Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

શિકાગો નજીક લોમ્બાર્ડ ટાઉનમાં આવેલ વેસ્ટીન હોટલમાં યોજવામાં આવેલ દ્વિતીય વર્લ્ડ હિંદુ કોંગ્રેસ ૨૦૧૮ની થયેલી પૂર્ણાહુતિઃ ત્રણ દિવસ માટે યોજવામાં આવેલ આ અધિવેશનના અંતિમ દિને ભારતના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ આપેલી હાજરીઃ અને તેમણે સવાસો વર્ષ પૂર્વે શિકાગોની વિશ્વ ધાર્મિક પરિષદમાં જે ઐતિહાસિક પ્રવચન આપેલ અને તેમાં હિંદુ ધર્મ વિષે તેમણે જે રજુઆતો કરેલ તેનો અભ્યાસ કરી દરેક ભાઇ બહેનોએ તેને પોતાના જીવનમા અનુસરવા હાકલ કરીઃ સંધ સંચાલક ડો. મોહન ભાગવત, અખિલ વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશ મુનિજી તથા અન્ય મહાનુભાવોએ પ્રવચનો કર્યાઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્ટ ઓફ લીવીંગના અગ્રણી શ્રી શ્રી રવીશંકર તથા બૌધ ધર્મના વડા દલાઇમાનો વિડિયો સંદેશ પ્રતિનિધિઓએ નિહાળ્યોઃ આ વેળા અનુદાન આપનારાઓ તથા સ્થાનિક કમીટીના અગ્રણીઓ તેમજ ભારતીય સમાજના આગેવાન ડો. ભરત બારાઇને શાલ અર્પણ કરી જાહેર સન્માન કરવામાં આવ્યુ હતુઃ ચાર વર્ષના સમયગાળા દરમ્યાન થાઇલેન્ડના પાટનગર બેંગકોકમાં વર્લ્ડ હિંદુ કોંગ્રેસનું તૃતીય અદિવેશન મળશેઃ ઇલીનોઇ રાજયના ગવર્નર બ્રુસ રાઉનરે સમગ્ર રાજયમાં સ્વામી વિવેકાનંદ ડેની કરેલી જાહેરાત

 (કપિલા શાહ દ્વારા) શિકાગો સ્વામી વિવેકાનંદે સને ૧૮૯૩ની સાલમાં શિકાગોના ડાઉન  કાઉન વિસ્તારમાં આવેલ ઓક્રિસલરી બીલ્ડીંગ કે જે હાલમાં આર્ટ ઇન્સ્ટીટયુટ ઓફ શિકાગોના નામે ઓળખાય છે તેમાં ૧૧ થી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ વૈશ્વિક ધર્મ પરિષદમાં જે ઐતિહાસિક પ્રવચન આપેલ તેને આ વર્ષે સવાસો વર્ષ પૂર્ણ થતા હોવાથી તે પાવન પૂણ્ય પ્રસંગે શિકાગોના આંગણે વિશ્વ હિંદુ કોંગ્રેસ ૨૦૧૮નું ત્રણ દિવસ માટે જે આયોજન કરવામાં આવ્યું હતું તેની પૂર્ણાહુતિ સપ્ટેમ્બર માસની ૯મી તારીખને રવીવારે લોમ્બાર્ડ ટાઉનમાં આવેલ વેસ્ટીન હોટલના બેન્કવેર હોલમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુએ ખાસ હાજરી આપી હતી અને તેની સાથે સાથે ૬૦ જેટલા વિશ્વના દેશોમાંથી ૨૨૦૬ જેટલા પ્રતિનિધિઓએ વર્ડ હિન્દુ કોંગ્રેસ ૨૦૧૮ના સપ્ટેમ્બર માસની ૭મી તારીખથી નવમી તારીખ દરમ્યાન યોજવામાં આવેલ આ દિવતીય અધિવેશનમાં પણ હાજરી આપી હતી.

સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ જયારે મુખ્ય સ્ટેજ પર હાજર થયા ત્યારે તમામ પ્રતિનિધિઓએ ઉભા થઇને તેમને તાળીઓથી વધાવી લીધા હતા અને તેમણે નમન દ્વારા તેનો સ્વીકાર કર્યો હતો ત્યારે બાદ તેઓ આ કોન્ફરન્સના સંચાલકોને મળવા માટે નીચે આવ્યા હતા. અને તમામને મળીને પોતાનો આનંદ વ્યકત કર્યો હતો ત્યારે તેઓ સ્ટેજ પર આવ્યા બાદ બંન્ને રાષ્ટ્રોના રાષ્ટ્રીય ગીતો રજુ કરવામાં આવ્યા બાદ ઉપરાષ્ટ્રપતિજીને સંબોધન કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.

