Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

દુબઇ 'એક સપનો કા શહર...'નો ક્રાઇમ,નો કરપ્શન, નો ફીયર, નો ઇન્કમટેક્ષઃ સ્વચ્છતા - સ્વયંશિસ્તમાં નંબર-૧ : જ્યાં ભારત - પાકિસ્તાન સહિત ૨૦૯ દેશોના લોકો હળીમળીને રહે છે : ઘણુ બધું શિખવું પડે તેમ છે આ શહેર પાસેથી

વિશ્વની સૌથી ઉંચી ઇમારત, વિશ્વનો સૌથી મોટો મોલ, વિશ્વની સૌથી ઝડપી લીફટ, વિશ્વનો સૌથી મોટો ડાન્સીંગ ફાઉન્ટેન : કોઇ દુબઇને મિડલ ઇસ્ટનું પેરિસ કહે તો કોઇ ગ્લોબલ સીટી કહે, કોઇ માટે બીઝનેસ સેન્ટર તો કોઇ માટે પ્રવાસનું સુંદર શહેર : નિયમ સખ્ત... લાઇફ સ્ટાઇલ મસ્ત... આ શહેરની છે અનોખી ઓળખ : એક વખત દુબઇના પ્રવાસે જાવ તો તેના પ્રેમમાં પડી જવાય તેવું શહેર : કાયદા - કાનુન હો તો દુબઇ જૈસા : કયાંય પોલીસ નજરે ન પડે છતાં તમે પોલીસની નજર હેઠળ : જીવોને જીવવા દયો... આ શહેરનો ગુરૂમંત્ર : શહેરની કુલ વસ્તીના ૩૩ ટકા ભારતીયો તે પછી પાકિસ્તાનીઓ, બાંગ્લાદેશીઓ, ફીલીપાઇન્સ, મલેશિયાના લોકો : સ્થાનિક અરબ લોકો લઘુમતીમાં

રાજકોટ : કોઇ તેને મિડલ ઇસ્ટનું પેરિસ કહે છે તો કોઇ તેને ગ્લોબલ સીટી કહે છે, કોઇકની નજરમાં તે એક અગ્રણી બિઝનેસ સેન્ટર છે તો કોઇ માટે તે એક સુંદર મજાનું પ્રવાસન સ્થળ છે. રસ્તાની બંને બાજુ ગગનચુંબી ઇમારતો, ઝળહળતા મોલ્સ, આલીશાન હોટલો, તમામ રસ્તાઓ ઉપર વૈભવી ગાડીઓની વણઝાર, રણ અને દરિયાના કોમ્બીનેશન સાથે એક એવા શહેરની વાત કરવી છે જ્યાં રહેવું, ખાવું, ફરવું બધું જ વર્લ્ડ કલાસ. વાત કરવી છે ઝન્નતના શહેર ખુબસૂરત શહેર, સપનો કા શહેર યુએઇનાં દુબઇની. દુબઇ એક એવું શહેર છે જ્યાં કદી ગુન્હા બનતા નથી, ભ્રષ્ટાચાર થતો નથી, ભય વગરનું જીવન છે, લોકોએ ઇન્કમટેક્ષ ભરવો પડતો નથી. દુબઇ વિશ્વનું એક માત્ર શહેર કહી શકાય કે જ્યાં ૨૦૯થી વધુ દેશોનાં લોકો કે જેમાં ભારતીય અને પાકિસ્તાનીઓનો પણ સમાવેશ થાય છે એ બધા હળી-મળીને રહે છે. એક વખત તમે દુબઇની મુલાકાત લ્યો તો તમે ૧૦૦ ટકા આ હાઇટેક સીટીનાં પ્રેમમાં પડી જવાના. તાજેતરમાં પરિવાર સાથે આ સપનો કા શહેરની ૭ દિવસની મુલાકાત લેવાની તક મળી જે દરમિયાન આ શહેરને જાણ્યું - માણ્યું, શહેરને નજીકથી ઓળખ્યું. એક સપ્તાહના પ્રવાસ દરમિયાન જાણ્યું કે કાયદા - કાનુન હો તો દુબઇ જૈસા. સ્વયંશિસ્તનું ચુસ્ત પાલન અને સ્વચ્છતામાં નંબર-૧ એવા આ શહેર પાસેથી આપણે ઘણું બધું શીખવું પડે તેમ છે તેવું અનુભવ્યું. પહેલો વિદેશ પ્રવાસ હોય અનેરો રોમાંચ પણ અનુભવ્યો હતો. દુબઇને વિશ્વ એક એવા શહેર તરીકે ઓળખે છે જેણે એક તરફ આધુનિકતાના વાઘા ધારણ કર્યા છે તો બીજી તરફ પોતાની પ્રાચિન સંસ્કૃતિ તથા ઐતિહાસિક ધરોહરોને સાચવીને બેઠું છે. આ કારણે આ શહેર તરફ વિશ્વભરના પ્રવાસીઓ ચુંબકની જેમ ખેંચાઇ રહ્યા છે. રણ પ્રદેશ હોવાના કારણે ગ્રીનરીની અછત હોવા છતાં રણના આ શહેરને એવી રીતે સજાવાયું અને તૈયાર કરાવાયું છે કે તેને પૃથ્વી પરનું જન્નત પણ કહી શકાય. ઝડપથી ભાગતી લકઝુરીયસ કાર્સ વચ્ચે પણ આ શહેર એટલું શાંત રહે છે કે પર્યટકોની રજાઓ કયાં પુરી થઇ જાય છે તેની ખબર જ નથી પડતી.

