Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

CBIએ પશુઓની તસ્કરી મામલે મોટુ એક્શન લઈને TMC નેતા અનુબ્રત મંડલની ધરપકડ કરી

મંડલે આ મામલે CBI દ્વારા મોકલવામાં આવેલા 10 સમનનો કોઈ જ જવાબ નહોતો આપ્યો : BSFને 20,000 પશુઓના માથા મળી આવ્યા

કોલકાતા, તા.11 : પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને તૃણમુલ કોંગ્રેસ પર વધુ સિકંજો કસાઈ રહ્યો છે અને સીબીઆઈએ આજે તૃણમુલ નેતા અનુવ્રત મંડલને ૨૦૨૦ના પશુઓની તસ્કરીના મામલામાં ધરપકડ કરી રિમાન્ડ પર લેવા કોર્ટમાં રજૂ કર્યા છે. અનુવ્રત મંડલએ બિરલૂમ જિલ્લામાં તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ છે અને મમતા બેનરજીની નજીક માનવામાં આવે છે. આજે સવારે સીબીઆઈની ટીમ મંડલના નિવાસે પહોંચી હતી અને તેમની ધરપકડ કરીને હવે અદાલતમાં લઇ જવા તૈયારી છે.

અનુબ્રત મંડલ વીરભૂમ જિલ્લાના ટીએમસી અધ્યક્ષ છે માટે તેમની ધરપકડ મમતા બેનર્જી માટે વધુ શોકિંગ બની રહી છે. સીબીઆઈની ટીમ આજે સવારે અનુબ્રત મંડલના ઘરે પહોંચી હતી. મંડલે આ મામલે સીબીઆઈ દ્વારા મોકલવામાં આવેલા 10 સમનનો કોઈ જ જવાબ નહોતો આપ્યો. ત્યાર બાદ એજન્સી કોર્ટના શરણે ગઈ હતી. સીબીઆઈએ અગાઉ 2 વખત તેમની પુછપરછ પણ કરેલી છે.

સીબીઆઈએ 2020માં પશુઓની તસ્કરી મામલે કેસ દાખલ કર્યો હતો જેમાં અનુબ્રત મંડલનું નામ પણ સામે આવ્યું હતું. સીબીઆઈના કહેવા પ્રમાણે વર્ષ 2015થી 2017 દરમિયાન બીએસએફને 20,000 પશુઓના માથા મળી આવ્યા હતા. તે પશુઓની સરહદ પાર તસ્કરી કરવામાં આવી રહી હતી. આ કેસ અંતર્ગત તાજેતરમાં જ સીબીઆઈએ અનેક સ્થળોએ દરોડો પાડ્યો હતોત. એજન્સીએ મંડલના બોડીગાર્ડ સૈગલ હુસૈનની પહેલેથી જ ધરપકડ કરી લીધી છે.

સીબીઆઈ અધિકારી રાજીવ મિશ્રા અને તેમની ટીમની 5થી 6 ગાડીઓનો કાફલો અનુબ્રત મંડલના ઘરે પહોંચ્યો ત્યારે ત્યાં કેન્દ્રીય સુરક્ષા બળ હાજર હતું. એજન્સીએ મંડલના ઘરે જ થોડા સમય સુધી પુછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી.

ઉપરાંત કેન્દ્રીય અધિકારીઓ ગૌ તસ્કરી અંગે બોલપુરના બેંક કર્મચારીઓની પણ પુછપરછ કરશે. સીબીઆઈ અધિકારીઓ જાણવા ઈચ્છે છે કે, ગૌ તસ્કરી મામલે કેટલી રકમ કયા ખાતામાં ક્યાંથી જમા થઈ.

પશુઓની તસ્કરી મામલે અનુબ્રતની ધરપકડના કારણે મમતા બેનર્જીને ગણતરીના દિવસોમાં જ બીજો શોક મળ્યો છે. અગાઉ પાર્થ ચેટર્જીની ધરપકડ અને મોટા પાયે રોકડ મળી આવવાના કારણે મમતા બેનર્જી દબાણમાં હતા. તેમણે પોતે જ આકરૂં પગલું ભરીને પાર્થને મંત્રી પદેથી દૂર કર્યા હતા અને પાર્ટીમાંથી પણ બહાર કરી દીધા હતા. શિક્ષક ભરતી કૌભાંડમાં ફસાયેલા પાર્થ ચેટર્જીની સહયોગી અર્પિતા મુખર્જીના ઘરેથી 50 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી.

 

(8:23 pm IST)