Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

એક જવાન શહીદ થશે તો ૧૦ દુશ્મનોને મોતને ઘાટ ઉતારાશે

મહારાષ્ટ્રમાં પ્રચાર દરમિયાન અમિત શાહનો દાવોઃ કલમ ૩૭૦ના મુદ્દા પર કોંગ્રેસ-એનસીપી પર તીવ્ર પ્રહારો

સાંગલી,તા.૧૦: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે વોટિંગ ૨૧મી ઓક્ટોબરના દિવસે યોજાનાર છે ત્યારે પ્રદેશમાં રાજકીય ગરમી ચરમસીમા ઉપર પહોંચી ચુકી છે. કોંગ્રેસ અને એનસીપીના નેતાઓના દોર વચ્ચે ભાજપ તરફથી દિગ્ગજોની રેલીઓ શરૂ થઇ ચુકી છે. પ્રદેશમાં રાજકીય ગરમી હવે ચરમસીમા ઉપર પહોંચી છે. ખાસ કરીને કલમ ૩૭૦ના મુદ્દા ઉપર રાજકીય ઘમસાણની સ્થિતિ છે. આ કડીમાં મહારાષ્ટ્રના સાંગલીમાં કેન્દ્રીયમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય મુદ્દા ઉપર કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ઉપર આજે આકરા પ્રહાર કર્યા હતા. શાહે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીના કાશ્મીરમાં ખૂનની નદીઓ વહેંશે નિવેદન પર પ્રહાર કરતા કહ્યું હતું કે, પાંચમી ઓગસ્ટ બાદથી પાંચમી ઓક્ટોબર સુધીના ગાળામાં એક પણ ગોળી ચાલી નથી. કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપીના અધ્યક્ષ શરદ પવારથી કલમ ૩૭૦થી પોતાનું વલણ સ્પષ્ટ કરવા અમિત શાહે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. શાહે કહ્યું હતું કે, એક પણ જવાન શહીદ થશે તો ૧૦ દુશ્મનોને મોતને ઘાટ ઉતારવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા નક્કી કરી દીધી છે અને સાફ શબ્દોમાં એવો અભિપ્રાય રાખવામાં આવી રહ્યો છે કે જો એક પણ જવાન શહીદ થાય છે તો દુશ્મનના ૧૨ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવશે. શાહે કહ્યું હતું કે, જ્યારે મોદી જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને ખતમ કરવાનો નિર્ણય કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ અને એનસીપીએ આનો જોરદાર વિરોધ કર્યો હતો. જ્યારે તમામ દેશના લોકો એકીકરણ ઇચ્છતા હતા ત્યારે કોંગ્રેસ અને એનસીપીએ વિરોધ કર્યો હતો. કાશ્મીરમાં ખૂનની નદીઓ વહેશે તેવી વાત કરવામાં આવી હતી. શાહે કોંગ્રેસ અને એનસીપી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ક્ષેત્રના વિકાસ માટે છેલ્લા ૧૫ વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ પણ કોઇ કામ કરવામાં આવ્યું નથી.

(9:54 pm IST)