રાજકોટના અગ્રણી ટ્રાવેલ એજન્ટ બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ દ્વારા તા. ૩૧-૭-૨૦૧૮થી તા. ૭-૯-૨૦૧૮ દરમિયાન યોજાયેલા દુબઇ પ્રવાસ દરમિયાન જાણ્યું કે આજે દુબઇ પાસે વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફા છે, વિશ્વનો સૌથી મોટો મોલ દુબઇ મોલ છે, (જે આખો ફરતા ૪ દિવસ લાગે), વિશ્વનો સૌથી મોટો ડાન્સીંગ ફાઉન્ટેન છે, વિશ્વની સૌથી ઝડપી લીફટ પણ છે, તો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ ડ્રાઇવર લેસ મેટ્રો અને મોનો રેલ પણ છે. વિશ્વનું એકમાત્ર શહેર છે જ્યાં સીટી બસના ૮૦૦થી વધુ એસી બસ સ્ટેન્ડ છે. અહિં આવ્યા બાદ ઉંચી ઉંચી ઇમારતો, આધુનિક જીવનશૈલી, ઇન્ફ્રાસ્ટ્રકચર અને કાયદા કાનુનને જોઇ લાગ્યું કે હું સાચે જ વિદેશ આવ્યો છું પણ જ્યારે લોકો સાથે વાત કરી તો ચારે તરફ ભારતીયતાનો અહેસાસ થયો. અહિં ભારતીયોની વસ્તી (ગાઇડના કથન મુજબ) ૩૩ ટકાથી વધુ છે. તમે કોઇપણ ટેક્ષીમાં બેસો, કોઇ જવેલરી શોપમાં જાવ કે પછી કોઇ હોટલમાં જાવ તમને હિન્દી બોલતા લોકો મળશે, મળશે અને મળશે જ. અહિં ભારતીયો પોતાનો બિઝનેસ કરી રહ્યા છે તો કોઇ નોકરી કરી પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે. એરપોર્ટ ઉપર લટાર મારો કે પછી મેટ્રો સ્ટેશન પર લટાર મારો કે પછી એસી સીટી બસમાં બેસો તમને ભારતીય મળી જ જવાના. ભારતીયો માટે દુબઇ બીજું ઘર કહી શકાય. દુબઇના પામ જુમીરામાં શાહરૂખ ખાનનો બંગલો છે, અભિષેક - ઐશ્વર્યાનો જમીરાના ગોલ્ડ એસેટ્સમાં બંગલો છે, શિલ્પા શેટ્ટીનો ફલેટ બુર્જ ખલિફામાં છે. અહિં રહેતા તમામ ભારતીયો પોતાને સુરક્ષિત ગણે છે. લપીતા રીસોર્ટમાં બોલીવુડ પાર્ક નિહાળી અત્યંત રોમાંચિત અને ફીલ ગુડ થઇ જાય તેવું છે. બોલીવુડ થીમ પાર્ક નિહાળ્યા વગર દુબઇની મુલાકાત અધુરી રહે તેવી છે. શોલે, ક્રીસ, જિંદગી ના મિલે દોબારા, ડોન, લગાન, રાવન, દબંગ વગેરેના 'થીમ પાર્ક' અનોખી અનુભૂતિ કરાવે તેવા છે. અર્થાત દુબઇ બીજું ભારત જેવું લાગે.

