Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

દરિયાઇ ક્ષેત્રના વિવાદોના ઉકેલ માટે 'SAROD' પોર્ટસ પ્રારંભ કરાવતા માંડવિયા

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હી ખાતે સોસાયટી ફોર એફોર્ડેબલ રીડ્રેસીઅલ ઓફ ડીસ્ટયુટસ પોર્ટસનો પ્રારંભ કરાવેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧૧ : કેન્દ્રીય જહાજ રાજયમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ ગઇકાલે નવી દિલ્હી ખાતે એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં 'SAROD-પોર્ટ્સ' (Society for Affordable Redressal of Disputes – Ports વિવાદોના સસ્તા નિવારણ માટેની સોસાયટી-બંદરો)નો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે શ્રી મનસુખ માંડવિયાએ SAROD-પોર્ટ્સને એક ગેમ ચેન્જર શરૂઆત ગણાવી જણાવ્યું હતું કે, તે ભારતમાં બંદર ક્ષેત્રે આશા, વિશ્વાસ અને ન્યાયનું મુખ્ય વ્યવસ્થાતંત્ર બનશે. કન્સેશન સમજૂતીઓનું શબ્દશઃ અમલીકરણ કરાવવું તે ટોચની પ્રાથમિકતા છે. SAROD-પોર્ટ્સની મદદથી નિષ્પક્ષ અને ન્યાયી રીતે વિવાદોનો ઉકેલ લાવી શકાશે અને સાથે-સાથે મોટા પ્રમાણમાં થતા કાયદાકીય ખર્ચ અને સમયની પણ બચત થશે.

જહાજ મંત્રાલયના સચિવ ડો. સંજીવ રંજને જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં તમામ મુખ્ય બંદરો 'લેન્ડલોર્ડ મોડલ' તરફ રૂપાંતરિત થઇ રહ્યાં છે. સંખ્યાબંધ કન્સેશનેઅર મુખ્ય બંદરો સાથે કામ કરી રહ્યાં હશે. SAROD-પોર્ટ્સ ખાનગી હિતધારકોમાં આત્મવિશ્વાસ પ્રેરિત કરશે અને અમારા ભાગીદારો માટે અનુકુળ માહોલનું સર્જન કરશે. ઝડપી, સમયસર, ઓછા ખર્ચાળ અને મજબૂત વિવાદ ઉકેલ પ્રણાલીને કારણે તે દરિયાઇ ક્ષેત્રે વેપાર કરવામાં સરળતાને પ્રોત્સાહન આપશે.

SAROD-પોર્ટ્સ દરિયાઇ ક્ષેત્રમાં મધ્યસ્થીઓના માધ્યમથી તમામ વિવાદોમાં સલાહ આપશે અને પતાવટમાં મદદ કરશે, જેમાં મુખ્ય પોર્ટ ટ્રસ્ટમાં બંદરો અને જહાજ ક્ષેત્ર તેમજ ખાનગી બંદરો, જેટ્ટી, ટર્મિનલ અને હાર્બર સહિત બિન-મુખ્ય બંદરોને પણ સમાવી લેવામાં આવ્યા છે. તેમાં મંજૂરી આપતા સત્તામંડળો અને લાઇસન્સ લેનાર/ કન્સેશનેઅર/કોન્ટ્રાકટર વચ્ચેના વિવાદોને તેમજ લાઇસન્સ લેનાર/ કન્સેશનેઅર અને તેમના કોન્ટ્રાકટરો વચ્ચે વિવિધ કરારોના અમલીકરણ દરમિયાન ઉભા થતા વિવાદોને પણ આવરી લેવાશે.

'SAROD-પોર્ટ્સ' એ NHAI દ્વારા ધોરીમાર્ગ ક્ષેત્રમાં વિવાદોનું નિરાકરણ લાવવા માટે ગઠન કરવામાં આવેલા SAROD-રોડ્સ જેવી જ જોગવાઇ છે.

(2:44 pm IST)