Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

કાલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરશે અરબાઝ મર્ચન્ટ

ક્રૂઝ રેડના CCTV ફૂટેજ માટે કરી છે માગ : અરબાઝ અને આર્યન ખાને ડ્રગ્સ એકબીજા સાથે વહેંચ્યા હોવા અંગેનો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોનો આરોપ

મુંબઈ,  તા.૧૦ : આર્યન ખાનના ફ્રેન્ડ અરબાઝ મર્ચન્ટ દ્વારા સોમવારે (૧૧ ઓક્ટોબર) સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવશે.અરબાઝ મર્ચન્ટના વકીલ તરાક સૈયદે કહ્યુ હતું કે અમે આવતીકાલે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવાના છીએ.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ક્રૂઝ ટર્મિનલ પર દરોડા પાડ્યા એ વખતના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તરાક સૈયદે કોર્ટમાં અરજી કરી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના પંચનામાની સત્યતા ચકાસવા માટે સૈયદે સીસીટીવી ફૂટેજ માગ્યા છે. ત્યારે આ અરજી પર કંઈ ડેવલપમેન્ટ થયું છે કે કેમ તે વિશે તેમને પૂછવામાં આવ્યું હતું. સૈયદે જવાબ આપતાં કહ્યું, *નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આ અરજીનો વિરોધ કર્યો હતો, જોઈએ હવે સેશન્સ કોર્ટમાં શું થાય છે.*

ઉલ્લેખનીય છે કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આરોપ લગાવ્યો છે કે, અરબાઝે આર્યન સાથે ડ્રગ્સ વહેંચ્યા હતા. તેઓ ભવિષ્યમાં પણ ડ્રગ્સનો ઉપયોગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. આ દાવાઓ પર પ્રતિક્રિયા આપતાં સૈયદે કહ્યું, આ બાબતોનો રિમાન્ડ કોપીમાં કોઈ ઉલ્લેખ નથી.*

જણાવી દઈએ કે, અરબાઝ મર્ચન્ટ આર્યન ખાનનો અંગત મિત્ર અને અસલમ મર્ચન્ટનો દીકરો છે. અસલમ મર્ચન્ટ વકીલ અને બિઝનેસમેન છે. ૨ ઓક્ટોબરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ક્રૂઝ ટર્મિનલ પર દરોડા પાડ્યા ત્યારે અરબાઝ અને આર્યન ત્યાં હાજર હતા.

(12:00 am IST)