Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મહિલાની નજીક ઉલ્કાપિંડ પડ્યો છતાં આબાદ બચાવ

લોકોએ આકાશમાંથી સળગતી ચીજ પડતાં જોઈ : મહિલાએ આ ઉલ્કાપિંડના ટૂકડાને સંભાળીને રાખ્યો છે

ઓટાવા ,  તા.૧૧ : દુનિયામાં દરરોજ કોઇને કોઇ એવી ઘટના બને છે જેના વિશે જાણીને અચંબો પેદા થાય છે. આવી જ એક ઘટના બની છે કેનેડામાં, જ્યાં પોતાની ઘરમાં સૂઇ ગયેલી મહિલાની પથારીમાં જ ઉલ્કાપિંડ પડ્યો અને નજીવા અંતરે એનો જીવ બચી ગયો.

માહિતી પ્રમાણે ઉલ્કાપિંડ એના ઘરની છત તોડીને રુમમાં બેડ પર પડ્યો હતો, જ્યાં બાજુમાં જ મહિલા સૂઇ ગઇ હતી. બ્રિટિશ કોલંબિયામાં રહેતી રુથ હેમિલ્ટન પોતાના ચહેરાથી થોડા ઇંચ દૂર અવાજ થતાં અને રુમમાં થયેલા ધુમાડાને લીધે ઉઠી ગઇ હતી. રિપોર્ટ મુજબ, આ ઘટના ૪ ઓક્ટોબરની છે. મહિલાનું કહેવુ છે કે, હું અચાનક ઉઠી ગઇ અને જોયું તો ડરી ગઇ હતી. આ ઘટનાની એક રાત પહેલા પણ અહીંના લુઇસ લેક પાસે લોકોએ ઉલ્કાપિંડ પડતાં જોયો હતો.

આ ઘટનાને નરી આંખે જોનારા લોકો, જે બાજુમાં એક કન્સ્ટ્રક્શન સાઇડ પર કામ કરતાં હતા. તેમનું કહેવુ હતું કે તેમણે અવકાશમાંથી એક સળગતી ચીજ પડતાં જોઇ હતી.

તેમના નિવેદન પછી સ્પષ્ટ થયું હતું કે, મહિલાના ઘર પર ઉલ્કાપિંડ પડ્યો હતો. મહિલાએ આ ઉલ્કાપિંડના ટૂકડાને સંભાળીને રાખ્યો છે જેથી એમના પરિવારને બતાવી શકે.

ઉલ્લેખની છે કે, અવકાશમાં આ પ્રકારની ઘટના વારંવાર બનતી રહે છે. જોકે ઉલ્કાપિંડ પડતાં જ્યારે પૃથ્વીના વાતાવરણમાં આવે છે ત્યારે ઘર્ષણ પેદા થતાં સળગી ઉઠે છે. મોટાભાગે ઉલ્કાપિંડની રાખ જ પૃથ્વી પર પડે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે મોટા આકારના ઉલ્કાપિંડ પૃથ્વી પર પડતાંની સાથે તબાહી મચાવે છે. જે કરોડો વર્ષ પહેલા સાબિત થઇ ચૂક્યું છે. ડાયનાસોર યુગના અંત પાછળ પણ ઉલ્કાપાતને કારણભૂત માનવામાં આવે છે.

(7:22 pm IST)