઠબંધન સમાપ્ત થયું છે. મેં મારૂ રાજીનામુ પીએમને સોંપી દીધુ છે અને શિવસેના મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવા જઇ રહી છે. તેમણે ભાજપ ઉપર બોલીને ફરી જવાનો આક્ષેપ મુકયો હતો.

અરવિંદ સાવંત દક્ષિણ-મુંબઈથી સાંસદ છે અને કેન્દ્રમાં શિવસેનાના કવોટાથી મંત્રી છે. તેમને બહારના ઉદ્યોગનું મંત્રાલય સોંપવામાં આવ્યુ હતુ પરંતુ હવે તેમણે પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે ટ્વીટ કર્યુ છે કે શિવસેનાનો પક્ષ સત્યની સાથે છે. આવા ખરાબ માહોલમાં દિલ્હીની સરકારમાં ચાલુ રહેવાનો કોઈ અર્થ નથી. હું મંત્રી પદ પરથી રાજીનામુ આપુ છું અને બાદમાં પત્રકાર પરિષદમાં મારી વાત રાખીશ. સૂત્રોના હવાલાથી એવુ પણ જાણવા મળે છે કે એનસીપીએ ટેકાના બદલામાં શિવસેના પાસે એનડીએથી અલગ થવાની માંગ કરી હતી.

મહારાષ્ટ્રમાં હવે શિવસેના બીજો મોટો પક્ષ છે. જો કે બહુમતી દૂર છે. તેને સરકાર રચવા એનસીપી સાથે કોંગ્રેસના ટેકાની પણ જરૂર છે. મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો સરકારમાં સામેલ થવા માંગે છે. જો કે અંતિમ નિર્ણય હાઈકમાન્ડ લેશે. એવુ માનવામાં આવે છે કે શિવસેનાને બહારથી ટેકો આપશે.

દરમ્યાન એવુ જાણવા મળે છે કે આજે શરદ પવાર અને શિવસેના વચ્ચે બેઠક યોજાશે. તે પછી સાંજ સુધીમાં શિવસેના સરકાર રચવાનો દાવો કરે તેવી શકયતા છે.

ભાજપ અને શિવસેના વચ્ચે ૧૯૮૯માં ગઠબંધન થયુ હતુ જે હવે તૂટવાના આરે છે.

(3:04 pm IST)