Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

''મી ટુ'' આંદોલન દેશભરમાં પ્રસરી રહ્યું છે ત્યારે

આમીરખાનનું મોટું પગલું-આરોપીઓ સાથે કામ નહી કરે

નવી દિલ્હી તા.૧૧: મી ટુ આંદોલન દેશમાં ધીરે ધીરે પ્રસરી રહયું છે આ આંદોલનથી પીડિતને પોતાની વાત કહેવાનો મોકો તો મળી જ રહયો છે, સાથે સાથે આરોપીઓના ચહેરા પણ સામે આવી રહયા છે. બોલીવુડના એવા કેટલાય ચહેરાઓ સામે આવ્યા છે જે ખુલવાથી આ ઝગમગતી દુનિયાની પાછળના અંધકારને જાહેર કરે છે. આમીરખાન અને તેની સાથીદાર કિરણ રાવે સહાહનીય પગલું લેતા કહયું છે કે હવેથી તેઓ કોઇ પણ આરોપી સાથે કામ નહીં કરે.

''ઠગ્સ ઓફ હિંદોસ્તાન''ના એકટરે ટવીટર પર પોતાના પ્રોડકશન હાઉસ તરફથી બયાન જાહેર કરતા લખ્યું છે કે, આમીરખાન પ્રોડકશનમાં યોૈન ઉત્પીડન અને ખરાબ વ્યવહાર વિરૂદ્ધ જીરો ટોલરન્સની નીતિ છે. ટવીટર પર એક પત્ર જેમાં આમીરખાન અને કિરણ રાવ બંન્નેની સહી છે તે શેર કર્યા જેમાં લખ્યું છે કે બે અઠવાડીયા પહેલા ''મી ટુ'' ની ભારતમાં શરૂઆત થઇ. આ દરમ્યાન કેટલીય દર્દનાક કથાઓ બહાર આવી. તેનાથી અમારૂ ધ્યાન એ બાબત પર ગયું કે જે વ્યકિતઓ સાથે અમે કામ કરવાના હતા તેમના પર પણ અનુચિત યોૈન વહેવારના આરોપો છે. કોઇપણ આરોપી સાથે કામ નહીં કરે.

સ્ટેટમેન્ટમાં આગળ કહેવાયું છે કે અમે કોઇ તપાસ એજન્સી નથી, અમે એવી સ્થિતિમાં પણ નથી કે આરોપીઓ ઉપર કોઇ કોમેન્ટ કરીએ. જયાં સુધી આ બનાવો અંગે કોઇ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે આ ફિલ્મ થી દૂર રહેશું. સ્ટેટમેન્ટમાં પોતાના વિચારો વ્યકત કરતા એમ પણ કહેવાયું છે કે બોલીવુડ માટે આ એક સારો મોકો છે. આ બનાવોની તપાસ કરીને આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી થવી જોઇએ. મહિલાઓ ઘણા સમયથી સહન કરી રહી છે. હવે તે સમાપ્ત થવું જોઇએ. આપણે ફિલમ ઇન્ડસ્ટ્રીને મહિલાઓ ને કામ કરવા માટે સુરક્ષીત અને હેપી વર્ક પ્લેસ બનાવવી પડશે.(૧.૧૦)

(11:46 am IST)