Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

તબીબી વિમામાં યોગ, જીમ ખર્ચને આવરી લેવા તૈયારી

પ્રોટીન સપ્લીમેન્ટના ખર્ચ માટે વાઉચર અપાશ : તબીબી વિમા ધારકોને ટૂંક સમયમાં મોટી રાહત મળશેે

નવી દિલ્હી, તા. ૧૦ : હવે મેડિકલ ઇન્સ્યોરન્સમાં યોગ, જીમ અને પ્રોટીન સપ્લીમેન્ટના ખર્ચને પણ આવરી લેવાની તૈયારી ચાલી રહી છે. આ પાસા પર વિચારણા ચાલી રહી છે. તબીબી વિમા ધારકોને ટૂંક સમયમાં જ તેમના વિમા પેકેજમાં યોગકેન્દ્ર અને જીમની મેમ્બરશીપના ચાર્જ ભરવા તથા પ્રોટીન સપ્લીમેન્ટ ખરીદવા માટે પણ વાઉચર મળી શકે છે. આઈઆરડીએઆઈ સામાન્ય લોકોની વચ્ચે આરોગ્ય પ્રત્યે જાગૃકતા વધારવા માટે આ નવા દિશાનિર્દેશમાં કામ કરવામાં વ્યસ્ત છે. ઇરડાએ આરોગ્ય તથા બચાવના ફીચર અને ફાયદાઓ ઉપર દિશા નિર્દેશના મુસદ્દામાં સાફ શબ્દોમાં કહ્યું છે કે, આરોગ્ય વિમા આપનાર અથવા તેમની સાથે જોડાયેલી હોસ્પિટલ વિમા ધારકોને બહારની સલાહ અને સારવાર, દવાઓ, આરોગ્ય સંબંધિત ચકાસણી સેવાઓની ઓફર કરી શકે છે. સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે, વિમાની સાથે જોડાયેલી આરોગ્ય અને ફિટનેસની શરતોના આધાર પર વિમા ઉપલબ્ધ કરાવનાર તબીબી વિમા ધારકોની વચ્ચે આરોગ્યને લઇને જાગૃકતા ફેલાવવામાં આવી શકે છે.

                 ઇરડાના કહેવા મુજબ વિમા ધારકોને બહારથી સલાહ અને સારવાર, તબીબી ચકાસણી, પ્રોટીન સપ્લીમેન્ટ ખરીદવા માટે વાઉચર તથા યોગ અને જીમ માટે છુટછાટ વાઉચર ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરી શકે છે. મુસદ્દામાં કહેવામાં આવ્યું છે કે, આ તમામ સુવિધા આપવાના બદલામાં વિમા આપનાર કંપનીઓ પ્રોડક્ટની સાથે સાથે અલગથી ચાર્જ લાગૂ કરી શકે છે. અલબત્ત વિમા આપનાર કંપનીઓને વિમાની ઓફર કરવાની સાથે સાથે સ્પષ્ટ કહેવું પડશે કે આ સુવિધાના બદલામાં કેટલા ચાર્જની ચુકવણી કરવાની રહેશે.

(12:00 am IST)