ભારતના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુએ પોતાના પ્રવચન શરૃઆતમાં જયારે શિકાગો પધારવા માટેનું આમંત્રણ મળ્યુ તે અંગે પોતાનો આનંદ વકત કર્યો હતો અને સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદને આજથી સવારે વર્ષ પહેલા જે ઐતિહાસિક સંબોધન કરેલ તે પ્રસંગે શિકાગોના આંગણે યોજવામાં આવેલ વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ ૨૦૧૮નું જે દિવતીય અધિવેશન સમાપન થઇ રહેલ છે તે પ્રસંગે તેમણે અત્યંત આનંદની લાગણીઓ વ્યકત કરી હતી તેની સાથે સાથે આ અધિવેશનના સંચાલકોને પણ અભિનંદન તેમણે આપ્યા હતા.

તેમણે આજથી સવાસો વર્ષ પૂર્વે સ્વામી વિવેકાનંદ શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં જે ઐતિહાસિક પ્રવચન આપેલ તેનો ઉલ્લેખ કરતા તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યુ હતું કે હિંદુ ધર્મ વિશ્વના તમામ ધર્મો પ્રત્યે સવિષ્ણુતા રાખે છે અને તમામ ધર્મોને સમાનતાથી જુએ છે કારણ કે આપણા ભારત દેશની સંસ્કૃતિ આપણને તેમ કરવાની પ્રેરણા આપે છે અને વર્ષોથી આપણે તે કરતા આવ્યા છીએ એ આપણા સૌના માટે આનંદની બીના છે.

આપણે સમગ્ર વિશ્વના દેશો પ્રત્યે કોઇ પણ પ્રકારનો ભેદભાવ રાખતા નથી અને તેજ સાથે સાથે તેમના તમામ ધર્મો પ્રત્યે પણ આપણે સમાનતા રાખીએ છીએ અને આપણા કુટુમ્બનાજ તેઓ સભ્ય હોય તેવી ભાવના કેળવીએ છીએ અને તેવો વ્યવહાર આપણે કરતા આવ્યા છીએ આપણે સૌહ હિંદુ શબ્દ શું છે તેનો અર્થ બરાબર સમજી લેવો જરૃરી છે કારણ કે આપણે ભારતીય સંસ્કૃતિને વહેલા છે અને તે આપણને શેર અને કેરની નિતિ એટલે કે એક બીજાની સાથે વહેચી અને એક બીજાની કાળજી લેવામાં સહભાગીદાર બનવા સમજાવે છે અને આ નિતિ ભારતના તમામ ધર્મોમાં દર્શાવવામાં આવેલ છે અને તેનુ અનુકરણ સૌ લોકો કરી રહ્યા છે તે આનંદ દામક છે.

પોતાના પ્રવચનના અંતમાં તેમણે સ્વામીવિવેકાનંદ વિશ્વ હિંંદુ પરિષદમાં આજથી સવાસો વર્ષ પહેલો જે ઐતિહાસિક પ્રવચન આપેલ તેનો યોગ્ય અભ્યાસ કરીને આપણે સૌ તેને આપા જીવનમાં અપનાવીએ તથા તેને ચરિતાર્થ કરવાનો પ્રયાસ કરીશું તો આપણે આપણું જીવન ઉન્નત બનાવી શકીશુ એમાં શંકાને સ્થાન નથી. કારણકે સમગ્ર વિશ્વમાં જે અન્ય ધર્મો છે તેમાં આપણા ધર્મની સંસ્કૃતિ સૌથી મહાન છે અને તેથી આપણે આપણા દેશમાં ભીન્ન ભીન્ન પ્રકારના ધર્મો હોવા છતાં એક રાગીતાથી આપણે હળીમળીને રહીએ છીએ જે સમગ્ર વિશ્વમાં ગર્વની બીના છે.

વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના અંતિમ દિને જે પૂર્ણાહુતિ સમારંભનું આયોજન કરવામાં આવેલ તેની શરૃઆતમાં જે ભીન્ન ભીન્ન પ્રકારની પેનલો આયોજન કરવામાં આવેલ જેમાં આર્થિક, નારી, યુવાનો, શિક્ષણ મહિલા, રાજકીય અને સંસ્થાકીય સંચાલન ક્ષેત્રનો સમાવેશ થાય છે તેના કન્વીનીયરોએ બે દિવસો દરમ્યાન યોજવામાં આવેલ પેનલોમાં થયેલ ચર્ચાઓ અંગે વિસ્તૃત છણાવટા કરી હતી. અને તેને સારો એવો આવકાર મળ્યો હતો.

ત્યાર બાદ શિકાગો ખાતેના ભારતીય સમાજના અગ્રણી અને આ કોન્ફરન્સના ફાયનાન્સ કમિટિના ચેરમેન ડો.ભરત બારાઇએ આ ફોન્ફરન્સને સફળ બનાવવા માટે જે મહાનુભાવોએ આર્થિક મદદ કરેલ તે તમામને સ્ટેજ પર બોલાવીને તેઓનુ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ શિકાગો ચેપ્ટરના અગ્રણીઓનું પણ શાલ અર્પણ કરીને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય સમાજના અગ્રણી ડો.ભરત બારાઇને પણ શાલ અર્પણ કરીને જાહેર સન્માન કર્યુ હતું.

ત્રણ દિવસના સમય દરમ્યાન શિકાગો નજીક લોમ્બાર્ડ ટાઉનમાં યોજવામં આવેલ વર્લ્ડ હિન્દુ કોંગ્રેસનુ આ દ્વિતીય અધિવેશન અત્યંત સફળ રહેવા  પામ્યુ હતું અને અગેના સ્થાનિક ૧૮૨ જેટલા સ્વયંસેવક ભાઇ બહેનોએ ખડેપગે તમામ ક્ષત્રે સારી એવી સેવા બજાવી હતી અને અધિવેશનના અંતિમદિને ૨૨૦૦ જેટલા પ્રતિનિધિએ અત્રેથી વિદાય થશે ત્યારે પોતાના જીવનમાં  શિકાગો માટે એક જીવનનનું સંભારણુ લઇ જતા હોય તેવો સર્વેને અહેસાસ થાયતો નવાઇની વાત નથી આ અંગે સંચાલકો તેમજ સ્વયંસેવકો અભિનંદનને પાત્ર છે.

અધિવેશનના પ્રથમ દિવસે સવારે વિશ્વહિંદુ કોંગ્રેસ ૨૦૧૮નું 'દિપ પ્રગટાવીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને તેમાં સંઘ સંચાલક ડો.મોહન ભાગવતજી અખિલ વિશ્વ ભારતીયના સ્થાપક આચાર્ય લોકેશ મુનીજી, સ્વામી સ્વરૃપાનંદજી, સ્વામી પૂર્ણાત્માનંદજી સદગુરૃ દિલિપજી અને અન્ય લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે બૌધ ધર્ણ ગુરૃ દલાઇ લામા તેમજ આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજીને વિડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યુ હતું.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ આ પ્રસંગે વિડિયો સંદેશ મોકલ્યો હતો. અને હાજર રહેલા તમામ પ્રતિનિધિઓએ તે જોયો હતો. સંઘ સંચાલક મોહન ભાગવતજીએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં તમામ હિંદુઓને એકત્રીત રહેવા હાકલ કરી હતી અને તેની સાથે સાથો માનવતા ભર્યા કાર્યો કરવા હૃદય પૂર્વક અપીલ કરી હતી. કાર્યક્રમના અંતમાં શિકાગો ચેપ્ટરના પ્રમુખ સમકાંત શેઠે આભાર વિધિ કરી હતી. ચાર વર્ષના સમયગાળા બાદ ૨૦૨૨ની સાલમાં થાઇલેન્ડના પાટનગર બેંગકોકમાં વર્લ્ડ હિંદુ કોંગ્રેસનું તૃતીય અધીવેશન મળશે.

વધારામાં શામ્બર્ગ ટાઉનશીપન ટ્રસ્ટી નિમિષ જાનીએ ઇલીનોઇ રાજયના ગવર્નર બ્રુસ રાઉનર સમગ્ર રાજ્યમાં સ્વામી વિવેકાનંદ ડેની ઉજવણી કરતુ જે જાહેરનામુ બહાર પાડેલ તેનું વાંચન કર્યુ હતું અને તમામ પ્રતિનિધિઓએ આ કરવામાં આવેલી જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

(11:20 pm IST)