Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ઐસા પ્યાર કહા ?

મૃત્યુ પામેલી પત્નીની યાદોને જીવંત રાખવા પતિએ બનાવડાવી પ્રતિમા

પત્ની માટે એવું કર્યું કે સૌ કોઇ કહેશે... ભાઇ વાહ...

બેંગ્લોર તા. ૧૧ : ભારતમાં મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો તે દુનિયાની સાત અજાયબીઓમાંથી એક છે. આજ રીતે એક શખ્સ પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ જબરજસ્ત રીતે દર્શાવ્યો છે. કર્ણાટકના ઉદ્યોગપતિ શ્રીનિવાસ ગુપ્તાએ તાજમહેલ તો નથી બનાવ્યો પણ કંઈખ એવું કર્યું છે કે ૩ વર્ષ પહેલા મૃત્યુ પામેલા તેમના પત્ની એક પળ માટે ફરી 'જીવીત' થઈ ગયા. પોતાના નવા ઘરના ગૃહપ્રવેશ પ્રસંગે શ્રીનિવાસે પોતાની પત્ની માધવી સાથે મહેમાનોનું સ્વાગત કર્યું તો લોકોના રૂવાડા ઉભા થઈ ગયા હતા.

આજથી ૩ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૭માં શ્રીનિવાસ પોતાની પત્ની સાથે દીકરીઓ સાથે કાર લઈને કયાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કારનો એક ટ્રક સાથે અકસ્માત સર્જાઈ ગયો જેમાં બાકી બધા તો બચીગયા પણ તેમના પત્ની માધવીનું નિધન થઈ ગયું હતું.

આ ઘટના બાદ આખો પરિવાર ભાંગી પડ્યો હતો. જે બાદ તેમાંથી બહાર આવવા માટે શ્રીનિવાસે પત્ની માધવીના યાદમાં એક ઘર બનાવવાનું નક્કી કર્યું. તેઓ ઈચ્છતા હતા કે આ ઘરમાં તેમના પત્ની માધવી પોતે પણ હોય. તેમણે ઘણાં કલાકારોનો સંપર્ક કર્યો પણ પણ તેમને સફળતા ના મળી.

આ પછી જાણીતા આર્કિટેકટ રંગનાન્નવરે તેમનું સપનું પૂરું કર્યું. તેમણે શ્રીનિવાસની મુલાકાત શ્રીધર મૂર્તિ સાથે કરાવી અને શ્રીધરે સિલિકોન વેકસની આબેહૂબ માધવી જેવી મૂર્તિ બનાવી દીધી. તેમને પોતાને પણ વિશ્વાસ ના થયો પણ આ મૂર્તિ બનાવવામાં તેમને એક વર્ષનો સમય લાગી ગયો.

આ પછી ૮ ઓગસ્ટના રોજ તેમણે નવા ઘરના ગૃહપ્રવેશનો કાર્યક્રમ રાખ્યો ત્યારે શ્રીનિવાસની બન્ને દીકરીઓઓ માતાની મૂર્તિને તેમની સૌથી વધારે ગમતી ગુલાબી સાડી અને ઘરેણાથી સણગારી. આ પછી મૂર્તિને સોફા પર બેસાડવામાં આવી અને બાજુમાં પતિ શ્રીનિવાસ બેસી ગયા.

ગૃહ પ્રવેશના કાર્યક્રમમાં આવેલા મહેમાનો જયારે શ્રીનિવાસના ઘરે પહોંચ્યા તો તેમના રૂવાડા ઉભા થઈ ગયા કારણ કે તેમણે ૩ વર્ષ પહેલા ગુજરી ગયેલી વ્યકિતને તેમના પતિની બાજુમાં બેઠેલા જોયા હતા. મહેમાનોને એવું લાગ્યું કે તેમનો પરિવાર ફરી સંપૂર્ણ થઈ ગયો છે. જોકે, પછી તેમને વિગત જણાવવામાં આવી.

(3:43 pm IST)