Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર ૩ અમેરિકનને મળ્યો

ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એન્ગ્રિસ્ટ, ગુઇડો ઇમ્બેન્સ સન્માનિત : ત્રણેય અમેરિકી અર્થશાસ્ત્રીઓે અનપેક્ષિત પ્રયોગો, અથવા કુદરતી પ્રયોગો પરથી તારણો કાઢવા પર સન્માનિત કરાયા

સ્ટોકહોમ,  તા.૧૧ : અમેરિકાના ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એન્ગ્રિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સને અર્થશાસ્ત્ર માટે ૨૦૨૧નો નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણેય અમેરિકી અર્થશાસ્ત્રીઓને અનપેક્ષિત પ્રયોગો, અથવા કહેવાતા કુદરતી પ્રયોગો પરથી તારણો કાઢવા પર કામ કરવા બદલ તેમને અર્થશાસ્ત્રમાં ૨૦૨૧ નો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

નોબેલ પુરસ્કારથી સન્માનિત થનારા અર્થશાસ્ત્રીઓમાં બર્કલે સ્થિત કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયના ડેવિડ કાર્ડ, મૈસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના જોશુઆ ડી એન્ગ્રિસ્ટ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ગુઇડો ઇમ્બેન્સ સામેલ છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે કહ્યુ કે, ત્રણેયે આર્થિક વિજ્ઞાનમાં અનુભવજન્ય કાર્યોને સંપૂર્ણ રીતે બદલી નાખ્યા છે.  નોબેલ સમિતિએ ડેવિડ કાર્ડને શ્રમ અર્થશાસ્ત્રમાં તેમના યોગદાન માટે પુરસ્કારનો અડધો ભાગ આપ્યો છે તો બીજો અડધો ભાગ સંયુક્ત રૂપથી જોશુઆ ડી એન્ગ્રિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સને કારણ સંબંધોના વિશ્લેષણમાં તેમના મેથેડોલોજિકલ યોગદાન માટે આપવામાં આવ્યો છે.  પાછલા વર્ષે પુરસ્કાર સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે અર્થશાસ્ત્રીઓ પોલ આર મિલ્ગ્રોમ અને રોબર્ટ બી વિલ્સનને મળ્યો હતો. જેમણે હરાજીને વધુ કુશલતાથી સંચાલિત કરવાની મુશ્કેલ સમસ્યાનું સમાધાન કાઢ્યું હતું.

(7:18 pm IST)