Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અમેરિકામાં જીવનસાથીને વર્ક પરમિટની મંજુરી મળી

એચવનબી વિઝા ધારકોને મોટી રાહત મળી : વિઝા ધારકોના જીવનસાથીઓને અમેરિકામાં કામ કરવા માટે ઓબામા દ્વારા શરૂ કરાયેલી યોજના યથાવત રહી

નવી દિલ્હી, તા. ૧૦ : એચવનબી વિઝા ધારકોના પત્નિઓને અમેરિકાની કોર્ટમાંથી આખરે ખુબ મોટી રાહત મળી ગઈ છે. એચવનબી વિઝા ધારકોને રાહત આપતા અમેરિકાની અદાલતે વિઝા ધારકોના પત્નિઓના વર્ક પરમિટને ગેરકાયદે ગણાવવાનો ઇન્કાર કરી દીધો છે. આનો મતલબ એ થયો કે, એચવનબી વિઝા ધારકોના પત્નિ અથવા તો પાર્ટનરો અમેરિકામાં નોકરી કરી શકશે. અમેરિકાની એક અદાલતે એચવનબી વિઝા ધારકોના જીવનસાથીઓને દેશમાં કામ આપવાની મંજુરી આપવા માટે ઓબામા વહીવટીતંત્રના ગાળા દરમિયાન શરૂ કરવામાં આવેલી યોજનાને ગેરકાયદે જાહેર કરવાનો ઇન્કાર કરી દીધો છે. અમેરિકી કોર્ટના આ ચુકાદાથી અમેરિકામાં રહેતા હજારો ભારતીયો લોકોને ખુબ મોટી રાહત થઇ ગઇ છે. એચવનબી વિઝા એક બિનપ્રવાસી વિઝા છે જે અમેરિકી કંપનીઓને કુશળતાના આધાર પર વિદેશી કર્મચારીઓને નોકરી ઉપર રાખવાની મંજુરી આપે છે.

                   તત્કાલિન અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ ૨૦૧૫માં આ આદેશ જારી કર્યો હતો જેમાં કેટલીક કેટેગરીના એચ-૪ વિઝા ધારકો ખાસ રીતે ગ્રીન કાર્ડનો ઇંતજાર રહેલા એચવનબી વિઝા ધારકોના જીવનસાથીઓને અમેરિકામાં રહીને કામ કરવાની મંજુરી આપે છે. ખાસરીતે ભારતીય મહિલાઓને આ નિયમથી વધારે ફાયદો થઇ રહ્યો છે. વર્તમાન ટ્રમ્પ વહીવટીતંત્રએ કેટલાક કારણોથી આને રદ કરવાની વાત કરી હતી જેને લઇને અમેરિકામાં રહેતા મોટી સંખ્યામાં લોકોએ પડકાર ફેંક્યો હતો. કોલમ્બિયા સર્કિટના જિલ્લાઓ માટે અમેરિકાની અપીલ કોર્ટમાં ત્રણ જજની બેંચે આ મામલો હાથ ધર્યા બાદ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો આવ્યા બાદ મોટી સંખ્યામાં ભારતીયોને રાહત થઇ છે. ટ્રમ્પે ઓબામાના નિર્ણયને બદલવાની તૈયારી કરી હતી.

(12:00 am IST)