Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ઓટો ઈન્ડસ્ટ્રીઝની મંદી યથાવતઃ સપ્ટેમ્બરમાં કારનું વેચાણ ૩૩.૪ ટકા ઘટયુ

મોદી સરકારના લાખ પ્રયાસો છતા મંદીનો માહોલ દૂર થતો નથીઃ સપ્ટેમ્બરના ઉત્પાદન અને વેચાણના આંકડા ચિંતાજનક બહાર આવ્યાઃ કાર અને બાઈકનું વેચાણ પણ સપ્ટેમ્બરમાં ઘટયુઃ કોમર્શીયલ વાહનના વેચાણમાં ૬૨.૧૧ ટકાનો ઘટાડો નોંધાયો

નવી દિલ્હી, તા. ૧૧ :. છેલ્લા બે મહિનાથી કેન્દ્રની મોદી સરકાર દેશની આર્થિક સુસ્તી દૂર કરવા સતત પ્રયાસો કરી રહી છે. આ માટે સરકારે કોર્પોરેટ ટેકસમાં ઘટાડા સહિત અનેક નિર્ણયો લીધા છે, પરંતુ સરકારના આ પ્રયાસો છતા ઓટો ઉદ્યોગની મંદી યથાવત રહી છે.વાહન મેન્યુફેકચરીંગ માલિકોના સંગઠનના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બરમા કારના વેચાણમાં ફરી એક વખત ઘટાડો નોંધાયો છે. આંકડા અનુસાર પેસેન્જર વાહનનું વેચાણ ૨૩.૬૯ ટકા ઘટી ગયુ છે તો કોમર્શીયલ વાહનના વેચાણમાં ૬૨.૧૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં પેસેન્જર વાહનનુ પ્રોડકશન ૧,૮૦,૭૭૯ યુનિટ રહ્યુ જ્યારે ગયા વર્ષે આ ગાળામાં ૨,૩૩,૩૫૧ કારોનુ થયુ છે. આ હિસાબથી ૨૨.૫૩ ટકાનો ઘટાડો નોંધાયો છે તો પેસેન્જર કારના વેચાણની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં ૧,૩૧,૨૮૧ કારનું વેચાણ થયુ છે. જ્યારે આ ગાળામાં ગયા વર્ષે ૧,૯૭,૧૨૪ કાર વેચાઈ હતી એટલે કે પેસેન્જર કારના વેચાણમાં ૩૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. જો યુટીલીટી વ્હીકલ્સના ઉત્પાદનની વાત કરીએ તો ૨.૪૫ ટકા ઘટાડા સાથે ૮૭૧૨૭ રહ્યુ છે. આ જ ગાળામાં ગયા વર્ષે ૮૯૩૧૯ કારનું પ્રોડકશન થયુ હતુ. આ સિવાય થ્રી વ્હીલર્સની વાત કરીએ તો તેમા ૧.૧૫ ટકાનો ઘટાડો થયો છે. ટુ વ્હીલરનું પ્રોડકશન ૧૮ ટકા ઘટયુ છે. જ્યારે ટુ વ્હીલરનું વેચાણ ૨૨.૦૯ ટકા ઘટયુ છે.

(3:45 pm IST)