Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

લગ્ન જેવી વસ્તુઓ માટે હિંદુ યુવાઓનું ધર્મ પરિવર્તન કરવું ભૂલ ભરેલું :મોહન ભાગવત

સંઘ પ્રમુખે કહ્યું -‘ધર્મ પરિવર્તન કઈ રીતે થાય છે? ક્ષુદ્ર સ્વાર્થ માટે, લગ્ન માટે? હિંદુ યુવતીઓ અને યુવકો અન્ય ધર્મોને કઈ રીતે અપનાવે છે? જે લોકો આવું કરે છે તે ખોટું કરે છે

નવી દિલ્હી :  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે, લગ્ન જેવી વસ્તુઓ માટે હિંદુ યુવાઓનું ધર્મ પરિવર્તન કરવું ખોટી વાત છે. સાથે જ ભાગવતે એ વાત પર પણ જોર આપ્યું હતું કે, પરિવારજનોએ તેમના (યુવાનો)ના મનમાં ધર્મ પ્રત્યે ગર્વ પેદા કરવો જોઈએ.

ઉત્તરાખંડના હલ્દાની ખાતે સંઘના કાર્યકરો અને તેમના પરિવારજનોને સંબોધિત કરતી વખતે મોહન ભાગવતે આ વાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન સંઘ પ્રમુખે જણાવ્યું કે, ‘ધર્મ પરિવર્તન કઈ રીતે થાય છે? ક્ષુદ્ર સ્વાર્થ માટે, લગ્ન માટે? હિંદુ યુવતીઓ અને યુવકો અન્ય ધર્મોને કઈ રીતે અપનામેવ છે? જે લોકો આવું કરે છે તે ખોટું કરે છે, પરંતુ તે બીજો મુદ્દો છે. શું આપણે આપણા બાળકોનું યોગ્ય પાલન-પોષણ નથી કરતા? આપણે આપણા બાળકોને ઘરમાં આવી શિક્ષાઓ આપવી પડશે. આપણે તેમના અંદર ધર્મ પ્રત્યે આદર, ગર્વ પેદા કરવો પડશે.’

RSS પ્રમુખે જણાવ્યું કે, લોકો પોતે જ ધર્મ સાથે સંકળાયેલા સવાલોના જવાબ શોધે, જેથી બાળકો આવીને કશું પુછે તો કન્ફ્યુઝન ન થાય. આપણે આપણા બાળકોને તૈયાર કરવા પડશે, આ માટે પોતે જ વસ્તુઓ શીખવી-જાણવી પડશે. સંઘ પ્રમુખે લોકોને ભારતીય પર્યટન સ્થળોએ જવાની, ઘરે બનેલું ભોજન જમવાની અને પરંપરાગત પોશાક પહેરવાની વિનંતી કરી હતી.

ભાગવતે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા માટેના 6 મંત્રો છે. તેમાં ભાષા, ભોજન, ભક્તિ ગીત, યાત્રા, પોશાક અને ઘરનો સમાવેશ થાય છે. ભાગવતે લોકોને પરંપરાગત રીત-રિવાજો અપનાવવા માટે કહ્યું હતું. આ સાથે જ પોતાની જાતને અસ્પૃશ્યતા જેવી વસ્તુઓથી દૂર રાખવા માટે પણ વિનંતી કરી હતી. તેમણે જાતિના આધારે કોઈના સાથે ભેદભાવ ન કરવા માટે જણાવ્યું હતું.

સંઘ પ્રમુખે લોકોને પર્યાવરણ વગેરે વિષયો પર વાત કરવા કહ્યું જેથી પાણી, છોડ-ઝાડને બચાવી શકાય. સાથે જ ‘જ્યારે હિંદુ જાગશે ત્યારે દુનિયા જાગશે’ તેમ પણ કહ્યું હતું.

(12:18 pm IST)