Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

નવા GST રિટર્નમાં વેપારીએ ભરેલા નાણાં જેટલા જ ટેકસ ક્રેડિટ મળશે

હાલમાં વેપારીને મળવાપાત્ર તમામ ક્રેડિટનો લાભ મળી જતો હતોઃ એક ઓકટોબરથી નવા ફોર્મમાં રિટર્ન ભરપાઇ કરવું પડશે

મુંબઇ તા ૧૧  :  વેપારીએ જીએસટી ભરપાઇ કર્યો હોય કે નહીં ભર્યો હોય પરંતુ સામે વેપારી ક્રેડિટ કલેઇમ કરે એટલે તેને રિફંડ આપવાનો નિયમ હતો, પરંતુ આગામી એક ઓકટોબરથી તેમાં ફેરફાર કરીને વેપારીને જીએસટી ભરપાઇ કર્યો હશે તેટલી જ રકમની ક્રેડિટ સામેવાળા વેપારીને મળશે. જેથી અત્યાર સુધી જીએસટીમાં ક્રેડિટ રિફંડ લેવામાં ચાલતી લાલિયાવાડી પર લગામ લાગવાની શકયતા રહેલી છે.

હાલમાં  વેપારી દ્વારા જીએસીઆર ૧માં ખરીદ વેચાણની વિગતો રજુ કર્યા બાદ ૩બી રિટર્નમાં ટેકસની રકમ ભરપાઇ કરવાની હોય છે, પરંતુ કેટલાક વેપારીઓ જીએસટીઆર-૧ ભરે છે. પરંતુ ટેકસ ભરવા માટેનું ૩-બી રિટર્ન ભરપાઇ કરતા નથી, તેમ છતાં સામેવાળા વેપારી દ્વારા આઇટીસીની માંગણી કરવામાં આવે તો જેટલી માંગણી કરી હોય તેટલી માંગણી સ્વીકારીને જીએસટી કલેઇમ આપી દેતું હતું તેના કારણે સરકારને આવક પર સીધી અસર પડતી હતી, કારણ કે જે વેપારીએ ટેકસ ભર્યો નહીં હોવા છતાં સામેવાળા વેપારીને સરકારની તિજોરીમાંથી નાણાં મળી જતાં હતા. પરંતુ આગામી ૧ ઓકટોબરથી જીએસટીઆર-૧ અને ૩-બી રિટર્નના બદલે નવુ ફોર્મ સુગમ અને સહજ રજુ કરવામાં આવ્યું છે. આ ફોર્મ જ વેપારીઓએ હવે ભરપાઇ કરવાનું રહેશે. પરંતુ ફોર્મ લાગુ થવાની સાથે નવો નિયમ પણ લાગુ થવાનો છે. તેમાં વેપારીએ જેટલો ટેકસ ભરપાઇ કર્યો હશે તેટલી જ રકમની આઇ.ટી.સી. સામેવાળા વેપારીને મળશે તેના કારણે વેપારીઓને નુકશાન થવાનું છે.

નવા નિયમને કારણે આઇટીસી મેળવવા માટે ચાલતી લાલિયાવાડી બંધ થશે

વેપારીએ એક લાખ રૂપિયા જીએસટી પેટે ભરપાઇ કરવાના હોય તેની સામે વેપારીને ૫૦ હજાર લેખે જ એસટીસી આપવામાં આવશે કેટલાક સંજોગોમાં ટેકસની રકમ કરતા ૨૦ ટકા રકમ વધુ પણ વેપારીને જીએસટી દ્વારા આપવામાં આવશે, પરંતુ વેપારીએ જેની પાસેથી માલ ખરીદયો હોય તેને ટેકસ ભરપાઇ કર્યો નહીં હોવા છતાં પહેલા આઇટીસી મળી જતી હતી તે નવા નિયમને કારણે બંધ થઇ જશે.

આગામી એક ઓકટોબરથી નવું સુગમ અને સહજ ફોર્મ બહાર પડવાનું છે. આ ફોર્મ પોર્ટલ પર અપલોડ કરતા પહેલાં તેમાં કરેલા સુધારા પહેલેથીજ કરી દેવામાં આવવા જોઇએ કારણકે ફોર્મ બહાર પાડયા પછી તેમાં સુધારા કરાશે તો વેપારીઓને તકલીફ પડશે, તેમજ નવા ફોર્મ વધુ સરળ બનાવવામાંં આવે તો જ વેપારીઓને રાહત થવાની છે

પ્રશાંત શાહ (ટેકસ કન્સલ્ટન્ટ)

 

(11:42 am IST)