Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ખોટુ ચુંટણી શપથપત્ર દાખલ કરવુ એ ભ્રષ્ટાચાર

સુપ્રિમ કોર્ટ કહે છે... અમે કેન્દ્રને કાયદો બનાવવા કહી ન શકીએ

નવી દિલ્હી તા.૧૧: ચૂંટણીના ઉમેદવારી પત્રમાં ખોટી માહિતી આપવાને સુપ્રિમ કોર્ટે પ્રાથમિક રીતે ભ્રષ્ટાચાર તો માન્યો પણ આ બાબતે સંસદને કાયદો બનાવવાનો આદેશ આપવાની ના પાડી દીધી છે. સર્વોચ્ય અદાલતે કહયું કે અમારા અધિકારોની પણ એક હદ છે.

જસ્ટીસ એસ.એ.બોબડે અને જસ્ટીસ એલ.નાગેશ્વર રાવની બેંચે કહયું કે ચૂંટણી ઉમેદવારી પત્રમાં ખોટી માહિતી આપવી તે ભ્રષ્ટ આચરણ છે કે નહીં, તે સિદ્ધાંતની વાત છે. આ સંસદનું કામ છે કે તે કાયદો બનાવીને તેને ભ્રષ્ટ આચરણ જાહેર કરે. અમે સંસદને કાયદો બનાવવાનો આદેશ ન આપી શકીએ. ભાજપા નેતા અશ્વિની કુમારની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં માગણી કરાઇ હતી કે ચૂંટણી ઉમેદવારી પત્રમાં ખોટી માહિતી આપવાને ભ્રષ્ટ આચરણ ગણવામાં આવે.

અરજદારના વકીલ રાણા મુખર્જીએ બેંચને કહયું કે ઉમેદવારી પત્રમાં ઉમેદવારો દ્વારા ખોટી માહિતી આપવામાં આવે છે, જેના લીધે ચૂંટણીની પવિત્રતા ઓછી થાય છે. આમ કરવું જો કે જન પ્રતિનિધી અધિનિયમની કલમ ૧૨૫ એ હેઠળ આવે છે. આવું કરવાને અયોગ્યતાનો આધાર ગણાય છે. એન તેમાં વધુમાં વધુ છ મહિનાની સજાની જોગવાઇ છે. મુખર્જીએ કહયું કે ચૂંટણી ઉમેદવારી પત્રમાં ખોટી માહિતી આપવાની બાબતને ભ્રષ્ટ આચરણ (કલમ ૧૨૩) માં શામેલ કરવામાં આવે. જેમાં ૬ વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. તેના પર કોર્ટે કહયું કે તમે ઇચ્છો છો કે અમે સંસદને આ બાબતે કાયદો બનાવવાનો આદેશ આપીએ પણ અમે તે કેવી રીતે કહીએ?

જવાબમાં મુખર્જીએ વિશાખા દિશાનિર્દેશનો દાખલો આપીને કહયું કે સુપ્રિમ કોર્ટ આવું પહેલા પણ કરી ચુકી છે. તેના પર કોર્ટે કહયું કે અમે નૈતિક રીતે તમારી સાથે સંમત છીએ પણ અમે આ પ્રકારનો આદેશ ન આપી શકીએ. અમારે કયાંક તો અમારી હદ નક્કી કરવી પડશે.(૧.૬)

 

(11:39 am IST)