Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સામાજીક સમરસતા તોડતો રીયાલીટી શો 'બીગ બોસ' બંધ કરો

કાળઝાળ થઇ ઉઠેલા ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર દ્વારા પ્રસારણ મંત્રીને પત્ર : ઘરમાં પરિવાર સાથે બેસીને ન જોઇ શકાય તેવા અશ્લીલ દ્રશ્યોની ભરમાર : સલમાન ખાન સામે રોષ ભભુકયો : હિંદુ સંગઠનોએ પુતળા બાળ્યા : શો બંધ ન થાય તો માર્ગો પર ઉતરી આવવા હિંદુ પરિષદની ચીમકી

રાજકોટ તા. ૧૧ : પહેલેથી જ વિવાદોમાં અટવાતા રહેલ રીયાલીટી શો 'બીગ બોસ' સામે ફરી વિવાદોનો મધપુડો છંછેડાયો છે. લોની વિધાનસભાના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરને એક વિસ્તૃત પત્ર લખી સામાજીક સમરસતાને ઠેસ પહોંચાડતા અભિનેતા સલમાન ખાનના આ રીયાલીટી શો ને બંધ કરાવવા રજુઆત કરી છે.

તેઓએ જણાવ્યુ છે કે આ શોમાં અશ્લીલ દ્રશ્યોની ભરમાર હોય છે. ઘરમાં પરિવાર સાથે બેસીન ન જોઇ શકાય તેવા દ્રશ્યો બતાવવામાં આવે છે. એટલુ જ નહીં જાતિ વાદ ભડકાવવાનો નઠારો પ્રયાસ પણ થઇ રહ્યો છે. બેડ પાર્ટનરના દ્રશ્યો બતાવનાર સલમાન ખાન પર રાષ્ટ્રીય કાનુન ધારો લાગુ કરવા સુધીની માંગ ઉઠાવાઇ છે.

આ કાર્યક્રમનું કન્ટેન્ટ એ રીતે તૈયાર કરાય છે જેનાથી સામાજીક સમરસતાને ખુબ મોટુ નુકશાન થાય છે. ટીઆરપી મેળવવાની લ્હાયમાં સાંસ્કૃતિક મુલ્યોને તોડી પાડવાના પ્રયાસો આ શો ના માધ્યમથી થઇ રહ્યા છે. ખાસ કરીને યુવા માનસને બહુ ખરાબ અસર કરે છે.

નંદકિશોર ગુર્જરે એવો આક્ષેપ કર્યો છે કે જાણી જોઇને ચર્ચા જગાવવા બે વિપરીત ધર્મના લોકોને બેડ પાર્ટનર બનાવી આપતિજનક દ્રશ્યો પડદા પર બતાવવામાં આવી રહ્યા છે.

સમાજમાં તનાવ ઉભો કરવા સાથે સામાજીક માહોલ બગાડતા આવા રીયાલીટી શો કોઇપણ કારણે બંધ કરવા તેમજ આવા શો નું પ્રસારણ કરતી ચેનલોને પણ બંધ કરાવી દેવા પત્રા અંતમાં નંદકિશોર ગુર્જરે આક્રોશ વ્યકત કરેલ છે.

એટલુ જ નહીં મળતી વિગતો મુજબ હિંદુ સંગઠનો પણ આ રીયાલીટી શો ના વિરોધમાં ઉકળી ઉઠયા છે. અનેક સ્થળોએ પ્રદર્શનકારીઓએ સલમાન ખાનના પુતળાનું દહન કરેલ અને નારેબાજી શરૂ કરી દીધી છે. કયાંક સલમાન ખાનના ફોટાને ચપ્પલનો હાર પહેરાવીને પણ વિરોધ વ્યકત કરવામાં આવ્યો છે. જો આ શો બંધ નહીં કરાય તો આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે માર્ગો ઉપર ઉતરી આવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

(11:24 am IST)