Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ઈરાકે આઈએસના ખુંખાર આતંકવાદી સામી જસીમને પકડી પાડયો

અમેરિકાએ તેના માથા સાટે માતબર રકમનું ઈનામ પણ જાહેર કર્યું હતું

ઈરાકે આઈએસના ખુંખાર આતંકવાદી સામી જસીમને પકડી પાડયો હતો. આ આતંકવાદી આઈએસનો ટોપ કમાન્ડર હતો અને અમેરિકાએ તેના માથા સાટે માતબર રકમનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ કાદિમીએ માહિતી આપી હતી કે ઈરાકના સુરક્ષાદળોએ આઈએસ અને અલકાયદામાં કામ કરતા ટોચના નેતાની ધરપકડ કરી હતી. સામી જસીમ આઈએસનો બીજા નંબરનો નેતા હોવાનું કહેવાય છે. આઈએસને બધી જ આર્થિક સહાય એ પહોંચાડે છે. દુનિયાભરના કટ્ટરવાદીઓ પાસેથી ફંડ ઉઘરાવીને તે આઈએસને આપે છે.
અમેરિકાએ આ ખુંખાર આતંકવાદીના માથા સાટે પચાસ લાખ ડોલર એટલે કે અંદાજે ૩૭ કરોડ રૃપિયાનું માતબર ઈનામ રાખ્યું હતું. સીરિયામાં આઈએસનો જે હાહાકાર ચાલ્યો હતો. એની પાછળ સામી જસીમ જવાબદાર હતો. તેના ઈશારે સીરિયામાં આતંક ફેલાવવામાં આવતો હતો.
અબુ બક્ર અલ બગદાદી પછી બીજા નંબરના નેતા તરીકે તે આઈએસમાં જાણીતો હતો. ૨૦૧૯માં અબુ બક્ર અલ બગદાદી અમેરિકાની એર સ્ટ્રાઈકમાં માર્યો ગયો હોવાનો દાવો થયો હતો. એ પછી સામી વિવિધ દેશોમાં છુપાતો ફરતો હતો. ઈરાકે એક વિશેષ ઓપરેશન હાથ ધરીને તેની ધરપકડ કરી છે.

(12:26 am IST)