Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

અયોધ્યાની વિવાદિત જમીન રામમંદિર માટે ભેટ આપોઃમુસ્લિમ બુદ્ઘિજીવીઓ

'ઈન્ડિયન મુસ્લિમ ફોર પીસ' સંસ્થાના ઉપક્રમે મુસ્લિમ બુદ્ઘિજીવીઓનો પ્રસ્તાવ - સુપ્રીમનો ચુકાદો ભલે મુસ્લિમ પક્ષમાં આવે, શાંતિ માટે જમીન ભેટ આપવી જરૂરીઃજમીરઉદ્દીન શાહ

લખનૌ, તા.૧૧: સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર-બાબરી મસ્જિદ કેસની સુનાવણી અંતિમ તબક્કામાં પહોંચી છે. સુપ્રીમ કોર્ટ આ મામલે શું ચુકાદો આપે છે, તેના પર દેશભરની નજર મંડાયેલી છે. આ દરમિયાન ભારતમાં શાંતિ અને એકતાનું વાતાવરણ કાયમ રહે એ માટે અરસપરસની સંમત્ત્િ।થી આ વિવાદનો ઉકેલ લાવવા માટે શકય તમામ વિકલ્પો શોધવાની કોશિશ શરુ થઈ છે. એમાં મુસ્લિમ બુદ્ઘિજીવીઓ પણ હકારાત્મક રીતે આગળ આવ્યા છે.

મુસ્લિમ બુદ્ઘિજીવીઓના એક સમૂહે વાતચીત થકી આ વિવાદનો ઉકેલ લાવવા પર ભાર મૂકયો છે. જે અંતર્ગત કદાચ સુપ્રીમ કોર્ટનો ચુકાદો મુસ્લિમ પક્ષની તરફમાં આવે તો પણ અયોધ્યામાં વિવાદિત જમીન હિંદુઓને સોંપવાનો વિકલ્પ સામેલ છે. ગુરુવારે લખનૌમાં 'ઈન્ડિયન મુસ્લિમ ફોર પીસ' સંસ્થા બોલાવેલી ઇત્તહાદે મિલ્લત કાઉન્સિલના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના તૌકીર રઝા ખાં સહિત કેટલાક ઉલેમા અને મુસ્લિમ ધર્મના બુદ્ઘિજીવી લોકો સામેલ થયા. આ બુદ્ઘિજીવીઓના એક સમાન અભિપ્રાય સાથે પ્રસ્તાવ પસાર કર્યો કે વિવાદિત જમીન કેન્દ્ર સરકારને આપી દેવી જોઈએ.

'ઈન્ડિયન મુસ્લિમ ફોર પીસ' સંસ્થા અંતર્ગત બોલાવેલા બુદ્ઘિજીવીઓના સંમેલનમાં તમામે એક સૂરે કહ્યું કે, કોર્ટમાં ભલે મુસ્લિમ પક્ષની જીત થાય તો પણ એ વિવાદિત જમીન રામમંદિર માટે આપી દેવી જોઈએ. ભારતમાં લોકો શાંતિના પક્ષધર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત થશે, પરંતુ સારું એ થશે કે શાંતિપૂર્વક સમાધાનથી અયોધ્યા વિવાદ ઉકેલાય.જોકે, બુદ્ઘિજીવીઓએ કહ્યું કે, 'કેન્દ્ર સરકાર મુસ્લિમોના અન્ય ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરે.'

અલીગઢ મુસ્લિમ યુનિર્સિટીના પૂર્વ કુલપતિ જમીરઉદ્દીન શાહે કહ્યું કે, હિન્દુસ્તાનમાં લોકો શાંતિના પક્ષધર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત થશે, પરંતુ સારું એ રહેશે કે સમાધાનથી મામલો ઉકેલાય એ જરુરી છે.

નિવૃત્ત આઈએએસ અધિકારી અનીસ અંસારીએ કહ્યું કે, 'આપણે મધ્યસ્થતા થકી અયોધ્યા વિવાદનો ઉકેલ લાવવો જોઈએ. કેસ ચાલતો રહે, જમીન સુન્ની વકફ બોર્ડ થકી કેન્દ્ર સરકારને સોંપવામાં આવે, મસ્જિદ માટે જગ્યા આપવામાં આવે. જેમણે મસ્જિદ ધ્વસ્ત કરી છે, એમને જલદી સજા મળે. અયોધ્યામાં બીજી મસ્જિદના નિર્માણની મંજૂરી મળે. પરંતુ જયાં સુધી તમામ પક્ષ રાજી થશે નહીં, મામલો ઉકેલાશે નહીં. મોટો વર્ગ ઈચ્છે છે કે અયોધ્યા વિવાદમાં સમાધાન થાય.'

પૂર્વ મંત્રી મોઈદ અહમદે કહ્યું કે, 'અમે અમારો પ્રસ્તાવ સેટલમેન્ટ કમિટીની પાસે મોકલીશું. જો મોહબ્બત માટે મસ્જિદની જગ્યા છોડીએ છીએ તો કોઈ ને શું સમસ્યા છે. સુન્ની વકફ બોર્ડના ચેરમેનને પ્રસ્તાવ મોકલાશે.'

સુન્ની વકફ બોર્ડ પણ ૨.૭૭ એકર વિવાદિત જમીન પરથી પોતાનો દાવો પરત ખેંચવા તૈયાર છે.એક તરફ, 'ઈન્ડિયન મુસ્લિમ ફોર પીસ'સંસ્થા અયોધ્યા વિવાદનો ઉકેલ સમાધાનથી લાવવા કોશિશ કરી રહી હતી. બીજી તરફ આ સંમેલનના વિરોધમાં ઈન્ડિયન મુસ્લિમ લીગે હજરતજંગ સ્થિત ગાંધી પ્રતિમા પર ધરણાં કાર્યક્રમ આપ્યો હતો.

મુસ્લિમ લીગના નેતા મતીનખાને કહ્યું કે, 'કેટલાક લોકો બાબરી મસ્જિદની સોદાગીરી કરવા પર ઉતર્યા છે. આપણી કોમની બાબરી મસ્જિદને કોઈ સંજોગમાં ભેટ કરવા દઈશું નહીં. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. કોર્ટમાં ૬ પાર્ટી છે, પાંચ પાર્ટીએ માન્યુ છે કે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરીશું. એક સુન્ની વકફ બોર્ડે આ વાત માની નથી. બોર્ડ નહીં, ચેરમેન વાત નકારી રહ્યાં છે.'(૨૩.૨)

(10:05 am IST)