Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

જિનપીંગ ચેન્નાઇમાં: ભવ્ય સ્વાગતઃ સાંજે મોદી સાથે મંત્રણા

આજથી બે દિવસની મુલાકાતે ચીનના રાષ્ટ્રપતિઃ ચેન્નાઇના મામલ્લપુરમમાં શિખર મંત્રણા કરશે મોદી-જિનપિંગઃ ભવ્ય સ્વાગત થશેઃ વ્યાપાર-સુરક્ષા અંગે થશે વાતચીતઃ ચેન્નાઇ-મામલ્લપુરમમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થાઃ બંનેની મુલાકાત ઉપર સમગ્ર વિશ્વની નજર

ચેન્નાઇ, તા.૧૧: ચીનના રાષ્ટ્રપતિ  જિનપીંગ બીજુ અનૌપચારિક બેઠક માટે આજે બપોરે અહિં આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર તામિલનાડુના રાજયપાલ બનવારીલાલ પુરોહિત, મુખ્યમંત્રી પલાની સ્વામી, નાયબ મુખ્યમંત્રી પનીર સેલ્વસર્મ હાજર રહ્યા હતા. જિનપીંગનું ભવ્ય સ્વાગત થયુ હતું. સાંજે પ વાગ્યે તેઓ પીએમોદી સાથે મહાબલીપુરયમ ખાતે મંત્રણા કરશે.

ચેન્નઈની નજીકના તટીય શહેર મામલ્લપુરમમાં પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે  -આજે અને કાલે  બીજી અનૌપચારિક શિખર વાર્તા થવા જઈ રહી છે. તેના સફળતાપૂર્વક આયોજનને માટે શહેરની કિલ્લેબંધી કરવામાં આવી છે. શહેરની સજાવટમાં લાલ રંગનો ભરપૂર ઉપયોગ કરાયો છે. તેનું કારણ એ છે કે ચીનનો રાષ્ટ્રિય ધ્વજ લાલ રંગનો છે.

બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણકે જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ પહેલી વખત બંને નેતા એકસાથે મળશે. ખાસ કરીને જયારે પાકિસ્તાની પ્રધાનમંત્રી હાલમાં જ ચીન જઈને જિનપિંગ પાસે પોતાનું દર્દ ઠાલવી આવ્યા છે ત્યારે આ મીટિંગ ખાસ રહેશે. ઉલ્લેખનીય છે કે જિનપિંગ સાથે પીએમ મોદીની આ ૧૫મી મુલાકાત હશે.

શહેરને અનેક જગ્યાએ રંગોળીથી સજાવાયું છે. તેમાં લાલ રંગનો ઉપયોગ વધારે કરાયો છે. સ્મારક અને અન્ય સ્થળોની સફાઈમાં અને સૌંદર્યીકરણનું કામ પૂરું થયું છે. તટીય શહેરને લગભગ ૧૦૦ સજાવટી રોશનીથી સજાવાયું છે. પ્રવેશ સ્થળે વિશેષ સ્વાગત મેહરાબ બનાવાયો છે અને આખા શહેરમાં મોદી- જિનપિંગના કટઆઉટ લગાવાયા છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારત આગમન પર ભવ્ય સ્વાગતની તૈયારીની વચ્ચે ચીનને કહ્યું કે બંને દેશ એકમેકને માટે કોઈ ખતરો ઊભો કરશે નહીં. આ સાથે બંને દેશો એશિયાઈ દિગ્ગજ એકમેકને વ્યાપાર સહયોગ આપશે અને શાંતિ અને સ્થિરતા કાયમ કરવા માટે સકારાત્મક ઉર્જા ભરશે.

