Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

જિનપીંગની ભારતયાત્રા પહેલા ચીની મીડિયા કહે છે...

ભારત વગર એશિયાની ૨૧મી સદી અધુરી

બેજિંગ, તા.૧૧: ચીનના રાષ્ટ્રપ્રમુખ ભારત આવી રહ્યા છે તે પહેલા ભારત અને ચીનના સંબંધોની મજબૂતી અને દુનિયામાં બન્ને દેશોના મહત્વ અંગેની વાતો શરુ થઈ ગઈ છે. હવે ચીની મીડિયાએ ચીન સાથેની ભારતની મિત્રતાને મહત્વની ગણાવીને બન્ને દેશ મળીને એશિયાની ૨૧જ્રાક સદી બનાવી શકે છે તેવી વાત કરી છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે, થોડા સમય પહેલા એશિયાની સદીની વાત ઘણી થઈ હતી. એશિયાના ઘણાં નેતા અને વ્યૂહરચનાકાર કહે છે કે ૧૯મી સદી યુરોપની હતી, ૨૦મી સદી અમેરિકા અને હવે ૨૧મી સદી એશિયાની હશે.

જિનપિંગની પીએમ મોદી સાથે બીજી અનૌપચારિક સમિટને મહત્વપૂર્ણ ગણાવીને ચીની મીડિયાએ કહ્યું છે કે તેના સંબંધો નવી ઊંચાઈ પર પહોંચી શકશે. ભારત સાથેના આર્થિક સહયોગનો ઉલ્લેખ કરીને અખબારે લખ્યું છે કે ચીનની કંપનીઓ પાછલા વર્ષોમાં ભારતમાં મેક ઈન ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા જેવા અભિયાનોમાં ભાગ લઈને રોકાણ કર્યું છે. તેની સાથે જ ભારતીય કંપનીઓનું પણ રોકાણ ચીનમાં વધ્યું છે.

જોકે, અખબારે ભારત પર ચીનને લઈને અવિશ્વાસ દર્શાવવાનો પણ આરોપ લગાવ્યો છે. ચીનના મીડિયા મુજબ ભારત તરફથી બનતી શંકાઓના કારણે બન્ને દેશો આર્થિક રીતે સાથે પ્રગતિ નથી કરી શકતા. અખબારે કહ્યું કે આ સમય છે, જયારે ભારત અને ચીન સાથે કામ કરે તે સૌથી જરુરી છે.

બન્ને દેશો વચ્ચેના સરહદના વિવાદનો ઉલ્લેખ કરીને ચીનના સરકારી અખબારે કહ્યું કે જો તેનો શાંતિપૂર્ણ રીતે નીવેડો લાવવામાં આવે તો તે દુનિયાની સામે એક મોડલ હશે. તેનાથી દુનિયાને એ સંદેશ મળશે કે કઈ રીતે બન્ને તાકતો એક સાથે આવી શકે છે. એટલું જ નહીં અખબારે ભારત સાથે મિત્રતાને મહત્વની ગણાવીને કહ્યું કે જો ચીન-ભારત સંબંધ સારા નહીં રહે તો એશિયાનો ઉદય અશકય છે. ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે, 'બન્ને દેશો જો દ્વિપક્ષીય મુદ્દા પર તાર્કિક રીતે આગળ વિચાર ના કરે તો પછી એશિયાની બહારની તાકતો તેનો ફાયદો ઉઠાવશે.'

ચીનના રાષ્ટ્રપ્રમુખ આજે ચેન્નાઈ નજીક મહાબલીપુરમાં પીએમ મોદી સાથે બીજી અનૌપચારિક સમિટ માટે પહોચી રહ્યા છે. બે દિવસના પ્રવાસ દરમિયાન બન્ને દેશોના નેતા વચ્ચે વેપાર, રોકાણ, સુરક્ષા અને સરહદ જેવા મહત્વના મુ્દા પર વાતચીત થશે.

(1:26 pm IST)