Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

બાંગ્લા : ૨૦૦૪ના હુમલા સંદર્ભે ૧૯ને ફાંસીની સજા

ખાલિદા ઝિયાના પુત્રને આજીવન કારાવાસ : ૨૧મી ઓગસ્ટ ૨૦૦૪ના દિવસે અવામી લીગની રેલી પર હુમલો થયો હતો જેમાં ૨૪ના મોત થયા હતા : રિપોર્ટ

ઢાકા, તા. ૧૦ : બાંગ્લાદેશની એક અદાલતે ૨૦૦૪ના ગ્રેનેડ હુમલાના સંદર્ભમાં આજે ૧૯ લોકોને મૃત્યુદંડની સજા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારીક રહેમાન સહિત ૧૯ લોકોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આ હુમલામાં ૨૪ લોકો માર્યા ગયા હતા. તે વખતે વિપક્ષી પાર્ટીના પ્રમુખ રહેલા શેખ હસીના સહિત ૫૦૦ લોકો ઘાયલ થયા હતા. બાંગ્લાદેશની વર્તમાન વડાપ્રધાન શેખ હસીનાને ટાર્ગેટ બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. ૨૧મી ઓગસ્ટ ૨૦૦૪ના દિવસે અવામી લીગની એક રેલી ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં શેખ હસીના સહેજમાં બચી ગઈ હતી. જો કે, તેમની સાંભળવાની શક્તિ ઉપર પ્રતિકુળ અસર થઇ હતી. પૂર્વ ગૃહરાજ્યમંત્રી બાબર એવા ૧૯ લોકોમાં સામેલ છે જે લોકોને આજે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. લંડનમાં હાલમાં રહેતા બીએનપીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રહેમાન અને અન્ય ૧૮ને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે. તારીક રહેમાન હાલમાં બ્રિટનમાં રહે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, રહેમાન સહિત બીએનપીના લોકો આમા સીધીરીતે સામેલ હતા. આતંકવાદી સંગઠન હરકત ઉલ જેહાદ અલ ઇસ્લામીના ત્રાસવાદીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો પહેલાથી જ પ્રાયોજિત હતો જેમાં અવામી લીગના ૨૪ નેતાઓના મોત થયા હતા. અન્ય અનેક લોકો ઘાયલ થયા હતા. ૫૦૦ લોકો ઘાયલ થયા હતા. બાંગ્લાદેશની હાલની રાજનીતિમાં આ હુમલો થયા બાદ અનેક ફેરફાર થઇ ચુક્યા છે. હુમલો કરવામાં આવ્યો ત્યારે હાલના વડાપ્રધાન શેખ હસીના વિપક્ષમાં હતા. બાંગ્લાદેશની રાજનીતિમાં શેખ હસીના અને ખાલીદા ઝિયા વચ્ચે જોરદાર રાજકીય સ્પર્ધા રહી છે. બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસમાં આને સૌથી મોટા અને ખતરનાક હુમલા તરીકે ગણવામાં આવે છે.

(12:00 am IST)