Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં વિવિધ પક્ષોએ ખર્ચ કર્યા ૨૨૭ કરોડ

હિમાચલ પ્રદેશની સરખામણીમાં ગુજરાતમાં ૬૦૦૦ ગણો વધારે ખર્ચ કરવામાં આવ્યો છે

અમદાવાદ તા. ૧૧ :  ADR(અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) દ્વારા ગુજરાત અને હિમાચલ પ્રદેશની ૨૦૧૭માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓએ કરેલા ખર્ચનું એનાલિસિસ કરતાં જાણવા મળ્યું છે કે ચૂંટણી લડનારી ૧૦ પાર્ટીઓએ કુલ ૨૨૭.૪૪ કરોડ રુપિયા ખર્ચ કર્યા છે.

રિપોર્ટ અનુસાર, વિધાનસભાની ચૂંટણી પતે તેના ૭૫ દિવસની અંદર પાર્ટીઓએ ઈલેકશન કમિશનને પોતાના ચૂંટણી ખર્ચનું સ્ટેટમેન્ટ જમા કરવાનું હોય છે. પરંતુ મુખ્ય બન્ને પાર્ટી ભાજપ અને કોંગ્રેસે ડેડલાઈન મિસ કરી છે. ભાજપે ૯૮ દિવસ પછી અને કોંગ્રેસે ૧૪૦ દિવસ પછી સ્ટેટમેન્ટ સબમિટ કર્યુ છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભાજપના સેન્ટ્રલ હેડકવાર્ટર્સ તરફથી ઈલેકશન માટે ૧૬૦.૭ કરોડ રૂપિયા કલેકટ કરવામાં આવ્યા હતા જયારે ગુજરાત યુનિટ તરફથી ૮૮.૫ કરોડ કલેકટ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આ આંકડો ૨૦.૫ કરોડ અને ૪૯.૧ કરોડ રુપિયા છે. જો ખર્ચની વાત કરવામાં આવે તો ભાજપના સેન્ટ્રલ હેડકવાર્ટર્સ અને ગુજરાત યુનિટ તરફથી ૨૩.૮ કરોડ અને ૧૦૬.૬ કરોડ રુપિયા દર્શાવવામાં આવ્યા છે, જયારે કોંગ્રેસનો ખર્ચ ક્રમશઃ ૭.૬ કરોડ અને ૧૨.૪ કરોડ રુપિયા છે.

રિપોર્ટ અનુસાર, ભાજપે પ્રચાર પાછળ ૮૨.૮ કરોડ રુપિયા અને ટ્રાવેલ એકસપેન્સ ૩૦ કરોડ, ચૂંટણી લડતા ઉમેદવારોને ૩૦ કરોડ રૂપિયા અને ૨૯ કરોડ રૂપિયા અન્ય ખર્ચ કર્યો હતો. કોંગ્રેસે પાર્ટીના ઉમેદવારોને ૩૧ કરોડ રૂપિયા, પ્રચાર પાછળ ૧૧.૪ કરોડ રૂપિયા અને ટ્રાવેલ પાછળ ૭.૫ કરોડ અને અન્ય ખર્ચાઓ ૭૦ લાખ સુધીના જણાવ્યા છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશની સરખામણીમાં ગુજરાતમાં ૬૦૦૦ ગણો વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. ADRના એક અધિકારીએ જણાવ્યું કે, રાજકીય પાર્ટીઓ જો સમયસર ખર્ચાઓનું સ્ટેટમેન્ટ ન આપે તો તેમને દંડ કરવો જોઈએ. આ સિવાય કોઈ પણ ડોનરે કેટલા પૈસા ડોનેટ કર્યા છે તે પણ લોકો સમક્ષ જાહેર કરવું જોઈએ.(૨૧.૧૦)

(11:40 am IST)