Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ભવિષ્યની બજાર ઇન્ટરનેટ ઉપર ધમધમશે

ઓનલાઇન વેપાર જે રીતે વધી રહ્યો છે તેનાથી નાના વેપારીઓનું ભાવી બન્યું છે ધુંધળુ

જેવી શંકા વ્યકત કરાઇ હતી તે મુજબ જ તહેવારની મોસમમાં ઓનલાઇન વેપારનું જોર રહ્યું હતું. એમેઝોન અને ફિલપકાર્ટે ભારતમાં આ નવરાત્રી દરમ્યાન છ દિવસમાં લગભગ ૧૯ હજાર કરોડનો ધંધો કર્યો હતો. સૌ જાણે છે કે આ ધંધો ઇન્ટરનેટ દ્વારા થયો છે. જયારે તહેવારોની આ સીઝનમાં નાના વેપારીઓ ગ્રાહકોની રાહ જોતા રહી ગયા અને હવે તેમને ભવિષ્યમાં ઘરાકી અંગેની ચિંતા સતાવી રહી છે.

વૈશ્વિક મંદી અને ઓનલાઇન બજારનું પ્રભુત્વ જે રીતે વધી રહ્યું છે તેનાથી નાના વેપારીઓને બેવડો માર પડી રહ્યો છે. ઘરે બેઠા ખાવાનું, કપડા, રોજીંદા વપરાશની ચીજો ઓનલાઇન મંગાવવાનું દિનબદિન વધી રહ્યું છે. ઇ-કોમર્સ કંપનીઓના કારણે મોટા મોટા ટકી શકશે. અને તેનાથી પણ મોટો સવાલ તો એ છે કે શું ભવિષ્યનું બજાર હવે ઇન્ટરનેટ પર જ રહેશે?

ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ અંગેના વિશ્વબેંકના ૧૯૦ દેશોના લીસ્ટમાં ભારત ૭૭માં સ્થાને છે. સાથે જ તે પોતાની સ્થિતિ સુધારવાની કોશીષ કરી રહ્યું છે. આ પરિસ્થિતિમાં નાના વેપારીઓ અંગે સરકારની ચિંતા વાજબી છે. કદાચ એટલે જ રેલ્વે પ્રધાન પિયુષ ગોયેલે ઇ-કોમર્સ કંપનીઓને ચેતવી છે કે તેઓ પોતાની અખૂટ મૂડીની તાકાતનો ઉપયોગ નાના વેપારીઓને બહાર કાઢવા માટે ન કરે.

આખા ભારતમાં લગભગ છ કરોડ નાની દુકાનો છે અને ૧૩ કરોડ લોકો તેના પર નિર્ભર છે. વેપારમાં સ્વસ્થ પ્રતિસ્પર્ધા જાળવી રાખવા માટે ફેબ્રુઆરી ર૦૧૯માં ભારત સરકારે ઇ કોમર્સના પ્રત્યક્ષ વિદેશી રોકાણના નિયમોમાં સુધારો કર્યો હતો. વિદેશી કંપનીઓને કહેવાયું કે તેઓ પોતાની સબંધીત સંસ્થાઓ દ્વારા વેચાણ નહીં કરી શકે સાથે જ તેમને ઉત્પાદનો પર ભારે ભરખમ છુટ આપવા સામે પણ પ્રતિબંધિત કરાઇ હતી. નાના વેપારીઓ તો સરકારના આ રક્ષાત્મક પગલાથી ખુશ છે પણ અમેરીકા તેનાથી નારાજ છે.

(3:53 pm IST)