Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ઉરીકાંડ દોહરાવવાનું ત્રાસવાદીઓનું ષડયંત્ર નિષ્‍ફળ

આર્મી કેમ્‍પમાં ઘુસવાનો પ્રયાસ કરતા ૨ ત્રાસવાદી ઠાર : ૩ જવાન શહિદ : જમ્‍મુ-કાશ્‍મીરના રાજાૈરીની ઘટના : આર્મી કેમ્‍પમાં ઘુસણખોરીનો પ્રયાસ નિષ્‍ફળ બનાવાયો : સામસામો ગોળીબાર

શ્રીનગર તા. ૧૧ : જમ્‍મુ-કાશ્‍મીરમાં સ્‍વતંત્રતા દિવસ પહેલા એક મોટું ષડયંત્ર નિષ્‍ફળ ગયું છે. જમ્‍મુના પરગલમાં ઉરી હુમલા જેવા કાવતરાને સુરક્ષા દળોએ નિષ્‍ફળ બનાવ્‍યો છે. સેના કેમ્‍પમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા બે આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. જો કે આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે.

રાજૌરીના દરહાલ વિસ્‍તારના પરગલમાં આતંકીઓએ સેનાના કેમ્‍પની વાડમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આના પર સતર્ક સૈનિકોએ શકમંદોને જોઈને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકવાદીઓએ પણ ગોળીબાર કર્યો હતો.

બંને તરફથી થયેલા ગોળીબારમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. જયારે ત્રણ જવાનો શહીદ થયા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. એડીજીપી મુકેશ સિંહે જણાવ્‍યું કે દારહાલ પોલીસ સ્‍ટેશનથી ૬ કિમી દૂર અન્‍ય પાર્ટીઓને પણ કેમ્‍પ તરફ મોકલવામાં આવી છે. બે આતંકવાદીઓ માર્યા ગયા છે. વિસ્‍તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્‍યું કે, રાજૌરીના દારહાલ વિસ્‍તારમાં પરગલ ખાતે આર્મી કેમ્‍પમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને આજે વહેલી સવારે ઠાર કરવામાં આવ્‍યા હતા. જમ્‍મુ ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે જણાવ્‍યું કે આ હુમલામાં સેનાના પાંચ જવાન પણ ઘાયલ થયા છે. સુરક્ષા અધિકારીઓએ વિસ્‍તારને કોર્ડન કરી લીધો છે અને વધારાની ટીમો સ્‍થળ પર મોકલવામાં આવી છે.

તેમણે કહ્યું, ‘આતંકવાદીઓએ વહેલી સવારે રાજૌરી જિલ્લાના દારહાલ વિસ્‍તારમાં બુધ કનાડી નજીક પરગલમાં આર્મી કેમ્‍પની વાડને પાર કરવાનો પ્રયાસ કર્યો. રક્ષકની ફરજ પરના સંત્રીએ તેને પડકાર્યો. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો હતો.' અધિકારીઓએ કહ્યું કે આ એક આત્‍મઘાતી હુમલો હતો જેને ગાર્ડ ડ્‍યુટી પર સતર્ક સંત્રીએ નિષ્‍ફળ બનાવ્‍યો હતો.

૨૦૧૬માં જૈશ-એ-મોહમ્‍મદના ચાર આતંકવાદીઓએ જમ્‍મુ-કાશ્‍મીરના ઉરીમાં આર્મી હેડક્‍વાર્ટર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૯ જવાન શહીદ થયા હતા. જયારે ૩૦ જેટલા જવાન ઘાયલ થયા છે. જો કે જવાબી કાર્યવાહીમાં ચારેય આતંકીઓ માર્યા ગયા હતા. તે જ સમયે, ભારતે પીઓકેમાં પ્રવેશ કરીને સર્જિકલ સ્‍ટ્રાઈક પણ કરી હતી. આ દરમિયાન આતંકી લોન્‍ચ પેડ્‍સને નષ્ટ કરી દેવામાં આવ્‍યા હતા.

ગઇકાલે મધ્‍ય કાશ્‍મીરના બડગામ જિલ્લામાં લગભગ ૧૨ કલાક ચાલેલા ઓપરેશનમાં સુરક્ષા દળો દ્વારા લતીફ રાથેર સહિત ત્રણ લશ્‍કર-એ-તૈયબાના આતંકવાદીઓ માર્યા ગયા હતા. લતીફ રાથેર કાશ્‍મીરી પંડિત સરકારી કર્મચારી રાહુલ ભટ અને કાશ્‍મીરી અભિનેત્રી અમરીન ભટ સહિત અનેક નાગરિકોની હત્‍યામાં સામેલ હતો. અન્‍ય બે આતંકવાદીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. સુરક્ષા દળો દ્વારા ત્રણેયના મૃતદેહ મળી આવ્‍યા છે. એન્‍કાઉન્‍ટર સ્‍થળ પરથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્‍યો છે.

(10:41 am IST)