Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સૌરાષ્ટ્રમાં કાલથી વરસાદનું જોર ઘટશેઃ કોઈ- કોઈ દિવસે સિમિત વિસ્તારોમાં વરસશે

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧૧ થી તા.૧૬ સપ્ટેમ્બર સુધીની આગાહી :જયારે ગુજરાતમાં અમુક દિવસે મધ્યમ- ભારે તો કયાંક અતિભારે ખાબકશે : મધ્યપ્રદેશમાં આવતા ૪- ૫ દિવસ ભારે વરસાદ પડશેઃ એમ.પી.ની બોર્ડરવાળા ગુજરાતના વિસ્તારોમાં પણ ખાબકશે

રાજકોટ,તા.૧૧: વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત આપેલી આગાહી સમય પછી પણ વરસાદનું જોર યથાવત છે. ધારણા કરતાં પણ વધુ વરસાદ પડયો છે. આજે પણ વરસાદી માહોલ છે. હવે કચ્છમાં વરસાદની માત્રા ઘટશે. સૌરાષ્ટ્રમાં પણ આવતીકાલથી વરસાદી જોર ઘટી જશે. તા.૧૧ થી ૧૬ સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં આગાહીના બે દિવસ ઝાપટા, હળવો, મધ્યમ તો સિમિત વિસ્તારોમાં એકાદ દિવસ ભારે વરસાદ પડે. જયારે ગુજરાતમાં હજુ મેઘરાજાનું જોર યથાવત રહેશે.

તેઓએ જણાવેલ કે નોર્થ એમ.પી. નેલાગુ, યુ.પી. ઉપર એક લોપ્રેસર છે. જેને અનુસંગીક યુ.એ.સી. હાલ બિકાનેર, જયપુર, લોપ્રેસર સેન્ટર ત્યાંથી જમશેદપુર દીઘા થઈ ઉતરપૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. એક યુ.એ.સી. ૩.૧ કિ.મી.ના લેવલમાં પ.બંગાળના દરિયાકિનારા નજીક છે. એક યુ.એ.સી ૧.૫ કિ.મી.થી ૩.૧ કિ.મી.ના લેવલ સુધી અરબીમાં સૌરાષ્ટ્રથી દક્ષિણ પશ્ચિમે છે.

એમ.પી.વાળુ યુ.એ.સી. થી ગુજરાત રીજન સુધી એક ટ્રફ છે. તેવી જ રીતે અરબી સમુદ્રવાળા યુએસીમાંથી ટ્રફ સૌરાષ્ટ્ર સુધી લેવાય છે. આ બન્ને ટ્રફ ગુજરાત રાજય ઉપર ભેગા થાય છે. આ બન્ને ટ્રફના પોજીશન ઉપર ગુજરાતમાં વરસાદની વધઘટ અલગ અલગ વિસ્તારમાં થશે.

પ.બંગાળવાળુ યુ.એ.સી છે એ એમ.પી.ના યુ.એ.સી. સાથે ભળી જશે. જેથી એમ.પી. યુ.એ.સી. દક્ષિણ તરફ સરકશે. અરબીવાળુ યુ.એ.સી. ધીમેધીમે પશ્ચિમ તરફ આવતા દિવસોમાં ગતિ કરશે. એમપીવાળુ યુ.એ.સી. આવતા ૪- ૫ દિવસ એમપી આસપાસ જ રહેશે. જેથી એમ.પી.માં ભારે વરસાદની શકયતા છે.

શ્રી અશોકભાઈ પટેલે તા.૧૧ થી ૧૬ સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવેલ કે આ સમયગાળામાં વરસાદની માત્રા કચ્છમાં ઓછી જોવા મળશે. સૌરાષ્ટ્રમાં પણ કાલથી વરસાદનું જોર ઓછુ થશે. તેમ છતાં અમુક દિવસો ઝાપટા હળવો મધ્યમ વરસાદ પડશે. (આગાહીના સમયમાં બેદિ') (સિમીત વિસ્તારમાં એકા'દ દિ ભારે)

જયારે ગુજરાતમાં એમ.પી. ઉપર જે લોપ્રેસર છે જે ત્યાં રહેવાનું હોય એમ.પી.ને લાગુ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ રહેશે. આગાહી સમયના અમુક દિવસે મધ્યમ ભારે તો કયાંક- કયાંક અતિભારે વરસાદ પડશે.

(3:20 pm IST)