Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

બોગસ એન્કાઉન્ટર બાબતે યુપી પ્રથમ નંબરે

છેલ્લા અઢી વર્ષમાં ૪૦૦૦ એન્કાઉન્ટરઃ માનવ અધિકાર પંચના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો

લખનૌ તા. ૧૧: યુપી પોલિસ પર બોગસ એન્કાઉન્ટરના મોટા આક્ષેપો થઇ રહ્યા છે. માનવ અધિકાર પંચના રિપોર્ટમાં જે આંકડાઓ બહાર આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. રિપોર્ટ અનુસાર, પંચ પાસે જેટલી ફરિયાદો આવી છે તેમાં સૌથી વધારે યુપીની છે. છેલ્લા એક વર્ષમાં યુપી પહેલા નંબર પર છે તો હરિયાણા બીજા નંબરે.

અત્યારે ઝાંસીમાં પુષ્પેન્દ્ર યાદવના મોતના કારણે યુપીનું રાજકીય વાતાવરણ ગરમ છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી, સપાના અખિલેશ યાદવ અને બસપાના માયાવતી ભાજપા પર હુમલાઓ પર હુમલા કરી રહ્યા છે. વિપક્ષોના આક્રમક મુડને જોતા સરકાર બચાવ મોડમાં આવી ગઇ છે અને ઝાંસીમાં પુષ્પેન્દ્ર યાદવના કહેવાતા એન્કાઉન્ટરની   મેજીસ્ટ્રેટીક તપાસ શરૂ કરાવી છે.

રાષ્ટ્રીય માનવાધિકાર પંચ અનુસાર બોગસ એન્કાઉન્ટરની ફરિયાદો બાબતે ઉત્તર પ્રદેશ પોલિસ દેશમાં સૌથી આગળ છે. પંચે છેલ્લા બાર વર્ષના આંકડાઓ બહાર પાડયા હતા જેમાં દેશભરમાંથી બોગસ એન્કાઉન્ટરની ૧ર૪૧ ફરિયાદો પંચ પાસે આવી હતી. તેમાં એક તૃત્યાંશથી વધારે (૪પપ) કેસ યુપી પોલિસ વિરૂધ્ધ હતા. એક વર્ષ પહેલા નોઇડામાં એક જીમ સંચાલકને ઉત્તર પ્રદેશ પોલિસના એક સબ ઇન્સ્પેકટરે આપસી દુશ્મનીમાં ગોળી મારી દીધી હતી અને પછી તેને એન્કાઉન્ટર બતાવી દીધું હતું.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા ગુનાખોરી ઓછી કરવાની વાતને પોલિસ અધિકારીઓએ જે રીતે અપનાવી છે તેના લીધે ભાજપાને નીચા જોણું થઇ રહ્યું છે. યોગીના અઢી વર્ષના કાર્યકાળમાં લગભગ ચાર હજાર એન્કાઉન્ટર થયાની વાતો થઇ રહી છે. તેમાં ૭૩ ગુંડાઓને પોલીસે મારી નાખ્યા છે.

બોગસ એન્કાઉન્ટરમાં યુપી પોલિસનો બહુ જૂનો રેકોર્ડ છે. ૧૯૯૧માં પીલીભીતમાં થયેલ ૧ર લોકોના બોગસ એન્કાઉન્ટરના કેસમાં હાઇકોર્ટે ૪૭ પોલિસ કર્મચારીઓને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.

(3:54 pm IST)