Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

પીએમસી કાંડ : યુએઈ અને યુકે પ્રોપર્ટી જપ્ત કરવા તૈયારી

૪૩૫૫ કરોડ રૂપિયાના મામલામાં તપાસ જારી : વાધવાન ઉપર સકંજો મજબૂત : વિદેશી સમકક્ષોનો સંપર્ક કરાયો : ટૂંકમાં સંપત્તિને જપ્ત કરવા એલઆર જારી કરાશે

મુંબઈ, તા. ૧૧ : ૪૩૫૫ કરોડ રૂપિયાના પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બેંક લોન કેસમાં તેની મની લોન્ડરિંગ તપાસને વધુ તીવ્ર બનાવીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હવે વાધવાન સાથે જોડાયેલી યુએઈ અને બ્રિટનમાં રહેલી સંપત્તિને જપ્ત કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. અધિકારીઓના કહેવા મુજબ તપાસ સંસ્થાએ તેમના વિદેશી સમકક્ષોનો સંપર્ક કર્યો છે. ટૂંક સમયમાં જ વિદેશમાં રહેલી સંપત્તિઓ જપ્ત કરવાના સંદર્ભમાં લેટર રોગેટ્રી (એલઆર) જારી કરવામાં આવશે. સુત્રોનું કહેવું છે કે, એન્ફોર્સમેન્ટ એજન્સીએ પહેલાથી જ દુબઈમાં એક ફ્લેટ અને લંડનમાં એક લેન્ડ પાર્સલની માહિતી મેળવી લીધી છે. ઇડી દ્વારા આ બંને પ્રોપર્ટીના વેલ્યુએશનમાં તપાસ કરી રહી છે અને આની કિંમત ૧૫૦ કરોડ અને ૨૦૦ કરોડ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇડી દ્વારા વિદેશમાં રહેલી સંપત્તિ જપ્ત કરવા કાયદાકીય સહાયતા પણ મેળવી રહી છે. ઇડીએ ગુરુવારના દિવસે વસઈમાં વાધવાનના પાંચ એકરના પ્લોટને ઓળખી કાઢવામાં સફળતા મેળવી હતી. મુંબઈના પરા વિસ્તારમાં આ સંપત્તિ રહેલી છે જેના ઉપર બંગલાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

             હાઉસિંગ ડેવલપમેન્ટ  એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમોટર રાકેશ વાધવાન અને તેમના પુત્ર સારંગ વાધવાન ઇડીના સ્નેકર હેઠળ પહેલાથી જ આવેલા છે. સંપત્તિ ઉભી કરવા પીએમસી બેંકની રકમ ડાયવર્ટ કરવા બદલ તેમની સામે સકંજો મજબૂત કરવામાં આવી ચુક્યો છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના પાંખ દ્વારા ગયા સપ્તાહમાં જ વાધવાનની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત એજન્સી દ્વારા મુંબઈમાં રહેલા બંગલાની કિંમત ૧૦૦ કરોડ રૂપિયા આંકી છે. આ ૧૦૦ કરોડના બંગલાની ભેંટ રાકેશકુમાર વાધવાને તેમના મિત્રને આપી હતી. ઇડી દ્વારા હાલમાં એચડીઆઈએલ, તેના પ્રમોટરો, ડિરેક્ટરો અને ૧૮ અન્ય કંપનીઓ જે રિયલ એસ્ટેટ કંપની સાથે જોડાયેલી છે તેમાં તપાસ કરી રહી છે. એચડીઆઈએલમાં પીએમસી એક્સ્પોઝરનો આંકડો ૬૦૦૦ કરોડનો રહેલો છે. રિયલ એસ્ટેટ કંપની નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં બેંકરપ્શી અથવા તો નાદારી પ્રક્રિયાનો સામનો કરી રહી છે. હજુ સુધી ઇડીએ પ્રિવિલેઝ એરવેઝના નામ ઉપર નોંધાયેલા એક વિમાન (બોમ્બાર્ડિયર ચેલેન્જ ૩૦૦) જપ્ત કર્યું છે. પ્રિવિલેઝ એરવેઝના વાધવાન ડિરેક્ટર તરીકે છે. આ ઉપરાંત ૧૨ લકઝરી કાર અને ૬૦ કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી ચુકી છે.

            આ ઉપરાંત ઇડીએ અલીબાગમાં વાધવાનની ૨.૫ એકરની પ્રોપર્ટી પણ જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠે અલીબાગમાં આ પ્રોપર્ટી રહેલી છે. સુત્રોના કહેવા મુજબ એસોસિએટ્સ કંપનીઓ અને એચડીઆઈએલ સાથે લિંક્ડ કંપનીઓ ઉપર પણ સકંજો મજબૂત કરવામાં આવી ચુક્યો છે. ફેડરલ એજન્સી દ્વારા આ તમામ કંપનીઓના કુલ એક્સ્પોઝરનો આંકડો કેટલો છે તેમાં તપાસ કરી રહી છે. પીએમસી કૌભાંડના કારણે દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા હાલમાં પણ ચાલી રહી છે. લકઝરી કાર, જ્વેલરી, પ્રોપર્ટી અને વિમાનો જપ્ત કરવામાં આવીચુક્યા છે. એચડીઆઈએલ સાથે લિંક્ડ અને એસોસિએટ્સ કંપનીઓમાં વાધવાન લાઈવ સ્ટોક પ્રાઇવેટ લિમિટેડ, પ્રિવેલેઝ ઇન્ડસ્ટ્રી, યુએમ આર્કીટ્રેક્ચર એન્ડ કોન્ટ્રાક્ટર્સ, ગુરુસિંહ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ, હેરિટેજ હાઉસિંગ ડેવલપમેન્ટ, એચઆર ઇન્ફ્રાસિટી લિમિટેડ, લિબ્રા હોટલ પ્રાઇવેટ લિમિટેડ, પ્રિવિલેઝ એરવેઝ પ્રાઇવેટ લિમિટેડ અને એએમસી હોલ્ડિંગનો સમાવેશ થાય છે. વાધવાન અન્ય કેટલીક કંપનીઓ સાથે પણ સીધીરીતે જોડાયેલા રહ્યા છે.

(8:13 pm IST)