Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કિશોરે ચાકુના ઘા મારીને મા-બાપ અને બહેનની હત્યા કરી

અવળી લાઈને ચડી ગયેલા આ કિશોરને માતા-પિતાની વઢથી એટલુ માઠુ લાગી ગયું હતું કે તેણે માતા-પિતાને મોતના ઘાટ ઉતારીને તેનો બદલો લીધો હતો.

નવી દિલ્હી, તા.૧૧ : દિલ્હીમાં એક કિશોરે પોતાના માતા-પિતા અને બહેનને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે. અવળી લાઈને ચડી ગયેલા આ કિશોરને માતા-પિતાની વઢથી એટલુ માઠુ લાગી ગયું હતું કે તેણે માતા-પિતાને મોતના ઘાટ ઉતારીને તેનો બદલો લીધો હતો. સાઉથ દિલ્હીમાં બનેલી આ ઘટનાની તપાસ કરતા પોલીસ કર્મીઓનો દાવો છે કે કિશોરે પોતાનો ગુનો કબૂલી લીધો છે. એક સ્ટેટમેન્ટમાં તેણે જણાવ્યું હતું કે તેને ભણવા માટે માતા-પિતા અવારનવાર વઢતા હતા જેનાથી તે કંટાળી ગયો હતો. પોલીસે બુધવારે કિશોરની ધરપકડ કરી હતી. તેણે બરહેમીથી ચાકુના ઘા મારીને માતા-પિતા અને બહેનની હત્યા કરી દીધી હતી.

દિલ્હીમાં થોડા જ દિવસ પહેલા એક યુવકે ક્રિકેટ સટ્ટામાં ગુમાવેલા રૂપિયા ચૂકવવામાં પિતાએ મદદ કરવાની ના પાડી દેતા પિતાની નિર્મમ હત્યા કરી હતી. થોડા જ દિવસ બાદ બાળક દ્વારા માતા-પિતાની હત્યાનો આ બીજો કિસ્સો બનતા પોલીસ પણ દંગ રહી ગઈ છે. આ કિસ્સામાં ૧૯ વર્ષના સૂરજે સૌથી પહેલા પોતાના પિતાને નિશાન બનાવ્યા હતા.

સૂરજ અને તેના સાત-આઠ મિત્રો, જેમાં છોકરીઓનો પણ સમાવેશ થાય છે- તેમણે મળીને દિલ્હીમાં એક ફ્લેટ ભાડે રાખ્યો હતો. અહીં તે ઐયાશી કરતા હતા અને તેને આઝાદીનું નામ આપતા હતા. સૂરજના પિતા મિથિલેશ વર્માને ખ્યાલ આવી ગયો હતો કે તેમનો દીકરો આડા પાટે ચડી ગયો છે. આથી તે તેને ભણવા માટે અને આડી અવળી હરકતો ન કરવા માટે ટોકતા હતા. ઘણી વાર પિતા સૂરજની ધોલધપાટ પણ કરતા. સૂરજ રોજ રોજની આ કટકટથી કંટાળી ગયો હતો અને તેણે પિતાની હત્યા કરવાનું મન બનાવી લીધુ હતુ. સાંજે સૂરજે આખા પરિવાર સાથે ભોજન લીધુ હતુ. ત્યાર બાદ તે માતા-પિતા અને બહેન સૂઈ જાય તેની રાહ જોઈને બેઠો હતો. રાત્રે ત્રણ વાગે તેણે ચાકુ લઈને આઠ વાર પિતાની છાતી અને પેટ પર વાર કર્યો હતો. પિતાની હત્યા બાદ તે બીજા રૂમમાં સૂતેલી પોતાની માતા સિયા પાસે ગયો હતો અને તેને સાત વાર ચાકુના ઘા કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ દરમિયાન તેની સગીર બહેન ચીસ પાડવા ગઈ તો તેણે ચાકુના વાર કરીને બહેનની પણ હત્યા કરી નાંખી.

પરિવારના લોકોની હત્યા બાદ સૂરજ લાશ પાસે ૨ કલાક બેઠો રહ્યો જેથી પોલીસને કોઈ સ્ટોરી બનાવીને કહી શકે. તેણે સવારે ૫.૩૦ના ઊઠીને પડોશીને કહ્યું કે ચોરોએ ઘરે ઘૂસીને પરિવારના લોકોની હત્યા કરી નાંખી છે. આ છોકરો ચાર વર્ષ પહેલા પોતે જ ઘરેથી ભાગી ગયો હતો અને પછી પોતાના અપહરણની ખોટી વાર્તા દ્યડી નાંખી હતી. આ મામલે પોલીસને જાણ કરાઈ નહતી. તે કથિત અપહરણના બીજા દિવસે ગાઝિયાબાદ જિલ્લાના મોદ નગર રેલ્વે સ્ટેશન પર મળી આવ્યો હતો.

સૂરજ પૈસાની બાબતને લઈને અવારનવાર પિતા મિથિલેશ સાથે ઝઘડતો હતો. થોડા દિવસ પહેલા પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસને શક છે કે તેને ખરાબ સંગત લાગી ગઈ હતી. મિથિલેશના કિશનગઢ વાળા ફ્લેટના મેન ગેટનું તાળુ દરરોજ રાત્રે ૧૧ વાગ્યે બંધ કરી દેવામાં આવતુ હતુ. ત્યાર બાદ જે પણ ભાડૂઆત કે બીજુ કોઈ આવતુ તો તેના માટે ગેટ મકાન માલિક જ ખોલતો હતો. મંગળવારે રાત્રે એક ભાડૂઆત રાત્રે ૧૧.૧૫ વાગ્યે આવ્યા હતા ત્યારે સૂરજની માતા સિયાએ તાળુ ખોલ્યુ હતુ અને બધુ ઠીક લાગ્યું હતુ. ભાડૂઆતનું કહેવુ છે કે તેને એક ક્ષણ માટે પણ એવુ ન લાગ્યું કે કોઈ મુશ્કેલી છે. સવારે ૪.૩૦ ખબર પડી કે અંકલ-આંટી અને તેમની દીકરીને કોઈએ મારી નાંખ્યા છે. સૂરજે જ તેમને આ વાતની જાણ કરી હતી. સૂરજે એવી સ્ટોરી બનાવી હતી કે ખૂન કરીને કોઈ બાલ્કનીમાંથી ભાગી ગયુ. પરંતુ બાલ્કનીમાં કયાંય ખૂનના નિશાન નહતા. ત્રણેને બેરહેમીથી મારી નાંખવામાં આવ્યા હતા અને જયાં જુઓ ત્યાં લોહી જ લોહી દેખાતુ હતુ.

(3:27 pm IST)