Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

શું પ્રકાશ પર્વ અંધારામાં વીતશે : દેશના 135 માંથી 110 પ્લાન્ટમાં કોલસાની કટોકટી : ગંભીર સ્થિતિ

16 પ્લાન્ટમાં એક દિવસ ચાલે તેટલો પણ કોલસો નથી : 30 પ્લાન્ટ પાસે માત્ર 1 દિવસનો કોલસો બાકી

નવી દિલ્હી :  દેશની ઘણી વીજ કંપનીઓ સામે કોલસાના સ્ટોકનું સંકટ ઉભું થયું છે. તેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશના ઘણા રાજ્યોમાં વીજળીની કટોકટીની સ્થિતિ છે. જોકે, આ મુદ્દે કેટલીક રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના દાવાઓ વચ્ચે મોટો તફાવત છે. સવાલ એ છે કે આગામી મહિનાની શરૂઆતમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ચિંતા છે કે આ વર્ષે દિવાળી ક્યાંક અંધારામાં તો નહીં પસાર થાય ને.

માત્ર ભારતમાં જ નહીં પણ ચીન, યુરોપ અને અમેરિકામાં પણ વીજ સંકટનો ખતરો છે. ઉપરથી દર વર્ષે ઓક્ટોબરથી વીજળીની માંગ વધવા લાગે છે. દિલ્હી, પંજાબ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટકની સરકારે બગડતી સ્થિતિ અંગે કેન્દ્રને ચેતવણી આપી છે. એટલું જ નહીં, કેરળ, મહારાષ્ટ્રએ નાગરિકોને વીજળીનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે. તો શું ભારત પાવર કટોકટી તરફ આગળ વધી રહ્યું છે? તો શું ચીનની જેમ દેશના ઘણા વિસ્તારોમાં અંધરપટ થશે?

7 ઓક્ટોબરના રોજ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના રિપોર્ટ મુજબ, દેશમાં 135 માંથી 110 પ્લાન્ટ કોલસાની કટોકટીનો સામનો કરી રહ્યા છે અને ગંભીર સ્થિતિમાં પહોંચી ગયા છે. 16 પ્લાન્ટમાં તો એક દિવસ ચાલે તેટલો પણ કોલસો નથી. તો બીજી તરફ 30 પ્લાન્ટ પાસે માત્ર 1 દિવસનો કોલસો બાકી છે. એ જ રીતે, 18 પ્લાન્ટમાં માત્ર 2 દિવસનો કોલસો બાકી છે. એટલે કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે.

(11:39 pm IST)