Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ભારતના મુસ્લિમોને મસ્જિદની નહીં, પરંતુ શાળાની જરૂર: 5 એકરની જમીન પર શાળાનું નિર્માણ કરો : સલીમ ખાન

દેશના 22 કરોડ મુસ્લિમને સારું શિક્ષણ મળશે તો દેશની અનેક ખામીઓ પૂરી થઇ જશે

મુંબઈ : બૉલીવુડ અભિનેતા સલમાન ખાનના પિતા અને લેખક સલીમ ખાને  જણાવ્યું કે, અયોધ્યામાં મુસ્લિમોને મસ્જિદ નિર્માણ માટે જે પાંચ એકર જમીન આપવામાં આવશે ત્યાં શાળાનું નિર્માણ કરવામાં આવે. ભારતના મુસ્લિમોને મસ્જિદની નહીં, શાળાની જરૂર છે.

 સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાનું સ્વાગત કરતા તેમણે જણાવ્યું હતું કે, પૈગમ્બરે ઇસ્લામની બે ખૂબીઓ જણાવી છે, જેમાં પ્રેમ અને ક્ષમા સામેલ છે. હવે અયોધ્યા વિવાદનો 'ધ એન્ડ' થઇ ગયો છે તો મુસ્લિમોએ આ બે વિશેષતાઓ પર ચાલીને આગળ આવવું જોઇએ. પ્રેમ કરો અને માફ કરો. હવે આ મુદ્દાને ફરીથી ઉછાળો નહીં. અહિંયાથી આગળ વધો.

 તેમણે જણાવ્યું હતું કે, ચુકાદો આવ્યા બાદ જેવી રીતે શાંતિ અને સૌહાર્દ કાયમ રહ્યું તે પ્રશંસનીય છે. હવે આનો સ્વીકાર કરો. એક જૂના વિવાદનો અંત આવ્યો. હું કોર્ટના નિર્ણયનો સ્વીકાર કરું છું. મુસ્લિમોએ આ મામલે ચર્ચા કરવી જોઇએ નહીં. તેની જગ્યાએ મૂળભૂત સમસ્યાઓ પર ચર્ચા કરવી જોઇએ અને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઇએ. આપણે શાળા અને હોસ્પિટલની જરૂર છે. અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે પાંચ એકર જમીન મળશે તેમાં સ્કૂલ-કોલેજનું નિર્માણ થાય તો સારું રહેશે.

  સલીમ ખાને વધુમાં જણાવ્યું હતું કે, અમારે મસ્જિદની જરૂર નથી, નમાઝ તો આપણે ક્યાંય પણ પઢી લઇશું... ટ્રેનમાં, વિમાનમાં, જમીન પર, ક્યાંય પણ પઢી લઇશું. પરંતુ આપણે એક સારી શાળાની જરૂર છે. જો દેશના 22 કરોડ મુસ્લિમને સારું શિક્ષણ મળશે તો દેશની અનેક ખામીઓ પૂરી થઇ જશે. હું વડાપ્રધાન મોદીથી સહમત છું. આજે શાંતિની જરૂર છે. આપણા ઉદ્દેશ પર ફોક્સ કરવા માટે શાંતિ જોઇએ. આપણે ભવિષ્ય અંગે વિચારવાની જરૂર છે. શિક્ષિત સમાજમાં જ ઉજ્જવળ ભવિષ્ય છે. મુખ્ય મુદ્દો એ છે કે મુસ્લિમ શિક્ષણમાં પછાત છે.

(12:00 am IST)