દુબઇના ૭ દિવસના પ્રવાસ દરમિયાન ૪ જેટલા પાકિસ્તાની અને એક કાબુલવાસીને મળવાનું થયું. પાકિસ્તાનના નાગરિક પણ વર્ષોથી દુબઇમાં કામ કરતા નાસીરભાઇ અને ઉમરભાઇએ જણાવ્યું કે, અહિં કોઇ પાકિસ્તાની નથી કોઇ ભારતીય નથી બધા દુબઇનું અભિન્ન અંગ બની ગયા છે. અમને કાશ્મીર - ત્રાસવાદ - ગંદા રાજકારણમાં રસ નથી. અમે બધા અહિં હળી-મળીને રહીએ છીએ. કોઇ કોઇને પરેશાન કરતું નથી. કોઇ કોઇને નડતું નથી. અહિંના કાયદા કાનુન જ હળીમળીને રહેવાની પ્રેરણા આપે છે. અહિં અમારે દર બે વર્ષે વીઝા રીન્યુ કરાવવાના છીએ. આ દેશમાં એટલે કે દુબઇમાં કોઇને સીટીઝનશીપ મળતી નથી. અમારે પણ ૬૫ વર્ષ સુધી અહીં રહેવાનું છે પછી વતનમાં જવાનું છે. પાકિસ્તાની લોકોનું કહેવું છે કે, જે રીતે મોદીએ ભારતને ચાર ચાંદ લગાડયા તેમ હવે ઇમરાન ખાન પણ પાકિસ્તાનનું નવનિર્માણ કરશે તેવી અમને આશા છે. પાકિસ્તાની લોકો અહિં કડકડાટ અંગ્રેજી બોલતા નિહાળ્યા (જેમાં ડ્રાઇવરનો પણ સમાવેશ થતો હતો) પાકિસ્તાની ડ્રાઇવર અને એક ગાઇડના કહેવા મુજબ અહિં પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતીઓ સવિષેશ હોય છે. અમને પણ થેપલા, ગાંઠીયા, ઢોકળા, પાતરા ભાવે છે.

યુએઇ એટલે કે સંયુકત અરબ અમીરાતના ૭ શહેરોને મળીને બન્યું છે જેમાંનું એક છે દુબઇ, બીજું છે આબુધાબી, શારજાહ, અજમાન, રસ અલ ખૈમા, ફુજઇરાહ, ઉમ્મ અલ કુવૈત છે. પરંતુ આમાંથી ૩ દુબઇ, આબુધાબી, શારજાહ જાણીતા છે. યુએઇનું પાટનગર આબુધાબી છે. દુબઇ એક રાજ્ય - શહેર છે. યુએઇનું. દરેક રાજ્યોને કાયદા લાગુ કરવા, વ્યવસ્થા - સ્થાનિક સુવિધાઓની જાળવણી જેવા કાર્યો માટે ક્ષેત્રાધિકાર પ્રાપ્ત છે. દુબઇની શાસન પ્રણાલી બંધારતીય રાજાશાહી એટલે કે રાજતંત્ર પર આધારિત છે.

દુબઇ પાસે અત્યાર સુધી ક્રુડનો ભંડાર હતો હવ ેમાત્ર ૫ ટકા જ ક્રુડ બચ્યું હોવાથી ત્યાં તાજેતરમાં ૫ ટકા વેટ પ્રથા શરૂ થઇ છે. કોઇપણ ચીજવસ્તુ ખરીદવા પર ૫ ટકા વેટ લાગે છે. અહિં બે નંબરનો વ્યવહાર થતો નથી કે કરી શકાતો નથી. બધુ જ પારદર્શી કરવું પડે. અહિં ઇન્કમટેક્ષ પણ નથી, ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વતનું દુષણ પણ નથી. સીસ્ટમ જ એવી છે કે, કોઇ ધારે તો પણ લાંચ કે ભ્રષ્ટાચાર કરી ન શકે.

