Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ગુજરાતમાં ડિસેમ્બરમાં 10.312 ગ્રામ પંચાયતોની ચૂંટણી: સરકારે રોટેશન બેઠકોનો અહેવાલ ચૂંટણી પંચને મોકલ્યો

આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરાશે :નવેમ્બરમાં ચૂંટણી પંચ ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે

ગાંધીનગર : ગુજરાતમાં ડિસેમ્બર 2022માં યોજનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં આ વર્ષના અંતે એટલે કે ડિસેમ્બર 2021માં મુદ્દત પૂર્ણ થતી 10312 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી છે. સરકારે રોટેશન બેઠકોનો એક અહેવાલ ચૂંટણી પંચને મોકલ્યો છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સામાન્ય રીતે રાજકીય પ્રતિક પર લડાતી નથી તેથી કેટલી પંચાયત કઇ પાર્ટીને મળી છે તે નિશ્ચિત બનતું નથી, પ્રત્યેક પાર્ટીઓ સમર્થિત ઉમેદવારની જીતના માત્ર દાવા કરી શકે છે. ગ્રામ પંચાયતની આ ચૂંટણીઓ બેલેટ પેપરની પ્રક્રિયાથી પૂર્ણ થાય છે. ગામડાના વિકાસ માટે 2001થી રાજ્ય સરકાર વધારાની ગ્રાન્ટ ફાળવી શકે તે માટે પ્રત્યેક ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયતનો કોલ આપતી હોય છે અને 15 થી 20 ટકા પંચાયતોમાં ચૂંટણી નહીં પણ સરપંચની પસંદગી થતી હોય છે.

રાજ્યમાં તાજેતરમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીઓ સંપન્ન થઇ છે અને તેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ પડકાર બનીને આવી છે.

રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણીઓ માટેની તૈયારી શરૂ કરી છે. રાજ્ય સરકારે રોટેશન રિપોર્ટ એટલે કે સામાન્ય બેઠક, મહિલા અનામત, એસસી-એસટી અનામત સહિતની બેઠકોની જાણકારી ચૂંટણી પંચને આપી છે. આ ચૂંટણી પંચ કોરોના ગાઇડલાઇન પ્રમાણે થવાની છે.

પંચાયતોની ચૂંટણી માટે ઓક્ટોબરના મધ્યમાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારબાદ નવેમ્બરમાં ચૂંટણી પંચ ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે. ભાજપ આ વખતે નો રિપીટ થિયરી અપનાવશે, એટલે કે ગઇ ચૂંટણીમાં ભાજપ સમર્થિત જે સરપંચ હશે તેને બદલીને નવો ચહેરો મૂકવામાં આવશે. રાજ્ય સરકારે સમરસ ગ્રામ પંચાયત કરવા માટેના પ્રયાસો પણ શરૂ કર્યા છે.

 

(12:00 am IST)