Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કલમ ૩૭૦ની નાબૂદી બાદ જમ્મુ કાશ્મીરમાં હિંસા ઘટી

આતંકવાદી હુમલા-પથ્થરબાજીના બનાવો ઘટ્યા : ભારતીય સેના પાકિસ્તાનના ખતરનાક કાવતરાને નિષ્ફળ કરવા સજ્જ છે : લેફ્ટી જનરલ રણબીરસિંહ દ્વારા દાવો

જમ્મુ,તા.૧૧ : પાંચમી ઓગસ્ટના દિવસે કલમ ૩૭૦ની નાબૂદી બાદથી જમ્મુ કાશ્મીરમાં હિંસામાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઇ ચુક્યો છે. કાશ્મીર ખીણમાં હિંસા ઘટી હોવાનો દાવો આજે સેના દ્વારા કરવામાં આવ્યો હતો. ભદરવામાં યુનિવર્સિટી કેમ્પસમાં સંગમ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યા બાદ જનરલ ઓફિસર કમાન્ડર ઇન ચીફ (નોર્થન કમાન્ડ) લેફ્ટી જનરલ રણબીરસિંહે આજે કહ્યું હતું કે, ખીણના યુવા લોકોથી અપેક્ષાઓ વધી ગઈ છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, ખીણમાં સ્થિતિ હવે સંપૂર્ણપણે કાબૂ હેઠળ છે. પાંચમી ઓગસ્ટના દિવસે કલમ ૩૭૦ની નાબૂદી બાદથી કાશ્મીરમાં હિંસા ફેલાવતા તમામ પરિબળોમાં મહત્વપૂર્ણ સુધારો થઇ ચુક્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતી ઘટનાઓ પણ ઘટી ગઈ છે. પથ્થરમારાના બનાવોમાં પણ ઘટાડો થયો છે. સાથે સાથે મોટી સંખ્યામાં લોકો જે વિરોધ પ્રદર્શન માટે વારંવાર બહાર નિકળી આવતા હતા તેવા બનાવો પણ હવે ઘટી ગયા છે. જો કે, સ્થિતિને સુધારવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં પાકિસ્તાનના નાપાક ઇરાદા સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

           પાકિસ્તાન ઘુસણખોરોને ઘુસાડવાના તમામ પ્રયાસમાં છે જેથી જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં અંધાધૂંધી અકબંધ રહે તેવા પ્રયાસ પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યા છે. આર્મી કમાન્ડરે આજે કહ્યું હતું કે, અમે આતંકવાદીઓના તમામ ઇરાદાઓને નિષ્ફળ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, અંકુશરેખા પર સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકામાં કોઇ ફેરફાર નથી. તહેવાર અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, તેમની કુશળતા દર્શાવવા માટે ભદરવામાં યુવાનોને તમામ તક આપવામાં આવી રહી છે. સાથે સાથે રાજ્યમાં અન્ય તમામ જગ્યાઓ પર યુવાનોને પુરતી તક આપવામાં આવી રહી છે. સ્થિતિને સામાન્ય કરવા સેનાની સાથે સાથે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.

(8:11 pm IST)