Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રાફેલ ડીલ માટે રિલાયન્સ સાથે સોદાની શરત હતી

ફ્રેન્ચ વેબસાઇટનો સનસનીખેજ દાવો : નવા દાવાથી વધશે મોદી સરકારની મુશ્કેલીઃ ભારતે રાફેલ ડીલ માટે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સને સામેલ કરવાને અનિવાર્ય ગણાવ્યું હતું: અનિલ અંબાણીની કંપનીના સ્થળ તપાસ થતાં માત્ર વેર હાઉસ મળ્યું હતું

નવી દિલ્હી તા. ૧૧ : રાફેલ ડીલ પર દેશમાં મચેલા રાજકીય હોબાળા વચ્ચે ફ્રાંસની વેબસાઇટ મીડિયા પાર્ટએ દાવો કર્યો છે કે દસોલ્ટ સમક્ષ રાફેલ ડીલ માટે રિલાયન્સની સાથે સોદાની શરત રાખવામાં આવી હતી. વેબસાઇટે દાવો કર્યો છે કે, દસોના પ્રતિનિધિએ અનિલ અંબાણીની કંપનીની મુલાકાત લીધી તો સેટેલાઇટ ઇમેજથી જાણવા મળ્યું કે, ત્યાં માત્ર એક વેરહાઉસ હતું. આ સિવાય કોઇ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ ન્હોતી.

વેબસાઇટ તરફથી જારી કરાયેલા દસ્તાવેજો મુજબ ફ્રેન્ચ કંપની દસો સમક્ષ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ સાથે રાફેલ ડીલ કરવાની શરત રાખવામાં આવી હતી અને આ સિવાય અન્ય કોઇ વિકલ્પ અપાયો ન્હોતો. દસો એવિયેશનના ડે.ચીફ એકઝી. ઓફિસરે નાગપુરમાં બંને કંપનીઓના સ્ટાફ સમક્ષ પ્રેઝન્ટેશન આપતી વખતે આ બાબત સ્પષ્ટપણે જણાવી હતી. તેમ વેબસાઇટ મીડિયાપાર્ટ ઉમેરે છે.

દસોના ડે.સીઇઓએ આ નિવેદન ૧૧ મે ૨૦૧૭ના રોજ નાગપુરમાં આપ્યું હતું.

આ દાવાથી ભારતમાં ચાલતો રાફેલ વિવાદ વધુ વકરશે એ નક્કી છે. સાથોસાથ નવા ખુલાસાથી મોદી સરકારની મુશ્કેલી વધશે એ નક્કી છે.

વેબસાઇટે દાવો કર્યો છે કે દસોલ્ટ કંપનીના દસ્તાવેજો અમે જોયા છે. જેમાં સ્પષ્ટ કહેવાયુ છે કે, રાફેલ ડીલ માટે રિલાયન્સ સાથે સંયુકત ઉપક્રમ 'અનિવાર્ય' હતું.

હાલમાં જ ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિનો ઇન્ટરવ્યુ બહાર આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, દસોલ્ટ માટે રિલાયન્સને પાર્ટનર પસંદ કર્યા સિવાય બીજો વિકલ્પ ન્હોતો.(૨૧.૬)

(10:46 am IST)