Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

હવે રિટેલ સ્ટોર્સ પર પણ ઓનલાઇન જેવું ડિસ્કાઉન્ટ

દિવાળી પર સ્માર્ટ ફોન ઇલેકટ્રોનિકસ, એપેરલ પર ઇ-કોમર્સ કંપની જેવું ડિસ્કાઉન્ટ શરૂ

નવી દિલ્હી તા.૧૧: આ દિવાળી પર ગ્રાહકોને સ્માર્ટ ફોન,કન્ઝયુમર ઇલેકટ્રોનિક અને એપેરલ બ્રાન્ડ દ્વારા સારૃં ડિસ્કાઉન્ટ આપવામાં આવી શકે છે. કંપનીઓ સુસ્ત માર્કેટમાં વેચાણ વધારવા હવે પોતાના રિટેલ સ્ટોર્સ પર ઓનલાઇન જેવી જ ઓફર્સ આપવાની યોજના તૈયાર કરી રહી છે. આમ, હવે ગ્રાહકોને દિવાળીમાં રિટેલ સ્ટોર્સ પર પણ ઇ-કોમર્સ જેવા રેટ પર ડિસ્કાઉન્ટ મળશે.ઇન્ડસ્ટ્રીના ચાર સિનિયર એકિઝયુટિવે જણાવ્યું હતું કે વન પ્લસ, શાઓમી, રિયલમી, ટીસીએલ અને કોડક જેવી બ્રાન્ડ ગયા અઠવાડિયાના ઓનલાઇન સેલની પેટર્ન પર રિટેલ સ્ટોર્સ પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. એલજીએ પણ પોતાના ટીવીના ભાવ ઘટાડી નાખ્યા છે. સ્માર્ટ ફોન અને ટીવી પર ૩૦ ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફયૂચર ગ્રૂપ અને લાઇફસ્ટાઇલે પણ કપડાં પર ઓનલાઇન જેટલું જ ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યુ છે.પૂર્વ અને ઉત્તર ભારતમાં ૬૦ થી વધુ ઇલેકિટ્રક સ્ટોર ચલાવનાર ગ્રેટ ઇસ્ટર્ન રિટેલના ડાયરેકટર પુલકિત વૈદે જણાવ્યું છે કે આ વર્ષે ટેલિવિઝન અને સ્માર્ટ ફોન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ છે. વિવિધ બ્રાન્ડ ગ્રાહકોને આકર્ષવા માટે કિંમતમાં ઘટાડો કરી રહી છે. ઓફલાઇન સ્ટોર્સ પર ઇલેકટ્રોનિકસ અને સ્માર્ટ ફોન સેગ્મેન્ટમાં ૬ થી ૧૦ ટકા કરતાં વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

(3:51 pm IST)