Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

બિહારમાં યુવાનોને રોજગાર આપવા માટે બમ્પર ભરતી કરવામાં આવશે : તેજસ્વી યાદવે જાહેરાત કરતાની સાથે જ કાર્યકરોને કામે વળગાળ્યા

તેજસ્વી યાદવે કાર્યકરોને ઉજવણી કરવાને બદલે તાત્કાલિક કામ પર લાગી જવાની અપીલ કરી : કહ્યું - આવો સાથે મળીને બિહારને વધુ સારું બનાવીએ

પટના તા.11 : બિહારમાં બે દિવસના રાજકીય ડ્રામા બાદ મહાગઠબંધનની સરકાર બની છે. નીતીશ કુમારે આઠમી વખત બિહારના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. આ સાથે, RJD નેતા તેજસ્વી યાદવે બીજી વખત નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. અને હવે તેજસ્વી યાદવે કાર્યકરોને ઉજવણી કરવાને બદલે તાત્કાલિક કામ પર લાગી જવાની અપીલ કરી છે.

બુધવારે શપથ લીધા બાદ તેજસ્વી યાદવે જાહેરાત કરી હતી કે બિહારમાં યુવાનોને રોજગાર આપવા માટે બમ્પર ભરતી કરવામાં આવશે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું - હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હું દરેક બિહારીની અપેક્ષાઓ પર ખરા ઉતરી શકું. તમામ સમર્થકોને ઉજવણી કરવાને બદલે કામે લાગી જવા વિનંતી છે. ગરીબને આલિંગન આપો અને તેમની સમસ્યાઓનું નિરાકરણ પ્રામાણિકપણે કરવાનો પ્રયાસ કરો. આવો આપણે બધા સાથે મળીને બિહારને વધુ સારું બનાવીએ.

આ પહેલા તેજસ્વી યાદવે બુધવારે કહ્યું હતું કે બિહારના યુવાનોને રોજગાર આપવા માટે ટૂંક સમયમાં બમ્પર ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ માટે તેમણે સીએમ નીતિશ કુમાર સાથે વાત કરી છે. આ દરમિયાન તેજસ્વી યાદવે કહ્યું કે યુવાનોને લઈને તેમણે જે વચનો આપ્યા છે તે પૂરા કરવામાં આવશે.

બુધવારે નીતીશ કુમાર અને તેજસ્વી યાદવે મહાગઠબંધનની સરકારમાં સીએમ અને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. બિહારમાં નીતિશ તેજસ્વીની સરકાર બન્યા બાદ હવે તમામની નજર કાકા-ભત્રીજાની જોડી પર છે. તેજસ્વી યાદવ આ પહેલા પણ નાયબ મુખ્યમંત્રી પદ સંભાળી ચુક્યા છે. ત્યારબાદ તેમની પાસે માર્ગ નિર્માણ મંત્રાલય પણ હતું.

તેજસ્વી યાદવ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે 2020ની વિધાનસભા ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે જો બિહારમાં તેમની સરકાર બનશે તો અહીંના બેરોજગારોને 10 લાખ નોકરીઓ આપવામાં આવશે. પરંતુ બિહારના લોકોએ તેમના વચન પર વિશ્વાસ ન કર્યો. હવે જ્યારે નીતિશ કુમાર પોતાનો પક્ષ બદલીને મહાગઠબંધનમાં જોડાયા છે અને બિહારમાં નીતિશ તેજસ્વીની સરકાર બની છે, ત્યારે ફરી એકવાર તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે બિહારમાં એક મહિનામાં બમ્પર ભરતી થશે, જેનાથી યુવાનોને રોજગાર મળશે.

 

(8:26 pm IST)