Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

મ.પ્રદેશ-રાજસ્થાન-છત્તીસગઢની લોકસભાની ત્રીજા ભાગની બેઠકો ભાજપ હારશે

ર૦૧૪ માં ભાજપે ૬પ બેઠકોમાંથી ૬ર જીતી હતી આ વખતે જીતી શકે છે માત્ર ૪૩ ભાજપ માટે ખાતરાની ઘંટડી વગાડતો સર્વે

નવી દિલ્હી તા. ૧૧ :.. પાંચ રાજયોમાં ચૂંટણીની તારીખો જાહેર થયા પછી રાજકીય રંગ તે જ થઇ ગયો છે. આ દરમ્યાન અંગ્રેજી ન્યુઝ ચેનલ 'ટાઇમ્સ નાઉ' એ ત્રણ રાજયો (મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન) માં ધારાસભાની સાથે સાથે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પહેલાનો એક સર્વે કરાવ્યો છે. સર્વે અનુસાર ભાજપાને લોકસભા ચૂંટણીમાં લગભગ એક તૃત્યાંશ બેઠકોનું નુકસાન થઇ શકે છે. ત્રણ રાજયોની કુલ ૬પ લોકસભા બેઠકોમાંથી ભાજપાને ૪૩ પર જીત મળી શકે છે. જયારે કોંગ્રેસ રર બેઠકો પર જીત શકે છે. ર૦૧૪ માં ભાજપાએ આ ૬પ બેઠકોમાંથી ૬ર બેઠકો જીતી હતી જયારે કોંગ્રેસને માત્ર ૩ બેઠકો મળી હતી. સર્વે અનુસાર ભાજપાને કુલ ૧૯ સીટનું નુકસાન થઇ શકે છે. એટલે કોંગ્રેસને એટલી બેઠકોનો ફાયદો થશે. ત્રણે રાજયોમાં અત્યારે ભાજપાની સરકાર છે.

'ટાઇમ્સ નાઉ' ના વોર રૂમ સ્ટ્રેટેજી નામના સર્વે અનુસાર લોકસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશની કુલ ર૯ લોકસભા બેઠકોમાંથી ર૧ પર ભાજપાની અને ૮ પર કોંગ્રેસની જીત થઇ શકે છે. થોડા દિવસ પહેલા એબીપી-સી વોટરના સર્વેમાં કહેવાયું હતું કે મધ્ય પ્રદેશમાં ભાજપાને ર૩ અને કોંગ્રેસને ૬ બેઠકો મળી શકે છે. પોલ ઓફ પોલ્સ અનુસાર ભાજપાને રર અને કોંગ્રેસને ૭ બેઠકો મળી શકે છે. જણાવી દઇએ કે ર૦૧૪ માં મધ્ય પ્રદેશમાં ભાજપાને ર૭ અને કોંગ્રેસને ર બેઠકો મળી હતી.

છત્તસગઢમાં વોર રૂમ સ્ટ્રેટેજી સર્વે અનુસાર ભાજપાને કુલ ૮ બેઠકો મળી શકે જયારે કોંગ્રેસને ૩ બેઠકો મળી શકે છે.  ત્યાં લોકસભાની ૧૧ બેઠકો છે. એબીપી-સી વોટર સર્વેમાં ભાજપાને ૯ અને કોંગ્રેસને ર બેઠકો મળે તેવી અનુમાન હતું. પોલ ઓફ પોલ્સ અનુસાર પણ ભાજપાને ૯ અને કોંગ્રેસને બે બેઠકો મળી શકે. ર૦૧૪ માં અહીં ભાજપાને ૧૦ અને કોંગ્રેસને ૧ બેઠકો મળી હતી.

વાર રૂમ સ્ટ્રેટેજી સર્વે અનુસાર રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીમાં ભાજપાને વધારે એટલે ૧૧ બેઠકોનું નુકસાન થઇ શકે છે. રાજયમાં કુલ રપ બેઠકો છે અને ર૦૧૪ માં બધી બેઠકો ભાજપાને મળી હતી. સર્વે અનુસાર ભાજપાને ૧૪ અને કોંગ્રેસને ૧૧ બેઠકો મળી શકે. એબીપી-સી સર્વે અનુસાર રાજયમાં ભાજપાને ૧૮ અને કોંગ્રેસને ૭ બેઠકો, જયારે પોલ ઓફ પોલ્સ અનુસાર ભાજપાને ૧૬ અને કોંગ્રેસને ૯ બેઠકો મળી શકે છે. બીજા કોઇને એક પણ બેઠક નહીં મળે તેવું અનુમાન થયેલું છે. આ ત્રણે રાજયોમાં વિધાનસભા ચૂંટણી નવેમ્બર-ડીસેમ્બરમાં થશે અને પરિણામો ૧૧ ડીસેમ્બરે જાહેર થશે. (પ-૯)

(11:47 am IST)