ભારત અને ચીન વચ્ચે આ પ્રકારની સમિટ બીજી વખત થવા જઇ રહી છે. જેમાં બંને દેશના પ્રમુખ કોઇપણ એજન્ડા નક્કી કર્યા વગર મળી રહ્યાં છે. આ અગાઉ ૨૭-૨૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ચીનના વુહાન રાજય પહોંચ્યા હતા. ત્યારે પણ બંને નેતાઓ વચ્ચે કોઇ નિશ્યિત એજન્ડા પર વાતચીત થઇ નહોતી. તે સમયે ભારત-ચીન વચ્ચે ડોકલામ વિવાદ ચાલી રહ્યો હતો.

મહાબલીપુરમમાં  બંને દેશોના પ્રમુખ ચા સાથે મિટિંગ કરશે અને વાતચીતની શરૂઆત અહીંથી શરૂ થશે. આ મિટિંગ સંપૂર્ણ રીતે ઈન્ફોર્મલ રહેશે એટલે તેનો કોઈ એજન્ડા નક્કી નથી. આમ છતાં બેઠકમાં આતંકવાદ, બિઝનેસ અને બોર્ડર વિવાદ જેવા મુદ્દા પર કોઈ નિર્ણય આવી શકે છે.

૫:૦૦ PM - મામલ્લપુરમ પહોંચીને અર્જુનની તપસ્યા સ્થળી, પંચરથ, મલ્લમપુરમના શોરે મંદિરની લેશે મુલાકાત. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પણ રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે રહેશે.

૬:૦૦ PM - સાંસ્કૃતિક કાર્યક્રમ માણશે.

૬:૪૫-૮:૦૦ PM - પીએમ મોદી, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ડિનર

૧૨ ઓકટોબર, શનિવાર

૧૦:૦૦- ૧૦:૪૦ AM - ચીની રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની મુલાકાત

૧૦:૫૦-૧૧:૪૦ AM - ભારત -ચીનની વચ્ચે ડેલિગેશન લેવલની વાતચીત

૧૧:૪૫- ૧૨:૪૫ PM - ચીની રાષ્ટ્રપતિના સમ્માનમાં લંચનું આયોજન

૨:૦૦ PM - પીએમ મોદી દિલ્હી માટે રવાના થશે, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીન માટે રવાના થશે

સંપૂર્ણ રીતે તૈયાર છે મામલ્લપુરમ

ચીની રાષ્ટ્રપતિના પ્રવાસ પહેલાંથી જ મામલ્લપુરમ સજી ચૂકયું છે. અહીં ઐતિહાસિક સ્થળોને સજાવવામાં આવ્યા છે. આ સ્થળોએ બંને દેશોના પ્રમુખ મુલાકાત લેશે. શી જિનપિંગના ભારત પહોંચતા પહેલાં તેમના વાહન પહેલાં જ ચેન્નઈ પહોંચી ચૂકયા છે. આ સિવાય ચેન્નઈ અને મામલ્લપુરમમાં તમામ પ્રકારની સુરક્ષા સજ્જ કરી દેવામાં આવી છે.

મામલ્લપુરમ જ શા માટે?

તમિલનાડુમાં બંગાલની ખાડીના કિનારે મામલ્લપુરમ શહેર ચેન્નઈથી લગભગ ૬૦ કિમી દૂર છે. આ નગરની સ્થાપના ધાર્મિક ઉદ્દેશથી પલ્લવ વંશના રાજા નરસિંહ દેવ બર્મને કરી હીત. પુરાતત્વ શોધમાં મામલ્લપુરમથી ચીની, ફારસી અને રોમના પ્રાચીન સિક્કા મોટી સંખ્યામાં મળ્યા હતા. મામલ્લપુરમની પાસે કાંચીપુરમમાં ૭મી સદીમાં પલ્લવ શાસન સમયે ચીની યાત્રી હેન સાંગ આવ્યા હતા. તેઓએ પોતાની બુકમાં દક્ષિણ ભારતની ભવ્યતા અને ચીની સંબંધોનું પણ વર્ણન કર્યું હતું.

(3:50 pm IST)