દુબઇમાં જો સૌથી વધુ પ્રભાવિત કરતી બાબત હોય તો તે છે ત્યાંની કાયદો અને વ્યવસ્થા અહિં કોઇ ચોરી કરતું નથી, લુંટ કરતું નથી, છેતરપીંડી કરતું નથી, ભેળસેળ કરતું નથી કે કોઇ કોઇને મામા બનાવતું નથી. કાયદા એટલા આકરા છે કે કોઇ આવું બધું કરતા પહેલા સો વખત વિચાર કરે. અહિં ટ્રાફિકને લઇને ભારે કડકાઇ છે. કોઇ પણ વાહનચાલક નિયમ તોડવાથી ડરે છે. અહિં આપણી જેમ પોલીસને કોઇ પણ નોટ આપીને પટાવી શકાતા નથી. પોલીસ કયાંય નજરે પડતી નથી. દરેક જગ્યાએ કેમેરા લાગેલા હોય છે. જ્યાં નિયમ તોડો (ભુલથી) કે તરત જ ત્યાંનો ફોટો, સમય સાથે શું ભુલ કરી તેના ફાઇનની 'કંકોત્રી' ઘરે પહોંચી જાય છે. ટ્રાફિકના નિયમો એટલા કડક છે કે કોઇ સુમસામ માર્ગ ઉપર પણ કોઇ રેડ સિગ્નલ તોડવાની હિંમત પણ ન કરે. માર્ગ હોય કે ચોક હોય કયાંય પોલીસના દર્શન ન થાય પણ જો કોઇ બનાવ બને કે નિયમ ભંગ થાય તો મિનિટમાં પોલીસની ગાડીઓ તમને ઘેરી લેશે. એવા હાઇટેક કેમેરા લાગેલા હોય છે કે કારની અંદર કે બસની અંદરની હરકતો પણ પકડી પાડે છે. ભારેખમ દંડ અને લાયસન્સ કેન્સલ આ બે મોટા પોલીસ પાસે હથિયાર છે. દુબઇ પોલીસની વિશ્વની સૌથી હાઇટેક પોલીસ ગણી શકાય. પોલીસ વાહન બીએમડબલ્યુ કે મર્સીડીઝ હોય છે જે કોઇપણ ક્રીમીનલને ૧૦-૧૫ મિનિટમાં પકડી લ્યે છે. દુબઇમાં નોકરી મેળવી સરળ છે પણ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું અઘરૃં છે. દર ૩ વર્ષે તે રીન્યુ કરાવવું પડે છે. પહેલીવાર લાયસન્સ લેવા અગ્નિપરીક્ષા આપવી પડે છે. લાયસન્સ હોય તો જ કાર ખરીદી શકાય તેવી વ્યવસ્થા છે.

દુબઇમાં બજારોને બાદ કરો તો મુખ્ય માર્ગો ઉપર ઓછા પ્રમાણમાં પગપાળા લોકો દેખાય છે. વાહનચાલકો ક્રોસિંગ વેળાએ આવા લોકોને પ્રાથમિકતા આપે છે. ગાડી દુર ઉભી રાખી પગપાળા ચાલનારને પહેલા જવા આદરથી જણાવે છે. દુબઇમાં બસ સ્ટેન્ડ પણ એસી હોય છે. શહેરમાં આવા ૮૦૦ બસ સ્ટેન્ડ છે. અહિં પ્રી-પેઇડ ટોલ વ્યવસ્થા છે. ટોલ માટે કયાંય ગાડી ઉભી રાખવી પડતી નથી. વાહન પસાર થાય એટલે તરત જ ટેક્ષ ખાતામાંથી બાદ થઇ જાય છે. અહિં ૭ દિવસ રોકાયો છતાં કયારેય હોર્ન સાંભળવા મળ્યું નથી. હોર્ન વગાડવું એ ગાળ દેવા બરાબર છે. બધા વાહનો એટલી વ્યવસ્થિત રીતે ચાલે છે કે હોર્ન વગાડવાની જરૂર જ નથી પડતી. એટલે જ અહિં ધ્વનિ પ્રદૂષિત જોવા મળતું નથી.

