Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કઇ વસ્તુ વધુ જોઇ ?

લોકડાઉનમાં લોકોએ રોજના ૪ કલાક ટીવી અને ઓનલાઇન કન્ટેન્ટ જોયું

સર્વેમાં સામે આવ્યું કે લોકડાઉનથી નુકસાન ભોગવી રહેલા લોકોએ પોતાના માનસિક તાણને ઓછો કરવા માટે વધુ માત્રામાં રમૂજી કન્ટેન્ટ જોયું

નવી દિલ્હી તા. ૧૧ : એપ્રિલ અને મે મહિના દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન રહ્યું હતું. આ દરમિયાન મોટાભાગના લોકોએ ઘરમાં રહીને કોઈને કોઈ રીતે સમય પસાર કર્યો. આ સમયમાં તેમના ટીવી જોવાથી લઈને ઓનલાઈન કન્ટેન્ટ જોવાનો સમય ૨૫ ટકા વધી ગયો હતો. MICAના પ્રોફેસર્સ દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં સામે આવ્યું કે લોકોએ આ દિવસો દરમિયાન એવરેજ ૪ કલાક માટે ટીવી અથવા ઓનલાઈન કન્ટેટન્ટ જોયું છે.

આ અભ્યાસ માટે દેશભરના જુદા જુદા વિસ્તારોમાંથી ૪૨૯ વર્કિંગ પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પૈકી ૫૭ ટકા લોકોએ જણાવ્યું કે લોકડાઉન પહેલા તેઓવ દિવસના ૨ કલાક કરતા પણ ઓછું ટીવી અથવા ઓનલાઇન કન્ટેન્ટ પાછળ સમય વાપરતા હતા. જયારે ૩૨.૭ ટકા ૨-૪ કલાકનો સમય પસાર કરતા હતા તો ૭.૫ ટકા ૪થી ૬ કલાક જેટલો સમય પસાર કરતા હતા. પરંતુ અભ્યાસમાં જણાયું કે લોકડાઉન દરમિયાન આ સમયમાં ૨૫ ટકા જેટલો વધારો થયો છે.

આ સર્વેમાં ભાગ લેનાર ૨.૩ ટકા લોકો જેઓ પહેલા દિવસના ૮ કલાક જેટલો સમય ટીવી જોવામાં પસાર કરતા હતા તેની ટકાવારી વધીને ૮.૩ ટકા હોય છે. આ ઉપરાંત જોવા મળ્યું કે લોકોએ કોમેડી કન્ટેન્ટ વધુ જોયું છે. સંશોધકોએ કહ્યું કે લોકડાઉનમાં કોવિડ-૧૯ના તાણ અને ચિંતા વચ્ચે લોકોએ પોતાને ફ્રેશ રાખવા માટે કોમેડી કન્ટેન્ટ વધારે પસંદ કર્યું છે.

પ્રો. સંતોષ પાત્રા અને MICAના સેન્ટરના ફોર મીડિયા એન્ડ એન્ટરટેઇમેન્ટ સ્ટડિઝના વિદ્યાર્થીઓએ કોવિડ-૧૯ એન્ડ કન્ટેન્ટ કન્ઝપ્શન શિર્ષક હેઠળ આ સંશોધન અભ્યાસ કર્યો હતો. પ્રો. પાત્રાએ કહ્યું કે ઓનલાઇન કન્ટેન્ટ લોકોને વધુ આકર્ષિત કરે છે. જોકે આવા પ્લેટફોર્મ માટે સૌથી મોટી ચેલેન્જ ગ્રાહકોને સતત જકડી રાખે તેવું કન્ટેન્ટ આપવું એક ચેલેન્જિંગ કામ છે.

(3:41 pm IST)