Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

બુલિયનમાં ગાબડાં : સોનામાં એક દિવસમાં 1600-ચાંદીમાં 2500નો કડાકો :ગોલ્ડનો ભાવ 55900 અને ચાંદી કિલોદીઠ 70000 રુપિયે બંધ

ડોલર સામે રૂપિયામાં મજબૂતી અને વૈશ્વિક બજાર ઘટતા સ્થાનિક સ્તરે નરમાઇ

 

નવી દિલ્હી :સોના-ચાંદીના ભાવોમાં અમદાવાદ-દિલ્હી સહિત ભારતભરના બુલિયન બજારોભારે કડાકો જોવા મળ્યો હતો. ડોલર સામે રુપિયામાં મજબૂતી અને વૈશ્વિક બજારમાં ભાવે ઘટતા સ્થાનિક બજારોમાં પણ તેની અસર જોવા મળી હતી.

અમદાવાદમાં સોનાના ભાવમાં 1600 રૂપિયા અને ચાંદીમાં 2500 રુપિયાનો એક દિવસનો મોટો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે રાજધાની દિલ્હીમાં 1317 રુપિયાનો સોનામાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ચાંદી પણ 24493 રુપિયા ઘટી હતી.

અમદાવાદ બજારમાં સોમવારે 99.9 /24 કેરેટ સોનું 57500 પ્રતિ 10 ગ્રામ હતો. તે આજે ઘટીને 55900 બોલાયો હતો. જ્યારે 99.5 /22 કેરેટ સોનું ગઇકાલના 57300થી ઘટીને 55700 રહ્યું હતું. હોલમાર્ક સોનું 56350થી ઘટી 54780 બંધ રહ્યું હતું.

જ્યારે અમદાવાદમાં ચાંદી ચોરસા કિલોએ 72500થી ઘટી 70000 બંધ રહી હતી. તો રુપું 72300થી ઘટી 69800 બોલાઇ હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનું 1989 ડોલર પ્રતિ ઔંશના નિચલા સ્તરે હતો. જ્યારે ચાંદી 27.90 ડોલર પ્રતિ ઔંશ પર બંધ થઇ હતી.

એમસીએક્સ પર ઓક્ટોબરનાો સોનાનો વાયદો આજે 0.63 ટકા ઘટી 54600 રુપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો. ત્રણ દિવસમાં સોનામાં બીજો કડાકો છે. ચાંદીમાં એમસીએક્સ વાયદો 1 ટકા ઘટી 74700 રુપિયા કિલો દીઠ રહ્યો હતો.

અમેરિકી ડોલરની સામે રુપિયો મંગળવારે 12 પૈસા સુધર્યો હતો. 74.78 રુપિયે બંધ રહ્યો હતો. ડોલરમાં કેટલાક ચલણમાં નબળાઇ અને ઘરેલુ શેર બજારમાં મજબૂતીને કારણે રુપિયાને ટેકો મળ્યો હતો. ગઇ કાલે રુપિયો ડોલર સામે 74.90 હતો.

(10:23 pm IST)