Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ક્રૂડ ઓઈલ અને ઈંધણ વાયુઓની આયાત પર નિર્ભરતા ઘટાડવા અને જૈવ ઈંધણના ઉત્પાદનને વેગ આપવો જરૂરી : નીતિન ગડકરી

કેન્દ્રીયમંત્રી ગડકરીએ કહ્યું તેમણે પોતાના ટ્રેક્ટરને સીએનજી વાહનમાં રૂપાંતર કરવાની પહેલ કરી

નવી દિલ્હી :ક્રૂડ ઓઈલ અને ઈંધણ વાયુઓની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે દેશમાં જૈવ ઈંધણના ઉત્પાદનને વેગ આપવા પર ભાર મૂકતા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેમણે પોતાના ટ્રેક્ટરને સીએનજી વાહનમાં રૂપાંતર કરવાની પહેલ કરી છે.

ગડકરી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઈન્દોરમાં સોયાબીન પ્રોસેસર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (SOPA) દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સોયાબીન પરિષદને સંબોધિત કરી રહ્યા હતા.એમણે કહ્યું કે, મેં પોતે પણ મારા (ડીઝલ સંચાલિત) ટ્રેક્ટરને સીએનજી સંચાલિત વાહનમાં રૂપાંતરિત કર્યું છે. ક્રૂડ ઓઈલ અને ઈંધણ વાયુઓની આયાત પરની આપણી નિર્ભરતા ઘટાડવા માટે આપણે સોયાબીન, ઘઉં, ડાંગર, કપાસ વગેરે પાકોની ખેતીની પરાળી (પાકનો કચરો)માંથી બાયો-સીએનજી અને બાયો-એલએનજી જેવા બાયો-ઈંધણના ઉત્પાદનને પ્રોત્સાહન આપવું જોઈએ. આનાથી ખેડૂતોને ખેતીમાંથી વધારાની આવક પણ મળશે.

માર્ગ પરિવહન મંત્રીએ આ વાત એવા સમયે કરી છે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાને કારણે દેશમાં પેટ્રોલિયમ ઈંધણના ભાવ વિક્રમી સ્તરે પહોંચી ગયા છે, જેના કારણે સામાન્ય માણસ પર મોંઘવારીનો બોજ વધી ગયો છે.

ગડકરીએ એમ પણ કહ્યું કે અત્યારે ભારત તેની ખાદ્યતેલની જરૂરિયાતના 65 ટકા આયાત કરી રહ્યું છે અને દેશને આ આયાત માટે દર વર્ષે એક લાખ 40 હજાર કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. આ આયાતને કારણે એક તરફ દેશના ગ્રાહક બજારમાં ખાદ્ય તેલના ભાવ ઉંચા છે, બીજી બાજુ તેલીબિયા ઉગાડતા સ્થાનિક ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ નથી મળી રહ્યા.

 

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ખાદ્યતેલના ઉત્પાદનમાં ભારતના આત્મનિર્ભરતાના લક્ષ્યને હાંસલ કરવા માટે દેશમાં સરસવના જીન-સંવર્ધીત બીજની તર્જ પર સોયાબીનના જીએમ બીજના વિકાસ તરફ આગળ વધવું જોઈએ. કારણ કે હાલના સોયાબીનના બીજમાં અલગ અલગ ખામીઓ છે.

તેમણે કહ્યું કે “મેં વડાપ્રધાન સાથે (સોયાબીનના જીએમ બિયારણ અંગે) પણ ચર્ચા કરી છે અને મને ખબર છે કે દેશમાં ઘણા લોકો ખાદ્ય પાકના જીએમ બીજનો વિરોધ કરે છે. પરંતુ આપણે અન્ય દેશોમાંથી એવા સોયાબીન તેલની આયાત રોકી શકતા નથી, જે જીએમ સોયાબીનમાંથી જ કાઢવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે કુપોષણને દૂર કરવા માટે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં સોયા ઓઈલ કેક (સોયાબીનમાંથી તેલ કાઢી લીધા પછી બાકી રહેલ પદાર્થ)માંથી ખાદ્ય ઉત્પાદનો બનાવવા અંગે વિગતવાર સંશોધનની જરૂર છે. “આપણા દેશમાં ઘણા વિસ્તારોમાં પ્રોટીનના અભાવને કારણે કુપોષણને લીધે આદિવાસી સમુદાયના હજારો લોકો મરી રહ્યા છે. સોયા કેકમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

ગડકરીએ ભારતના કૃષિ વૈજ્ઞાનિકોને અપીલ કરી હતી કે તેઓ સોયાબીનની એકર દીઠ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આ તેલીબિયા પાકના ટોચના વૈશ્વિક ઉત્પાદકો – અમેરિકા, બ્રાઝિલ અને આર્જેન્ટિના સાથે બીજ વિકાસનો સંયુક્ત વિકાસ કાર્યક્રમ શરૂ કરવાનો પ્રયાસ કરે

 

(11:10 pm IST)