દુબઇ એક એવું શહેર છે જ્યાં વરસાદ પડવાનું પ્રમાણ નહિવત છે. અહિં વર્ષની બે જ સીઝન હોય છે ગરમી અને વધુ ગરમી. વધુ ગરમીમાં તાપમાન ૫૨ થી ૫૫ ડીગ્રી સુધી પહોંચી જતું હોવાનું જાણવા મળ્યું હતું. એકાદ બે વર્ષે વરસાદ પડે તો લોકો પાગલ બની ન્હાવા નીકળી પડતા હોય છે. વરસાદ નહિ પડતાં અહિં ડેમ નથી કે સરોવર નથી. અહિં દરિયાના પાણીને મીઠું કરવાના અને ઘરના ગંદા પાણીને રીસાઇકલ કરવાના પ્લાન્ટ છે. પાણીને અહિં જાળવી - જાળવીને વાપરવામાં આવે છે. અહિં ભારતની જેમ પાણીના પરબ જોવા મળતા નથી. હોટલ કે રેસ્ટોરન્ટમાં રેશનીંગની જેમ પાણીની બોટલ આપવામાં આવે છે. મોલમાં જાવ કે રેસ્ટોરન્ટમાં જાવ દરેક જગ્યાએ પાણી વેચાતું લેવું પડે છે. આ લખનારે પણ રૂ. ૧૪૦ની પાણીની બોટલ ખરીદવી પડી હતી. દુબઇના ફલેટ કે મકાનોમાં બહાર કપડા સુકવી શકાતા નથી.

દુબઇમાં પર્યટકો માટે અહિંની ગોલ્ડ માર્કેટ આકર્ષકરૂપ છે. અહિંની સોની બજારને ગોલ્ડ સુક કહીને ઓળખવામાં આવે છે જ્યાં તમને ૫ કિલોના હાર અને વીંટી શોકેસમાં જોવા મળે છે. એવા ચળકાટ જોવા મળે કે બસ જોતા જ રહીએ. દુબઇમાં આધુનિક ડિઝાઇનોના ગોલ્ડ - ડાયમંડ મળે છે. દુબઇના સોનાની વિશેષતા એ છે કે જો લેવું હોય તો ખરૃં સોનું મળે છે. ૨૨ કેરેટ સોનું એકદમ ૧૦૦ ટકા ૨૨ કેરેટનું હોય છે. કોઇ મીલાવટ નથી હોતી. ૫ ટકા વેટ લાગ્યા બાદ હવે ૧ તોલે ૨૫૦૦ રૂ.નો તફાવત જોવા મળે છે. દુબઇથી પ્રવાસીઓ ડયુટીથી બચવા પહેરીને લાવતા હોય છે. અહિં તમને ગુજરાતી બોલતા જ્વેલર્સ પણ મળે. રાજકોટની જ્વેલરી શોપ પણ જોવા મળે. રોજનું કરોડોનું અહિં ટર્નઓવર થાય છે. અમે જોયું ત્યારે સૌથી વધુ સોનું ગોરી ચામડીના લોકો લેતા જોવા મળ્યા હતા.

દુબઇ પ્રવાસ દરમિયાન ડેઝર્ટ સફારી કે પછી આબુધાબીની મુલાકાત યાદગાર રહે છે તો ૮૦૦ મીટરથી વધુ ઉંચા બુર્જ ખલીફાના ૧૨૫માં માળ પર પહોંચી ત્યાંથી ફોટોગ્રાફી - વિડિયોગ્રાફી કરવાની મજા પણ કંઇક ઓર જ છે. ગણતરીની મીનીટોમાં પૃથ્વીથી ઉંચે લઇ જાય છે. હાઇટેક લીફટ, અમીરાત મોલમાં બરફના પહાડ પર લસરવાનું અને માઇનસ ૪ ડીગ્રી તાપમાન - ઠંડીનો અનુભવ કરવાનું પણ રોમાંચકારી છે. જો ગજવામાં ઘણા બધા પૈસા હોય તો ખુલ્લી બસમાં દુબઇની સૈર કરવાની મજા પણ કંઇક ઓર જ છે. દરિયો બુરીને બનાવાયેલ પામ જુમેરા વિસ્તારનો વૈભવ પણ કંઇક ઓર જ છે. અહિં મ્યુઝીકલ ફાઉન્ટેન તમને અનોખી દુનિયામાં લઇ જાય છે તો ફેરારી વર્લ્ડ પણ ઉડીને આંખે વળગે તેવું છે. આબુધાબીની શેખ ઝાયેદ મસ્જીદ તેનું બાંધકામ, તેના ગાલીચા, તેની ભવ્યતા ઉડીને આંખે વળગે તેવી છે. ડયુટી ફ્રી શોપમાંથી ખરીદી કરવાની મજા પણ કંઇક ઓર જ છે. દુબઇની એક વખતની મુલાકાત જીંદગીભરનું સંભારણુ બની જાય તેવી હોય છે. દુબઇ જવા માટે વિવિધ પેકેઝીંગ ઉપલબ્ધ હોય છે. તેમાંથી આપણને પરવડે તેવું પેકેજ લઇ શકાય. દુબઇ પ્રવાસે આવતાં લોકોમાં ગુજરાતી જ સૌથી વધુ હોય છે તેવું ત્યાંના લોકોનું કહેવું છે. તેઓના કહેવા મુજબ ગુજરાતી લોકો જ પૈસા કમાઇ પણ જાણે. એક વખત ઝન્નતના આ શહેરની મુલાકાત લેવી જરૂરી છે...

