Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

બિહારમાં ફરી મોબ લિંચિંગ : સીતામઢીમાં યુવાનને માર મારી મોતને ઘાટ ઉતાર્યો

સીતામઢી તા. ૧૧ : બિહારમાં ફરી એક વાર મોબ લિંચિંગનો મામલો સામે આવ્યો છે. સીતામઢી શહેરમાં એક ટોળાએ કંઇ પણ સમજયા-વિચાર્યા વગર એક નિર્દોષ યુવાનને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ યુવાન પોતાની દાદીની વરસી માટે માલસામાન લેવા સીતામઢી જઇ રહ્યો હતો. આ ઘટનામાં પોલીસની મોટી નિષ્ક્રિયતા બહાર આવી છે, જોકે પોલીસે પાછળથી આ ઘટનામાં ૧પ૦ લોકો વિરુદ્ઘ કેસ દાખલ કર્યો છે.

મોબ લિંચિંગનો ભોગ બનેલા યુવાનની ઓળખ સહિયારા પોલીસ સ્ટેશન હેઠળના સિંગહરિયા ગામના નિવાસી રૂપેશકુમાર ઝાના પુત્ર ભૂષણ ઝા તરીકે થઇ છે. રૂપેશના કાકા સુનીલકુમાર ઝાએ જણાવ્યું હતું કે ગઇ કાલે રૂપેશનાં માતાની વરસી હતી.

તેમનો ભત્રીજો તેના માટે સામાન ખરીદવા પોતાના મિત્ર સાથે સીતામઢી શહેર જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં પિકઅપચાલક સાથે સાઇડને લઇને વિવાદ ઊભો થયો હતો.

આથી પિકઅપ ચાલકે બુમરાણ મચાવતાં લોકોનું ટોળું જમા થઇ ગયું હતું અને યુવાનને પકડીને મારવાનું શરૂ કરી દીધું હતું. ટોળાએ નિર્દય બનીને નિર્દોષ યુવાન પર લાઠીઓ ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને એક ખાનગી ડોકટરને ત્યાં લઇ જવાયો હતો અનેે ડોકટરે તેની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઇને પીએમસીએચ રિફર કર્યો હતો, જયાં પાછળથી ૧૧-૦૦ વાગ્યે તેનું મોત થયું હતું.(૨૧.૩૧)

(3:48 pm IST)