Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

70-75 વર્ષોથી બાળકોને ફ્રી શિક્ષણ, સરકારી હોસ્પિટલોમાં સારવાર અને ગરીબોને રાશન અપાયું છતાં અચાનક આટલો વિરોધ કેમ!?: કેજરીવાલ

કેજરીવાલે કહ્યું - પહેલીવાર કોઈ સરકાર કહી રહી છે કે સૈનિકોના પેન્શનનો ખર્ચ ઉઠાવી શકતી નથી. આજ સુધી કોઈ સરકારે કહ્યું નથી કે અમે પેન્શન આપી શકતા નથી

નવી દિલ્હી :આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફ્રી યોજનાઓને બંધ કરવાનો પ્રયાસ, અગ્નિવીર યોજના, આઠમાં નાણા પંચની રચનાનો ઇનકાર જેવા કારણ દર્શાવતા સવાલ ઉઠાવ્યો કે શું કેન્દ્ર સરકારની આર્થિક સ્થિતિ ઠીક છે? તેમણે પૂછ્યું કે કેન્દ્ર સરકારના બધા પૈસા ક્યાં ગયા? પછી તેમણે જવાબ આપતા આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે પોતાના મિત્રો અને અબજોપતિઓના 10 લાખ કરોડની લોન માફ કરી દીધી. તેમણે દાવો કર્યો કે 5 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ પણ માફ કરવામાં આવ્યો છે

અરવિંદ કેજરીવાલે કહ્યુ, ‘છેલ્લા કેટલાક દિવસથી જે રીતે જનતાને ફ્રીમાં મળનાર સુવિધાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકારો કંગાળ થઈ જશે. દેશ માટે આફત આવી જશે. આ સુવિધાઓને બંધ કરવામાં આવે. તેનાથી મનમાં શંકા થાય છે કે શું કેન્દ્ર સરકારની આર્થિક સ્થિતિ વધુ ખરાબ તો નથી થઈ ગઈ. આટલો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે. 70-75 વર્ષોથી બાળકોને ફ્રી શિક્ષણ, સરકારી હોસ્પિટલોમાં સારવાર અને ગરીબોને રાશન આપવામાં આવી રહ્યું છે. અચાનક આટલો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે?

અરવિંદ કેજરીવાલે અગ્નિવીર યોજનાને પણ શંકાનું કારણ જણાવતા કહ્યું, થોડા દિવસ પહેલા તે અગ્નિવીર યોજના લઈને આવ્યા. કહેવામાં આવ્યું કે તેની જરૂરીયાત એટલે પડી કે સૈનિકોના પેન્શનનો ખર્ચ સરકાર વહન કરી શકતી નથી. પહેલીવાર કોઈ સરકાર કહી રહી છે કે સૈનિકોના પેન્શનનો ખર્ચ ઉઠાવી શકતી નથી. આજ સુધી કોઈ સરકારે કહ્યું નથી કે અમે પેન્શન આપી શકતા નથી. એવું શું થઈ ગયું કે કેન્દ્ર સરકાર સૈનિકોને પેન્શન આપવાની સ્થિતિમાં પણ નથી.

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે દર પાંચ-પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે નાણાપંચ બનાવે છે. હવે આઠમું નાણાપંચ બનવાનું હતું. હવે કેન્દ્ર સરકારે કહ્યું કે, અમે નહીં બનાવીએ. કારણ કે અમારી પાસે પૈસા નથી. કેન્દ્ર સરકારની પાસે પોતાના કર્મચારીઓનું વેતન વધારવા માટે પૈસા બચ્યા નથી. ક્યાં ગયા કેન્દ્ર સરકારના પૈસા? કેન્દ્ર સરકારની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે? તેમણે કહ્યું કે મનરેગા, દેશના ગરીબથી ગરીબ વ્યક્તિને સરકાર સો દિવસનું કામ અને પૈસા આપે છે. કેન્દ્ર કહે છે કે અમારી પાસે તે પૈસા નથી. દર વર્ષે 25 ટકાનો ઘટાડો કરી દેવામાં આવે છે. કેન્દ્ર સરકાર ટેક્સનો એક ભાગ રાજ્યને આપે છે. અત્યાર સુધી 42 ટકા ભાગ આપવાનો હતો. હવે તેને ઘટાડી 29 ટકા કરી દેવામાં આવ્યો છે. આખરે આ પૈસા ક્યાં ગયા છે. .

(11:32 pm IST)