દુબઇમાં ભેળ ૫૦૦ની, વડાપાઉં ૩૨૦ના, સેવપુરી ૫૦૦ની, પાણીપુરી ૪૦૦ની મળે

દુબઇ મોંઘુદાટ શહેર કહી શકાય . જો તમે દિરહામની રૂપિયામાં ગણતરી કરો તો પાણીપુરી ૪૦૦ની, ભેળ ૫૦૦ની, સેવપુરી ૫૦૦ની, વડાપાઉં ૩૨૦ના અને ૧ સમોસુ ૧૦૦નું મળે . પાણી પણ મોંઘુ ૧૪૦ની બોટલ મળે દુબઇ ફરવા જવાય ખરીદી ન કરાય . સોનું ભારત કરતાં રૂ. ૨૫૦૦ જ સસ્તુ છે . ૫ ટકા વેટ આવ્યા બાદ તફાવત ઓછો થયો . જોકે મળે ૨૨ કેરેટનું પ્યોર સોનું . દુબઇમાં રહેવાનું, ઇલેકટ્રીસીટી, વોટર બિલ મોંઘા . ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ . પંજાબી થાળી જમવાની હોય તો રૂપિયામાં ૯૦૦ દેવા પડે

દુબઇમાં શું જોવા જેવું ?

-  ડેઝર્ટ સફારી

-  લપીતા રીસોર્ટ - બોલીવુડ

-  સહિત ૪ પાર્ક

-  બુર્જ ખલીફા

-  મ્યુઝીકલ ફાઉન્ટેન

-  ગોલ્ડ સુક (બજાર)

-  મિરેકલ ગાર્ડન

-  દુબઇ ફ્રેમ

-  દુબઇ મોલ - અમીરાત મોલ

-  પામ આઇલેન્ડ

-  ફેરારી વર્લ્ડ

-  શેખ ઝાયેદ મસ્જીદ

-  દુબઇ ક્રીક

-  એટલાન્ટીસ હોટલ

-  મીના બાઝાર

-  બુર્ઝ અલ આરબ

-  ડોલ્ફીન શો

-  સ્કી દુબઇ - બરફનાં પહાડો

દુબઇની ખાસીયત

-  કોઇ હોર્ન ન વગાડે

-  પગે ચાલનારાને અગ્રીમતા

-  પ્રી-પેઇડ ટોલ ટેક્ષ પ્રથા

-  સીટી બસ સ્ટોપ એસી

-  મેટ્રો તથા મોનો રેલ ડ્રાઇવર વગરની

-  નોકરી મેળવવી સરળ પણ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું અઘરૃં

-  મુખ્ય માર્ગો ૧૬ ટ્રેક સુધીના

-  પાણીપુરી - ભેળ - દહીંપુરી - ઢોસા વગેરે બધી જ વાનગી મળે પણ મોંઘીદાટ

-  પાણી મોંઘુ... ૧ બોટલના રૂ. ૧૪૦ ચુકવવા પડે

-  વાહન ચાલકો ડરે આકરા દંડથી

-  કદી કોઇ સીટીઝનશીપ નથી આપતું દુબઇ

આલેખન

શૈલેષ દવે

 

(11:35 am IST)